________________
ઉપાશ્રયમાં કોઇ થાળ વગેરે પણ નહિ. પૂજારીએ પોતાની નાની તપેલીમાં પાણી ઉકાળવા માંડ્યું. પોતાના ઘરે રહેલા ડબ્બાના નાના ઢાંકણામાં એ પાણી ઠારવા માંડ્યું. અહીં અમારા સૌના હોઠ પાણીથી સૂકાઇ રહ્યા હતા. અમે પાણી માટે તલસતા હતા. જ્યારે પૂજ્યશ્રી પ્રભુભક્તિમાં લીન બની ગયા હતા.
પછી તો વાપર્યા પછી બપોરે જોધપુરના ભાઇઓ પણ આવેલા ને કહેલું : આપે અમને કહેવડાવ્યું કેમ નહિ ? અહીંથી જોધપુર માત્ર ૧૫ કિ.મી. જ દૂર હતું.
પૂજ્યશ્રીએ કહ્યું : અમે ક્યાંય કહેવડાવતા નથી. જોધપુરવાસીઓનાં મસ્તક ઝૂકી ગયાં.
જેઠ સુદ-૧૨, કાલીબેરી, જોધપુરથી માત્ર ૮ કિ.મી. જ દૂર આ ગામમાં જૈનોનું એકેય ઘર ન હોવાથી અમારા એક મહાત્મા (કુમુદચન્દ્રવિજયજી) અજૈનોને ત્યાં વહોરવા ગયેલા. ક્યારેક ત્યાં મીઠા અનુભવ થાય તો ક્યારેક કડવા અનુભવ પણ થાય. અહીં એક કડવો અનુભવ થયેલો. મહાત્મા કોઇ ઘરમાં ગયા ને તરત જ એક ભાઇ પાછળ હાથમાં લાકડી લઇને આવ્યો : મારે ઘર મેં આયે ક્યાં ? સિને મુત્તાયા ? घरमें लुगाई अकेली हो और आप घुस जाते हैं ? शर्म नहीं आती ? મુનિશ્રી તો તરત જ ઘરમાંથી બહાર નીકળી ગયા. પોતાનો અનુભવ પૂજ્યશ્રીને જણાવ્યો ત્યારે પૂજ્યશ્રીએ કહ્યું : “કોઇને અપ્રીતિ થાય તેવું નહિ કરવું; તેવા ઘરમાં પણ નહિ જવું. જે ઘરમાં આદર અને આવકાર દેખાય ત્યાં જ પ્રવેશ કરવો.”
જેઠ સુદ-૧૪, ઓસિયા તીર્થ, તિવરીથી ૧૮ કિ.મી.નો વિહાર કરીને અમે ઓસિયા આવી રહ્યા હતા. મારવાડની ભયંકર ગરમીના કારણે સવારથી જ બધાનાં ગળાં શોષાઇ ગયાં હતાં. મારવાડના જોધપુરી પથ્થરોમાંથી બનેલાં મકાનો એટલાં ગરમ કે રાત્રે પણ પથ્થરોમાંથી ગરમી છૂટે. રાત્રે ૧૨.૦૦ વાગે પણ સંથારા પસીનાથી પલળી જાય.
ગરમીથી ત્રસ્ત અમે વિચારતા હતા : ઓસિયા ક્યારે આવે ?
પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. - ૧૭૬
ઓસિયા ૨-૩ કિ.મી. દૂર હતું ને ઉદયપુરથી દર્શનાર્થે આવેલા કોઇ ભાવુક ભક્ત, ગાડામાં કોઠી ભરીને ઠંડું (અલબત્ત ગરમ કરીને ઠંડું કરેલું) પાણી લાવ્યા. અમે તો પચ્ચક્ખાણ પારીને પાણી પીવા તરત જ તૈયાર થઇ ગયા. પણ પૂજ્યશ્રીએ તે પાણી ન પીધું એટલે ન જ પીધું.
અમે એટલા તરસ્યા હતા કે લવાયેલું એ બધું જ પાણી પૂરું થઇ ગયું. પણ પૂજ્યશ્રીએ તો ત્યાં પહોંચી શાંતિપૂર્વક દર્શન કરી પછી જ પાણી વાપર્યું; એ પણ કોઇ જ ઉતાવળ વિના !
ઓસિયાના પ્રાચીન જિનાલયમાં પ્રદક્ષિણા કરતાં પૂજ્યશ્રીની નજર તાંબાના અર્ધા સિદ્ધચક્ર યંત્ર પર પડી. પૂજ્યશ્રીએ કહ્યું : હજુ શોધ કરો. બીજો અર્ધો ભાગ પણ હશે અને ખરેખર બીજો અર્ધો ભાગ પણ મળી આવ્યો. એ બંનેને જોઇન્ટ કરીને સિદ્ધચક્રનું યંત્ર તૈયાર થયું.
પૂજ્યશ્રીની નિશ્રામાં ફલોદીમાં જ્યારે સિદ્ધચક્ર પૂજન ભણાવાયેલું ત્યારે આ જ યંત્ર પર ભણાવાયું હતું. માંડલું કરવાની જરૂર નહોતી પડી. એ પૂજન ભણાવવા હિંમતભાઇ બેડાવાળા આવ્યા હતા.
ત્યાંથી લોહાવટ, ખીચન થઇને જેઠ વદ-૬ ના ફલોદી ચાતુર્માસ પ્રવેશ થયો.
આ વિહારોમાં પૂજ્યશ્રીએ અમને પૂ. જ્ઞાનસુંદરજીનાં પુસ્તક ‘શીઘ્રબોધ’ પરથી થોકડા (આમિક પદાર્થો) કંઠસ્થ કરાવ્યા હતા. ફલોદી ચાતુર્માસમાં પૂજ્યશ્રીએ ઉપા. માનવિ. રચિત ધર્મસંગ્રહ ગ્રંથ અમને વંચાવ્યો.
પૂ. કલ્પતરુવિ.એ ઉત્તરાધ્યયન (ટીકા : ભાવવિજયજી) વંચાવ્યું. નાના મુનિઓના અધ્યયન માટે પૂજ્યશ્રીએ ત્યાંના બ્રહ્મભટ્ટ નામના બ્રાહ્મણ પંડિતને ગોઠવી આપેલા.
એ વખતે ગુજરાત-મોરબીમાં મચ્છુ ડેમ તૂટતાં પૂર આવેલું. સેંકડો માણસો મરી ગયેલા, પણ અમને એની ખબર ૧૫ દિવસ પછી પ્રાયઃ પડેલી. એટલે કે અખબાર વગેરેથી અમે એટલા દૂર હતા. સા. ચન્દ્રાનનાશ્રીજીના પત્રથી વ્યવસ્થિત ખ્યાલ આવેલો.
કચ્છ વાગડના કર્ણધારો - ૧૭૭