________________
જ રાજયગાદીનો વારસદાર છે. બાળકને ગમે તે રીતે બચાવી જ લેવો જોઇએ અને તરત જ સાવધાનીપૂર્વક ચાણક્ય પેટ ફાડી બાળક બહાર કાઢ્યો. વિષની અસરથી જો કે બાળક તદ્દન મુક્ત હતું, પણ મસ્તક પર એક બિંદુ લાગેલું હતું. તેથી તેટલો ભાગ સફેદ થઇ ગયો. તેથી રાજનું ! આપનું નામ બિંદુસાર પાડવામાં આવ્યું.
આ સાંભળતાં જ રાજા તો ચકિત થઇ ગયો. અરેરે ! મેં આ શું કર્યું ? મને જીવિતદાન આપનાર મહાન ઉપકારી ચાણક્યનો મેં તિરસ્કાર કર્યો ? મારે હમણાં જ ક્ષમા માંગવી જો ઇએ... એમ વિચારી તે તરત જ ચાણક્યના ઘેર પહોંચ્યો. પણ સમાચાર મળ્યા કે ચાણક્ય તો સંસારની વાસનાથી મુક્ત બની ગામ બહાર પહોંચી ગયા છે.
રાજા તરત જ ત્યાં પહોંચ્યો અને અપરાધની ક્ષમા માંગવા લાગ્યો. ‘ઓ મહાન ઉપકારી મહાનુભાવ ! આપનો મેં ઘોર તિરસ્કાર કર્યો છે. મારા એ અપરાધની મને માફી આપો અને પાછા રાજમહેલે પધારો અને મંત્રી મુદ્રા સ્વીકારો.”
ચાણક્ય કહ્યું : “રાજન્ ! હવે મેં બધી મુદ્રાઓ છોડી દીધી છે. માત્ર મંત્રી મુદ્રા જ નહિ સુવર્ણમુદ્રા યુક્ત સમગ્ર સંસારનો પણ મેં ત્યાગ કર્યો છે. હવે હું માન-અપમાનથી પર બન્યો છું. તમારા કરેલા અપરાધની મેં ક્યારેય માફી આપી દીધી છે. માફી આપ્યા વિના ધ્યાની બનાય શી રીતે ? હવે હું અનશનમાં છું. શરીરનો પણ મેં ત્યાગ કર્યો છે... મંત્રીપણાની તો વાત જ ક્યાં ?
- આ સાંભળીને મનમાં ખેદ ધારણ કરતો રાજા નગર તરફ પાછો વળી રહ્યો છે ત્યારે સામેથી સુબંધુ મળ્યો અને તેણે ચાણક્યને ખમાવવાની અનુમતિ માંગી. સરળ રાજાએ તેને આજ્ઞા આપી. સરળને આખું જગત સરળ દેખાય છે પણ સુબંધુ તો કૂડ-કપટનો અવતાર હતો. તે વંદના-ક્ષમાપનાના બહાને ચાણક્ય મુનિ પાસે પહોંચી ગયો. હૃદયમાં હજી તેનો ડંખ ગયો નથી. સત્તાની લાલસા
બજે મધુર બંસરી * ૩૩૦
હજુ અકબંધ બેઠી છે. રખેને ક્યાંય ધ્યાન છોડી ચાણક્ય પાછું પ્રધાન-પદુ મેળવી લે ! આવા ઢોંગ-ધતીંગ કરતાં તો ચાણક્યને બહુ આવડે છે. આવું કરી કરીને તેણે કેટલાયને મોતને ઘાટ ઉતારી દીધા છે. પણ હું કાંઇ કાચો નથી. એ કાંઇ કરે એ પહેલા જ હું એને પતાવી દઊં... પછી એ બેટમજી શું કરવાના ? ન રહેગા બાંસ.. ન બજેગી બંસરી... બસ પછી તો પ્રધાનપદું મારા બાપનું !
આવી મેલી મુરાદ મનમાં રાખીને તેણે બહારથી ચાણક્યની સ્તુતિ કરી ક્ષમા માંગી અને છેલ્લે ધૂપના બહાને લાવેલા અંગારા ચાણક્યના પગ પાસેના છાણા પાસે મૂકી દીધા અને ચૂપચાપ રવાના થઇ ગયો.
ધગધગતા અંગારાના કારણે જોતજોતામાં આગ લાગી. ચાણક્ય બળવા લાગ્યા, પણ તેમની ક્ષમા સતેજ થવા લાગી. એને બાળવાની તાકાત કોની છે ? શરીર બળી રહ્યું છે છતાં એક ડગલું પણ તેઓ ખસ્યા નહિ. સત્ત્વના ખડક પર ઊભા રહીને જાણે તેઓ સંકટોને આમંત્રણ આપી રહ્યા હતા :
સત્ત્વના પડખે રહી ઝૂઝતા, પળવાર પણ ખસવું નથી. સંકટો ! દુઃખો ! પધારો સ્વાગતમ્ હવે લેશ પણ ચસવું નથી ! મર્દની મોકાણમાં જાવું ભલે, કાયરોની જાનમાં ચડવું નથી. મોતની મુસ્કાન મીઠી માણીશું, જિંદગીમાં જીવવા રડવું નથી.
પોતાના આત્માને આ ચાણક્ય સમજાવી રહ્યા હતા : ‘ઓ આત્મન્ ! અત્યાર સુધીમાં તે કેઇને મોતને ઘાટ ઉતાર્યા છે. કેટલાય કાવા-દાવા કર્યા છે. હવે છેલ્લી જિંદગીમાં આ ધ્યાન મળ્યું છે...
બજે મધુર બંસરી * ૩૩૧