________________
આત્માના પ્રદેશે-પ્રદેશમાં વ્યાપી ગયેલો સુવિચાર, બધા જ કુવિચારોને હડસેલી શકે છે. થોડું જ મેળવણ તપેલા જેટલા દૂધને દહીં બનાવી જ નાખે છે ને !
ઉપશમ, વિવેક, સંવર - આ ત્રણ શબ્દ પરની જ સુવિચારધારાએ ચિલાતીપુત્રના બધા જ કુવિકલ્પના કચરા કાઢી મૂકેલા.
“મા રુપ મા તુષ' (રાગ-દ્વેષ નહિ કરવા) આટલા જ સુવિચારને ભાવિત બનાવવાથી માતુષ મુનિ કેવળી બન્યા હતા.
આ છે સુવિચારની તાકાત ! બોલાયેલા કે લખાયેલા શ્રેષ્ઠ શબ્દો કરતાં સુવિચારની તાકાત અનેકગણી વધુ છે, એવું પરમ સત્ય સ્વીકારવા માટે મૌનના મંદિરમાં બેસીને આપણા મગજને ઢંઢોળવું પડશે, સુવિચારો જાગૃત કરવા પડશે.
સુવિચારોની બાબતમાં આપણે ઘણા દરિદ્ર છીએ. એનાથી પણ વધુ કરુણ વાત એ છે કે એ દરિદ્રતા આપણને કઠતી નથી. ગંદા કે મેલા વસ્ત્રોથી આપણને શરમ આવે છે, જેવા-તેવા મકાનમાં રહેવું આપણને ગમતું નથી. અરે... જોડા પણ જેવા-તેવા ગમતા નથી, પણ જેવા-તેવા વિચારોથી નથી તો આપણને શરમ આવતી કે નથી તો એના માટે આપણે કશો પ્રયત્ન કરતા. સારા વસ્ત્ર, સારું ઘર, સારી વાણી, સારા જોડા, વગેરેની જેમ સારા વિચારોનું પણ આગવું સૌંદર્ય હોય છે, એવું આપણને કદી લાગ્યું નથી.
સારા વિચારો તો આપણા આંતરિક સૌંદર્યની નિશાની છે. ઘણીવાર આપણે શ્રેષ્ઠ જીવન-સાથી કે સારા મિત્ર માટે વિચારીએ છીએ, પણ સારા વિચારો કરતાં શ્રેષ્ઠ સાથીદાર બીજા કયા છે ? આ સાથીદાર એવા છે કે જે તમને કદી દગો નહિ આપે, તમારાથી કદી અલગ નહિ થાય, તમારું કદી બગાડશે નહિ. તમને ‘એકલા રહીને શી રીતે જીવવું' તે શીખવાડશે. આ જગતમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઇ સિદ્ધિ હોય તો માણસ ‘એકલો’ રહીને જીવી શકે તે છે. ઉપદેશધારા * ૨૭૮
સુવિચારની સમૃદ્ધિ તમને એ સિદ્ધિ આપે છે. એકલા જીવવાની કળા શીખવે છે. બાકી બધું આ જગતમાં ચલાચલ છે. જીવનમાં અનેક જીવોના સંપર્કો થાય છે ને તૂટી જાય છે, પણ સુવિચાર તમારા સદાના સાથી રહે છે; જો તમે એને રાખી શકો.
જેના મગજમાં સુવિચારોના રત્ન ભરેલા છે તે જગતનો સૌથી શ્રીમંત માણસ છે. દરિદ્ર હોવા છતાં તે ‘દરિદ્રી’ નથી. એકલો હોવા છતાં તે એકલો નથી.
સુવિચારથી સમૃદ્ધ માણસના આચાર અને ઉચ્ચાર સ્વયમેવ સમૃદ્ધ બની જાય છે. એ જે કરશે તે વિચારીને કરશે. એ જે બોલશે તે વિચારીને બોલશે. એની વાણી અને એના કાર્યમાં સંયમ હશે, સંવાદિતા હશે. આવી સંવાદિતાના કારણે એ આંતરિક અવિનશ્વર સૌંદર્યનો સ્વામી બનશે.
આવા બનવા માટે કુવિચારોને કાઢવા જ પડશે. કુવિચારોની સાથે સુવિચારો રહી શકે નહિ. કુવિચારો અને કુભાવનાઓ જો આપણે ન કાઢી શકીએ તો ભગવાન પણ કશું નહિ કરી શકે, આપણો સર્વનાશ રોકી નહિ શકે.
કુવિચાર મનુષ્યના વિનાશનું કારણ બને છે. કારણ કે કુવિચારના વારંવારના સેવનથી માણસ વહેલો-મોડો કુકર્મમાં પ્રવૃત્ત થાય જ છે.
આજે જે કુકર્મમાં પ્રવૃત્ત થયેલો માણસ દેખાય છે, તેણે ગઇ કાલે (અર્થાત્ ભૂતકાળમાં) કુવિચારો અવશ્ય સેવેલા, એમ સમજી લેજો. એવી જ રીતે જે આજે કુવિચાર સેવે છે, તે આવતીકાલે અવશ્ય કુકર્મ સેવવાનો !
આને ઉલ્ટાવીએ તો આમ પણ કહી શકાય : આજે જે માણસ ખરા ભાવથી સત્કર્મ કરે છે, તેણે ગઇ કાલે અવશ્ય સુવિચાર કર્યા હશે. આજે જે સુવિચાર કરે છે તે આવતી કાલે અવશ્ય સત્કર્મમાં
ઉપદેશધારા * ૨૭૯