________________
જેને આત્મસાક્ષાત્કાર થયેલો હોય તે આવો નિરપેક્ષ અને ખુમારીથી ભર્યો-ભર્યો હોય.
એને અંદરના આનંદનું ઝરણું મળી ગયું છે... આત્મા સાથે, પરમ ચેતના સાથે અનુસંધાન થઇ ગયેલું છે.
પરમ ચેતનાના સ્પર્શથી જ તેમાં ખુમારી પ્રગટ થયેલી હોય છે, નિરપેક્ષતા પ્રગટ થયેલી હોય છે.
આવો યોગી જે બોલે તે મંત્ર બને છે. જ્યાં ચાલે તે સ્થળ તીર્થ બને છે, જે કરે તે યજ્ઞ બને છે.
देहाभिमाने गलिते, विज्ञाते परमात्मनि ।
यत्र यत्र मनो याति तत्र तत्र परामृतम् ॥
‘દેહાભિમાન જ્યારે ગળી જાય છે, પરમ તત્ત્વ જ્યારે જણાઇ જાય છે, ત્યારે જ્યાં જ્યાં મન જાય છે ત્યાં ત્યાં અમૃતના ફુવારા ઊછળે છે, સમાધિ હોય છે.’ આવી દશાનો સ્વામી યોગી બને છે.
ધબીજની વાવણી પછી સંભાળ રાખવામાં ન આવે તો આગળનો વિકાસ દુર્લભ બની જાય. હું મારી જ વાત કરું. માણસોની એટલી ભીડ કે હું મારા માટે ૫-૧૦ મિનિટ નથી કાઢી શકતો. ઘણી વાર થાય : હું શું આપીશ ? મારી પાસે શું છે ? છતાં વિચાર આવે : મને ભલે કાંઇ નથી આવડતું. મારા ભગવાનને તો આવડે છે. એ સાથે છે. પછી શી ચિંતા ?
સાચું કહું છું : હમણાં જ ભગવતીનો પાઠ મહાત્માઓને આપીને આવ્યો છું. શું કહીશ ? તે જરાય વિચારીને નથી આવ્યો. ભગવાન ભરોસે ગાડી ચલાવું છું.
આપણને શરણાગતિ પણ ક્યાં આવડે છે ? એ પણ ભગવાન જ શિખવાડે છે.
કહે કલાપૂર્ણસૂરિ-૪ (પા.નં. ૩) તા. ૧૭-૦૯-૨૦૦૦, ભા.વ. ૪
ઉપદેશધારા * ૨૮૬
બજે મધુર બંસરી (ઐતિહાસિક પ્રસંગો)
દર્ભાવતી રત્ન પૂ. આચાર્યશ્રી મુનિચંદ્રસૂરિજી
અગિયારમી સદીના ઉત્તરાર્ધનો સમય...
રળિયામણું દર્શાવતી નગર... (ડભોઇ નગર) ચિંતક શેઠ... મોંઘીબેન શેઠાણી !
‘ચિંતય’ એમનું કુળ !
કોઇ પુણ્યવંતા દિવસે એમને ત્યાં એક તેજસ્વી બાળકનો જન્મ થયો. એના જન્મથી માત્ર માતા-પિતા જ નહિ, પણ બાજુના પાડોશીઓ પણ આનંદિત બની ઊઠ્યા.
એનું મુખ ! જાણે પૂનમનો ચંદ્ર !
એનું કપાળ ! જાણે આઠમનો ચંદ્ર !
એની આંખડી ! જાણે કમળની પાંખડી !
એનો ત્રણ રેખાયુક્ત કંઠે ! જાણે કે દક્ષિણાવર્ત શંખ ! આવો મનમોહક બાળક કોને ન ગમે ? જેણે જેણે એ બાળક જોયો તે સૌએ મોંઘીબાઇને રત્નકુક્ષિ કહીને નવાજ્યાં !
એક દિવસે વિહાર કરતા કરતા આચાર્યશ્રી યશોભદ્રસૂરિજી આવી ચડ્યા. ડભોઇના ભક્તિવંતા શ્રાવકોએ ભાવભીનું સ્વાગત કર્યું. દરરોજ વ્યાખ્યાનાદિ ચાલવા લાગ્યા. યશોભદ્રસૂરિજીની જાદુઇ વાણીએ ડભોઇ પર જાણે કામણ કર્યું. નાનાથી માંડીને મોટેરા સૌ વ્યાખ્યાનમાં આવવા લાગ્યા. વિશાળ ઉપાશ્રય પણ સાંકળો પડવા લાગ્યો.
બજે મધુર બંસરી * ૨૮૭