________________
કિંજૂસાઇથી ઉદારતા તરફ...
એક હતા શેઠજી. એવા કંજૂસ એવા કંજૂસ કે ન પૂછો વાત. ‘ચમડી તૂટે પણ દમડી નહિ' આ કહેવતને તેમણે હૃદયના પ્રત્યેક તારની સાથે વણી દીધી હતી,
ગામની અંદર બધા જ શેઠોએ અવસરે અવસરે ગામ જમણ કરેલું... પણ આ શેઠજીએ ક્યારેય જમણવાર કર્યો ન્હોતો. જ્યારે આવો કોઇ અવસર આવે ત્યારે કંઇક બહાનું કાઢીને છટકી જાય અથવા તો બહારગામ ભાગી જાય. આથી ગામમાં ટીકા થવા લાગી કે ધૂળ પડી શેઠની સંપત્તિમાં જેણે જીવનમાં એકવાર પણ ગામને જમાડ્યું નથી. નાના-નાના ગરીબ ભૂલકાઓને જેણે રાજી કર્યા નથી.
આ વાત ફેલાતી ફેલાતી શેઠના પુત્રો પાસે પણ આવી. એમને આ સાંભળીને બહુ લાગી આવ્યું. તેમણે વિચાર્યું : તે સંપત્તિ શા કામની જેનો સદુપયોગ ન થાય ? જો સંપત્તિને સન્માર્ગે નહિ ખર્ચાએ તો ક્યાંક તો ખર્ચાવાની જ અને તે ઉન્માર્ગ જ હશે, લક્ષ્મીની ત્રણ ગતિ છે : દાન, ભોગ અને નાશ. જે દાન કરતો નથી, ભોગવતો પણ નથી તેની સંપત્તિનો વિનાશ થઇને જ રહે છે. અને માણસ ગમે તેટલું કમાય, પણ આખરે એ બધું અહીં જ છોડીને એને ચાલ્યા જ જવાનું છે ને ? કમાયેલી લક્ષ્મીને મૂકી જવી અને તેના માટે કરેલા પાપોને સાથે લઇ જવા આવું કયો ડાહ્યો માણસ ઇચ્છે ?
બજે મધુર બંસરી * ૩૦૮
આપણે બીજાનું ખાઇએ અને કોઇને ખવડાવીએ નહિ એ ક્યાંનો ન્યાય ? મારું મારા બાપનું ને તારામાં મારો અર્ધો ભાગ' આ સિદ્ધાંતનું પાલન અહીં પુણ્ય તપે છે ત્યાં સુધી ભલે કરી લઇએ, પણ કુદરતના દરબારમાં ક્યાંય ગરબડ નહિ ચાલે, ત્યાં તો પાઈપાઇનો ને રાઈ-રાઈનો હિસાબ ચૂકવવો પડશે. જ્ઞાનીઓ આપણને વારંવાર કહે છે : મહાનુભાવો ! ખરો આનંદ આપવામાં છે, લેવામાં નહિ. ખવડાવવામાં છે, ખાવામાં નહિ.” શું આ ખોટું હશે ? જ્ઞાનીઓને કોઇ સ્વાર્થ હોતો નથી. તેઓ શા માટે ખોટું કહે ? એક વખત તો ખરેખર ખવડાવવાનો આનંદ માણવો જ જોઇએ.
બધા પુત્રોએ આવી વિચારણાના અંતે ગામ-જમણ કરવાનું નક્કી કર્યું, પણ પિતાજી કેવા છે તે તેઓ સારી પેઠે જાણતા હતા. આથી જ શું કરવું ? એ બધી ખાનગી ચર્ચા પણ કરી લીધી.
એક દિવસે પિતાજીને પૂછ્યા વગર જ તેમણે ગામને જમવાનું નોંતરું આપી દીધું.
પિતાજીને ચડાવી દીધા ઉપરના માળે. આ વાતની ગંધ સુદ્ધાં શેઠજીને આવી હતીએ તો આરામથી ઉપરના માળે બારી પાસે બેઠા હતા. ત્યાં જ તેમને લોકોનો કોલાહલ સંભળાયો. નીચે નજર કરી તો પોતાના જ ઘેર લોકો જમવા માટે આવતા હોય એવું લાગ્યું. ચુરમાના લાડવા, શિરો અને લાપસીની સુગંધ આવવા લાગી. તમને એમ લાગતું હશે કે એમને ગુસ્સો ચડ્યો હશે... પણ ના... માણસ બધી વખતે એક સરખો નથી હોતો. એ પલટાઈ શકે છે. જો કોઇ પલટાઇ શકતો ન હોત તો ધર્મગુરુઓનો બધો જ પરિશ્રમ નકામો ગણાત. પણ નહિ, કંજૂસ દાની બની શકે છે, ખાઉધરો તપસ્વી બની શકે છે. એજ આશાએ તો ધર્મગુરુઓનો અને ધર્મ ગ્રંથોનો પરિશ્રમ છે. નહિ તો શું જરૂર હતી ધર્મની ?
બજે મધુર બંસરી * ૩૦૯