________________
‘હા... સાવ સાચી છે.’ ધાવામાતાએ કહ્યું, પણ કામકાજની ઉતાવળ હોવાના કારણે વિશેષ ખુલાસો ન કર્યો.
આથી બિંદુસારને ચાણક્ય પર જોરદાર ગુસ્સો ચડ્યો : આ હાથ જોડી-જોડી માથું ઝૂકાવી-ઝૂકાવી પ્રણામ કરનારો, મીઠું-મીઠું બોલનારો, ચાણક્ય આવો નીચ છે ? એણે મારી માતાને મારી નાખી ? આવા માણસની સામે જોવું તેય પાપ છે.
આથી રાજસભામાં આવેલા ઝૂકી-ઝૂકીને પ્રણામ કરતા ચાણક્યની સામું પણ રાજાએ જોયું નહિ. ચાણક્યને થયું : જરૂર મહારાજા મારા પર નારાજ છે. આજ સુધીમાં કદી બન્યું નથી કે મહારાજાએ કદી ઊંચી આંખ પણ કરી હોય. પણ આજે આમ કેમ ?
નક્કી કોઇ ચાડીઆએ... કોઇ મંત્રી પદની સત્તાના ભૂખ્યાએ કાનભંભેરણી કરી લાગે છે. નહિ તો મહારાજા કદી રૂઠે નહિ... પણ એ ઇર્ષ્યાળુને એવો પાઠ ભણાવું કે એ પણ બંદો યાદ કરી જાય.
આમ વિચારી ચાણક્ય તરત જ પોતાના ઘેર ગયો અને અમુક પ્રકારની સુગંધી જડીબુટ્ટીઓનું સંયોજન કરી એક નાની ડબ્બીમાં મૂકી અને ભોજપત્રની ચિઠ્ઠી મૂકી. એ ચિઠ્ઠીમાં લખ્યું : આ સુગંધી દ્રવ્યોને જે સૂંઘશે તેણે જીવનભર સ્ત્રી, અગ્નિ, કાચું પાણી અને વનસ્પતિનો સ્પર્શ કરવો નહિ. જો તે કરશે તો તાત્કાલિક મૃત્યુ પામશે.
ચિઠ્ઠીને ડબ્બીમાં મૂકી. એ ડબ્બીને મોટી ડબ્બીમાં મૂકી અને ખીલીઓ લગાવી એકદમ પેક કરી. એ મોટી ડબ્બીને તિજોરીમાં મૂકી અને મોટા-મોટા તાળા લગાવ્યા. અને એ રૂમને પણ તાળાઓ લગાવી સજ્જડ બંધ કરી દીધો અને તે પોતાના ઘરમાંથી બહાર નીકળી ગયો.
રસ્તામાં ચાલતાં-ચાલતાં તેનું મન વૈરાગ્યવાસિત બન્યું : ‘હે જીવ ! હવે ક્યાં સુધી આવા કાવા-દાવામાં મસ્ત થઇને રહેવું છે? કાવા-દાવા કરીને કેટલાયને મારી-મરાવીને હે આત્મન્ ! તારે જવું છે ક્યાં ? છેલ્લી જિંદગીમાં પણ રાજકીય આટાપાટા ખેલવા છે ? રે ! બજે મધુર બંસરી * ૩૨૮
ચેતન ! હવે અંતકાળ નજીક આવ્યો છે, આંખે-કાને ઝાંખપ આવી છે, હવે તો કલ્યાણ કરી લે, હવે તો પ્રભુનો માર્ગ પકડી લે.'
આમ એકદમ વૈરાગ્યવાસિત બની ચાણક્ય સંવર ભાવવાળો બની ગામ-બહાર ગોકુળના સ્થાનમાં છાણાઓ પર ઈંગિની અનશન સ્વીકારીને કાયોત્સર્ગ ધ્યાનમાં લીન બની ગયો.
આ બાજુ પેલી ધાવમાતાને ખબર પડી કે રાજાએ મહામંત્રી ચાણક્યનો તિરસ્કાર કર્યો છે. આથી તેણીએ મહારાજાને પૂછ્યું :
‘આપે ચાણક્યનો તિરસ્કાર શા માટે કર્યો ?'
મારી માતાને મારનારનો તિરસ્કાર ન કરું તો શું કરું ?' ‘અરે, ભલા માણસ ! જરા સાંભળો તો ખરા ! એણે કયા સંયોગોમાં એમ કર્યું છે... એ જાણશો તો તમને ખબર પડશે કે એમ ન કર્યું હોત તો આજે બિંદુસાર રાજા જ ન હોત. વાત એમ હતી કે તમારા પિતાશ્રી ચંદ્રગુપ્ત મહારાજા દરરોજ વિષમિશ્રિત આહાર કરતા હતા. કોઇ શત્રુ ઝેર આપી મારી ન નાખે માટે ચાણક્યે તેમને થોડું-થોડું વિષ ખવડાવવાનું શરૂ કર્યું હતું અને વિષની માત્રા વધારતાં-વધારતાં એક દિવસ તેઓ તેટલું વિષ ખાવા લાગ્યા કે જો કોઇ બીજો ખાય તો તાત્કાલિક મૃત્યુ જ થઇ જાય. પણ રોજની આદતના કારણે ચંદ્રગુપ્તને કાંઇ થતું નહિ. એક વખતે તમારી માતાને રાજાની સાથે બેસીને ખાવાની ઇચ્છા થઇ. રાજાની ગેરહાજરીમાં તેણીએ વિષાક્ત આહાર ખાઇ ગઇ અને ઝેરના કારણે
તે થોડીજ વારમાં તરફડીઆ મારવા લાગી. સૌ દોડી આવ્યા... પણ હવે રાણીનું બચવું અશક્ય હતું. હે રાજન્ ! ત્યારે આપ પેટમાં હતા. ૯ મહિના પૂરા થઇ ગયા હતા.
મૃતપ્રાયઃ થયેલી આપની માતાને જોઇને બુદ્ધિનિધાન ચાણક્યે વિચાર્યું : હવે આ માતા તો મૃત્યુ પામી... એને કાંઇ જીવાડી શકાશે નહિ, પણ પેટમાં રહેલા બાળકને કેમ મરવા દેવાય ? ભાવિમાં એ બજે મધુર બંસરી * ૩૨૯