________________
એ વખતે અમે પૂજ્યશ્રીની આજ્ઞાપૂર્વક હીર સૌભાગ્ય તથા મેઘદૂત કાવ્યો સંપૂર્ણ વાંચ્યાં.
ફલોદીની પૂજા ભણાવતી મંડળી બહુ જોરદાર. પૂજામાં પૂજ્યશ્રી અવશ્ય જાય જ. એમાં પણ જ્ઞાનચંદજી નામના ભાઇ ગાતા-ગાતા જયારે તાળીઓ વગાડવા માંડે, નૃત્ય કરવા માંડે ત્યારે તો આખું વાતાવરણ સ્વર્ગીય બની જાય, ભક્તિમય બની જાય.
આવું ભક્તિનું વાતાવરણ જોઇને ‘પૂજ્યશ્રીએ બીજે ક્યાંય નહિ ને ફલોદીમાં જ કેમ જન્મ લીધો ?' એ સવાલનો જવાબ મળી જાય.
ફલોદીનું આવું ભક્તિમય વાતાવરણ હતું માટે પૂજ્યશ્રીને ભક્તિનો રંગ લાગ્યો, એમ કહેવા કરતાં આવું વાતાવરણ હતું, માટે પૂજ્યશ્રીનો જન્મ અહીં થયો, એમ કહેવું વધુ ઠીક ગણાશે. કારણ કે ભક્તિનો રંગ તો પૂજયશ્રીને પૂર્વ જન્મથી જ લાગેલો હતો. ફલોદીનું વાતાવરણ તો માત્ર નિમિત્ત બન્યું.
એક વખત પર્યુષણ પછી બહારની પરસાળમાં રાત્રે અમે સ્વાધ્યાય કરતા હતા ને અચાનક નાનાભાઇએ (મુનિચન્દ્રવિ.) જોરથી ચીસ પાડી : મંકોડો કરડ્યો છે.
પણ પ્રકાશમાં જોવાથી ખ્યાલ આવ્યો કે એ મંકોડો નહિ, પણ વીંછી હતો.
પૂજ્યશ્રી ઘણીવાર કહેતા : અમારા ગામમાં વીંછી ઘણા. રોજ ઘરમાંથી ૧૦-૧૫ તો નીકળે જ. પિતાજી રોજ ડોલ ભરીને બહાર નાખી આવે, પણ મને ક્યારેય કરડ્યો નથી.
અમે માત્ર ચાર-પાંચ મહિના રોકાયા તોય અમને વીંછીએ છોડ્યા નહિ, પણ પૂજ્યશ્રીને ક્યારેય વીંછી કરડ્યો નથી. એ મહાપુરુષનું આજુબાજુનું વાતાવરણ કેવું મૈત્રી-મંડિત હશે ?
ફલોદીમાં દશેરાથી ઉપધાન શરૂ થયા. ૨૧૨ આરાધકોનો પ્રવેશ થયો.
માગ.સુદ-૩ (૨૦૩૬)ના માળ થઇ. ૧લી માળનો ચડાવો એક લાખમાં ગયેલો. પુત્રી રેખાબેન માટે તેમના પિતાશ્રી હરખચંદ વાઘજી ગીંદરા (આધોઈ)એ લીધેલો.
પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૧૭૮
વિ.સં. ૨૦૩૬, ઇ.સ. ૧૯૭૯-૮૦, ફલોદી ચાતુર્માસ પછી માંગ.સુદ-૧૫ ની સાંજે નાકોડા થઇને રાણકપુરનો ૨૮-૨૯ દિવસનો સંઘ નીકળ્યો, આ સંઘમાં સંપતરાજજી કોચર, કવરલાલજી વૈદ, સંપતલાલજી લુક્કડ તથા બાલચંદજી કોચર - આ ચાર સંઘપતિઓ હતા.
નાકોડા પહેલાં માત્ર પાંચ સ્થાને જિનાલયો આવ્યાં હતાં. સેતરાવ, શેરગઢ, થોબ, પચપદરા અને બાલોતરા આટલાં ગામોને છોડીને ક્યાંય ગામોમાં દેરાસર કે જૈનોનાં ઘર નહોતાં.
માગ.વદ-૯, પચપદરામાં મૂર્તિપૂજકોના ત્રણ જ ઘર હતા. જ્યારે તેરાપંથીઓના ૨૫૦ ઘર હતા. તેરાપંથીઓમાંના કેટલાક કટ્ટર શ્રાવકો પૂજયશ્રી સાથે ચર્ચા કરવા આવ્યા હતા, પણ પૂજયશ્રીએ સૌમ્ય અને મૃદુ સ્વર સાથે મૂર્તિનું એવી દૃઢતાથી મંડન કર્યું કે ચર્ચા કરવા આવનાર પૂજયશ્રીની વાત કબૂલ કરવી પડી. તેઓ નિરુત્તર થવાથી શરમિંદા થઇ ગયા, પણ પૂજ્યશ્રીની ખાસિયત હતી કે કોઇના પણ અહંને ઠેસ ન પહોંચાડવી. જીત્યા પછી સામાવાળાને લાચાર ન બનાવવા અને સ્વયં અહંકારથી ફુલાઇ ન જવું ! પૂજયશ્રીના આવા અલૌકિક સૌહાર્દપૂર્ણ અને મૈત્રીમંડિત વ્યવહારથી તેઓ પ્રભાવિત થઇ ઊઠ્યા અને બોલી ઊઠ્યા : સાચા જૈન સાધુઓ અમને આજે પહેલીવાર જોવા મળ્યા.
પચપદરા પછી નાકોડા, ગઢસીવાણા, મોકલસર, રમણિયા, બાલવાડા, માંડવલા, જાલોર, આહાર, ઉમેદપુર વગેરે થઇને પૂજ્યશ્રીની નિશ્રામાં સંઘ તખતગઢ પહોંચ્યો. દરેક સ્થળે ભવ્ય સ્વાગતો થતા હતા.
પોષ સુદ-૬, તખતગઢ, અહીંથી વિહાર કરતાં ખટાશ વગેરેનાં કારણે કે બીજા કોઇ કારણે મોટાભાઇ (મુક્તિચન્દ્રવિ.)ને પગમાં એવી તકલીફ થઇ કે એક ડગલું પણ ભરી ન શકાય. વળી, રોકાઇ શકાય એવી પણ સ્થિતિ નહોતી, ડોલી પણ ક્યાંયથી મળે તેમ નહોતી.
પૂજ્યશ્રીને વાત કરતાં તેમણે કહ્યું : ચિંતા ન કરો. પ્રભુકૃપાએ બધું સારું થઇ જશે.
કચ્છ વાગડના કણધારો ૧૭૯