________________
બીજું નામ છે. એવો માર્ગ આપણે ન જોઇએ. આપણી સાથે ભગવાન છે, ભગવાનના શાસ્ત્ર છે. અવિચ્છિન્ન પરંપરા છે, શુદ્ધ સત્ય છે, અકાટ્ય તર્ક છે, શાસનદેવની સહાય છે. પછી જોઇએ શું ? મારું અંતઃકરણ કહી રહ્યું છે કે આપણો વિજય થવાનો જ છે. અને એ પણ સત્યના માર્ગે જ, તમે સૌ શાંત બનો. સ્વસ્થ બનીને જોયા કરો.
સુરિજીની આવી સત્ય નિષ્ઠા જોઇ સૌના મસ્તક ઝૂકી પડ્યા.
શુભ દિવસે વાદ શરૂ થયો. બંને પક્ષના આચાર્યોએ રાજાનું અભિવાદન કર્યું. તેમાં કુમુદચંદ્ર પોતાના શ્લોકમાં છેલ્લે બોલ્યા : ‘વાચસ્તતો મુદ્રિતા:' આથી ડાહ્યા વિદ્વાનોને લાગ્યું કે ખરેખર કુમુદચંદ્રની વાણી મુદ્રિત થઇ જશે. ભાવિના સંકેત સમી આ પંક્તિ તેમના મુખમાંથી સરી પડી લાગે છે.
તે વખતે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજ હાજર હતા. તેમને નાના સમજીને કુમુદચંદ્ર મશ્કરી કરવાનો પ્રયત્ન કરેલો... પણ હેમચંદ્રસૂરિજીએ એવા જડબાતોડ જવાબ દીધેલા કે જેથી તેઓ છક્કડ ખાઇ ગયા.
સભામાં કુમુદચંદ્ર હેમચંદ્રસૂરિને કહેલું : ‘ત્વે વાતોગસિ’ ‘તું બાળ છે.”
‘હું બાળ નથી. બાળક તો તેને કહેવાય. જેને કપડા પહેરવાની જરૂર ન હોય. હું તો કપડા પહેરીને બેઠો છું. તમે કપડા વિનાના છો. હવે બાળ કોણ ? તે તમે જ કહો.'
આવા જડબાતોડ જવાબથી કુમુદચંદ્ર તો ડઘાઈ જ ગયેલા. આનાથી પહેલા પણ એમને એક શ્વેતાંબર મુનિનો આનાથી પણ કડવો અનુભવ થયેલો. તે વાર્તાલાપ આ પ્રમાણે :
‘તું કોણ ?’ - ‘હું દેવ’ ‘દેવ કોણ ?' - ‘હું' ‘હું કોણ ?' – “કૂતરો’
બજે મધુર બંસરી * ૩૭૪
‘કૂતરો કોણ ?'- ‘તું' ‘તું કોણ’ - ‘દેવ'
આ ચક્ર-ભ્રમણ ન્યાયથી પોતાને કૂતરો બતાવ્યો... અને બોલનાર સ્વયં દેવ છે એમ જણાવ્યું... આવી વાચાતુરીના સ્વામી શ્વેતાંબર સાધુઓ હોય છે. આથી કુમુદચંદ્ર તો સ્તબ્ધ જ થઇ ગયેલા. નાના-નાના સાધુઓમાં પણ આટલી વિદ્વત્તા તો દેવસૂરિમાં કેટલી ઠોસ વિદ્વત્તા હશે ? અને ખરેખર વાદસભામાં એનો પરિચય થયો. કુમુદચંદ્ર નિરૂત્તર થયા... અને દેવસૂરિજી જીત્યા.
| વિજયની ખુશાલીમાં એક મોટો વરઘોડો પાટણમાં નીકળ્યો. એમાં સિદ્ધરાજ સ્વયં હાજર રહ્યો . એક ગુજરાતી આચાર્યના વિજયથી એને પણ આનંદ હતો.
- વાદની શરત એ હતી કે જે હારે તે સમસ્ત સંઘ સાથે આ દેશ છોડીને અન્યત્ર ચાલ્યા જાય.
શરત મુજબ જયારે દિગંબરાચાર્ય કુમુદચંદ્ર દેશ છોડીને જવા લાગ્યા ત્યારે દેવસૂરિજીએ તેમને અટકાવ્યા અને કહ્યું કે આ શરત પળાય એવો અમારો કોઇ આગ્રહ નથી. ખરેખર આચાર્યશ્રીએ ત્યારે પોતાના હૈયે વસેલી વિશ્વમૈત્રી પ્રગટ કરી.
પરંતુ જો દિગંબરાચાર્ય જીતી ગયા હોત તો ? શું હાલત થાત ? શ્વેતવસ્ત્રધારી સાધુઓ જોવા મળે છે તે કદાચ જોવા ન મળત.
કોઇ કવિએ ઠીક જ કહ્યું છે : यदि नाम कुमुदचन्द्रं, नाऽजेष्यद् देवसूरिरहिमरुचिः कटिपरिधानमधास्यत, कतमः श्वेताम्बरो जगति ?
ચંદ્રશા કુમુદચંદ્રને સૂર્યશા દેવસૂરિજીએ જો ન જીત્યા હોત તો કયો શ્વેતાંબર વસ્ત્ર પહેરી શકત ?
બજે મધુર બંસરી * ૩૭૫