________________
પ્રીતમ માહરો રે ઓર ન ચાહું રે કંત.’ પહેલું જ આ સ્તવન એમ બતાવે છે કે સાધનામાં સર્વ પ્રથમ પ્રભુ-પ્રેમ જ જોઇએ. ઉપા. શ્રી યશોવિજયજીએ પણ પોતાની સ્તવન-ચોવીશીમાં પ્રભુ-પ્રેમથી પ્રારંભ કર્યો છે. પૂ. દેવચંદ્રજીની ચોવીશીનું પહેલું સ્તવન (ઋષભ જિણંદ શું પ્રીતડી...) પણ પ્રભુ-પ્રેમ જ બતાવે છે.
પ્રભુને ખરા હૃદયથી ચાહો. આત્માના પ્રત્યેક પ્રદેશમાં, નાડીના પ્રત્યેક ધબકારામાં, હૃદયના દરેક સ્પંદનમાં અને પ્રત્યેક શ્વાસમાં પરમાત્માને પ્રતિષ્ઠિત કરી દો. સંપૂર્ણ અસ્મિતા પ્રભુમય બનાવી દો ! ત્યાર પછી મન પોતાની મેળે સ્થિર થવા લાગશે.
મન સ્થિર નથી એ પ્રભુ મળ્યા નથી એની નિશાની છે. એક રીતે જોતાં આ વાત સારી પણ છે. અસ્થિર મન આપણને સતત ખબર આપતું રહે છે ઃ હે આત્મન્ ! હજુ બીજે ક્યાંક શોધ ચલાવ. મને જે (પ્રભુ) જોઇએ છે તે નથી મળ્યું.
તમે જોજો : મન કોઇ સ્થળે સ્થિર નહિ બને. ૧૦૦ રૂા. મળશે તો મન કહેશે : ૧૦૦૦ રૂા. લાવો. ૧૦,૦૦૦/- મળશે તો કહેશે હજુ બીજું વધુ જોઇએ. અરે સોનાનો ડુંગર મળી જાય, સત્તાનું સિંહાસન મળી જાય, ફૂલોની શય્યા મળી જાય કે અપ્સરાઓ જેવી રૂપવતી સ્ત્રીઓ મળી જાય. પણ મન સતત ભટકતું જ રહેશે... હા, એ પદાર્થો યાં સુધી મળેલા ન્હોતા ત્યાં સુધી મન સતત રટણ કરતું હતું કે એ પદાર્થ લાવી આપો... પછી હું એકદમ સ્થિર ! પણ જ્યાં પદાર્થ મળ્યો કે મન ફરી ભાગવા માંડે ! ફરી દુઃખી ! ફરી અસ્થિર ! તમે જો આત્મનિરીક્ષક હશો, તમારું જો આત્મનિરીક્ષણ અત્યંત તીક્ષ્ણ અને સૂક્ષ્મ બન્યું હશે તો વિચાર આવશે : આખરે આ મનને જોઇએ છે શું ? આટલી ભાગંભાગ - આટલી દોડાદોડ એ શા માટે કરે છે ? કાંઇ સમજાતું નથી : મનને સ્થિર કરવા શું કરવું ?
બંધુઓ ! મન તો બાદશાહ છે બાદશાહ ! બાદશાહને શું જોઇએ ? ઉપદેશધારા * ૨૨૨
એક બાદશાહ સાથે એક ફકીરની દોસ્તી હતી. બંને એકબીજાના સ્થાને અવારનવાર આવ્યા જ કરે ! ક્યારેક ફકીર બાદશાહના દરબારમાં આવે તો ક્યારેક ફકીરની ઝૂંપડીએ બાદશાહ પણ આવી જાય.
એક વખત બાદશાહ અચાનક ફકીરની ઝૂંપડીએ જઇ ચડ્યા. અગાઉ જાણ આપી ન હોવાના કારણે ફકીર ત્યારે બહાર ગયેલો. તેનો શિષ્ય હાજર હતો. બાદશાહને ઓળખતો ન હોવાથી તેણે બેસવા માટે ગોદડી બિછાવી, પણ બાદશાહ ત્યાં ન બેઠો, ચક્કર
જ મારતો રહ્યો. શિષ્યે વિચાર્યું : કદાચ એને ગોદડી નહિ ફાવતી હોય. બીજું કાંઇક બેસવા માટે આપું ને તેણે બેસવા માટે ખાટલો ઢાળ્યો. પણ બાદશાહ ન બેઠો... ચક્કર જ મારતો રહ્યો. શિષ્ય વિચાર્યું : ઝૂંપડીમાં કદાચ ગરમી થતી હશે. બહાર ખાટલો ઢાળું. એમ કર્યું તોય બાદશાહ ન જ બેઠો...
એનું ચક્કર મારવાનું ન જ અટક્યું.
એ જ વખતે પેલો ફકીર આવી પહોંચ્યો. શિષ્યે તેને કહ્યું : ગુરુદેવ ! આ કેવો વિચિત્ર માણસ છે ! બેસવા માટે આસન, ગોદડી, ખાટલા બિછાવ્યા, પણ એ બેસતો જ નથી... એ ચક્કર જ માર્યા કરે છે !
‘ભલા માણસ ! આ સામાન્ય માણસ નથી. આ તો બાદશાહ છે બાદશાહ ! બાદશાહને બેસવા સિંહાસન જોઇએ. સિંહાસન વિના એ બીજે ક્યાંય નહિ બેસે. તું નીચેના ભોંયરામાં જલ્દી જા. ત્યાં સિંહાસન પડેલું છે તે જલ્દીથી લઇ આવ.' ફકીરે કહ્યું.
સિંહાસન આવતાં જ બાદશાહ ત્યાં બેસી ગયો. એનું ચક્કર મારવાનું બંધ થઇ ગયું !
આપણું મન પણ બાદશાહ છે. પરમાત્માના ચરણરૂપ સિંહાસન નહિ મળે ત્યાં સુધી એ ચક્કર માર્યા જ કરવાનું ! ઉપદેશધારા * ૨૨૩