________________
(૧૫
ઇતિહાસનો ઇતિહાસ
પાટણ નગરીની અંદર હલચલ મચી હતી. આર્ય પાહિની અંતિમ અવસ્થામાં હતાં. પ્રવર્તિની આર્ય પાહિનીને સમાધિ આપવા સમગ્ર આર્યાવૃંદ ખડે પગે તૈયાર હતો. નગરમાંથી મોટા-મોટા શેઠીઆથી માંડી નિર્ધન શ્રાવકો પણ પુણ્યદાન કરવા આવતા હતા.
જાણો છો આ પાહિની આર્યા કોણ ? એ હતાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ. સાહેબનાં માતા. પુત્રની આચાર્યપદવી વખતે પાહિની માતાએ દીક્ષા લીધી હતી.
હવે અંતિમ અવસ્થા આવી પહોંચી હતી.
રાજા કુમારપાળ પણ આવી ગયા હતા. પુત્રરત્ન આચાર્ય શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી પણ હાજર હતા. બધા પુણ્યદાન સંભળાવી રહ્યા હતા. કોઇ કહે, ‘હું આપના નિમિત્તે લાખ રૂપિયા વાપરીશ. કોઇ કહે : બે લાખ, કોઇ કહે : ૧૦ લાખ, પણ આર્યા પાહિનીને આ બધું સાંભળતાં કોઇ અપૂર્વ સંતોષ થતો હોય એમ લાગતું નહોતું. એમની અંદર ઊંડે-ઊંડે છૂપાયેલી અસંતોષની લાગણી ચહેરા પર સ્પષ્ટ વંચાઇ રહી હતી. વારંવાર એમની નજર પુત્રરત્ન પર પડી રહી હતી. કદાચ એ વિચારી રહ્યાં હતાં. બધા જ કાંઇક ને કાંઇ પુણ્યદાન આપી રહ્યા છે તો આચાર્યશ્રી મૌન કેમ છે ? તેઓ કેમ કાંઇ બોલતા નથી ? આચાર્યની ચકોર નજર માતાના મનોભાવ સમજી ગઇ. કલિકાલસર્વજ્ઞને સમજતાં વાર શી ? તેઓ તે જ વખતે બોલી ઊઠ્યા : બજે મધુર બંસરી * ૩૭૮
“ઓ મારાં ઉપકારી ! હું આપના પુણ્યદાન નિમિત્તે એક ક્રોડ નવકારનો જાપ અને સાડા ત્રણ લાખ શ્લોકોની રચના કરીશ.”
સાઠ વર્ષની પાકટ ઉંમરે પહોંચેલા, જેમના પર અનેક શાસનની જવાબદારીઓ છે, એવા આ મહાન આચાર્યની મહાન ઘોષણા સાંભળી સૌ સ્તબ્ધ બની ગયા. મોટી ઉંમરે યુવાનને પણ શરમાવે તેવો ઉત્સાહ ! અદ્ભુત થનગનાટ ! સાહિત્યની અપૂર્વ લગની !
સાધનાની વિરાટ મસ્તી ! વાહ ધન્ય જીવન ! ધન્ય સાધનો ! ધન્ય માતાપુત્રની બેલડી ! બધાના હૃદય અને મસ્તક ઝૂમી ઊઠ્યા.
આ સંકલ્પમાંથી જ મહાન જૈન ઇતિહાસનું સર્જન થયું. એ ગ્રંથનું નામ ‘ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર'. જેમાં ૧૦ પર્વો છે, ૧ પરિશિષ્ટ પર્વ છે. કુલ છત્રીશ હજાર જેટલા શ્લોકો છે. આજે પણ અનેક પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતો એ ગ્રંથનું હોંશે હોંશે વાંચન કરી રહ્યા છે. એ ગ્રંથમાં ૨૪ તીર્થંકરો, ૧૨ ચક્રવર્તીઓ, ૯ વાસુદેવો, ૯ બળદેવો અને ૯ પ્રતિવાસુદેવોનું જીવન ચરિત્ર છે. ઠેઠ આદિનાથ ભગવાનથી માંડીને મહાવીર સ્વામી સુધીના ઘણાખરા પ્રસંગોને આ ગ્રંથમાં ગૂંથી લેવામાં આવ્યા છે. હા... રામાયણ અને મહાભારત પણ આમાંથી બાકાત નથી. પરિશિષ્ટ પર્વમાં સુધર્મા સ્વામી આદિ ગુરુ ભગવંતોની પાટ પરંપરા વર્ણવવામાં આવેલી છે. આ ગ્રંથમાં માત્ર ચરિત્ર જ નથી, પણ શાસ્ત્રોનો સાર પણ મૂકેલો છે. એમાં પણ દરેક તીર્થંકર ભગવંતોની દેશના અને ઇન્દ્રની સ્તુતિઓ તો ખાસ મનનીય છે. એ વાંચતા આપણને ખ્યાલ આવશે કે પૂજ્ય આચાર્યશ્રીમાં માત્ર વિદ્વત્તા જ નથી, પણ શાસનનો રાગ પણ ઠસોઠસ ભરેલો છે. દરેક જૈનોએ આ ગ્રંથ વાંચવા જેવો છે. એ ગ્રંથ વાંચતા પ્રતીતિ થશે કે–
માતાના નિમિત્તે મહાન પુત્રે જૈનશાસનને કેવી ભેટ ધરી છે ? વાચકના મુખમાંથી અવશ્ય શબ્દો સરી પડશે–ધન્ય માતા ! ધન્ય પુત્ર !
બજે મધુર બંસરી * ૩૭૯