________________
જેઠ સુદ-૧, ધામલી, અહીં પૂ. આચાર્ય શ્રી પદ્મસૂરિજી (પૂ.આ. શ્રી જિનેન્દ્રસૂરિ-શિષ્ય)ની નિશ્રામાં અંજનશલાકા ચાલતી હતી. દીક્ષા કલ્યાણકની ઉજવણી ચાલુ હતી.
તે દિવસે રાત્રે બિલાડીએ ૪૨ કબૂતર માર્યા હતાં. સાંભળતાં અરેરાટી છૂટી ગઇ હતી.
બે દિવસ રોકાઇને જેઠ સુદ-૩ ના જ્યારે મારવાડ જંકશન જવાનું થયું ત્યારે પારાવાર મુશ્કેલી અનુભવવી પડી હતી. આગલા દિવસે વરસાદ થયેલો હોવાના કારણે રસ્તામાંની માટીમાં અમારા પગ ઘૂસી જતા હતા. વળી રસ્તામાં કીડીઓ પણ પુષ્કળ હતી. આવા વખતે અત્યંત ધૈર્ય અને સ્વસ્થતા સાથે જયણાપૂર્વક ડગલા ભરતા, વારંવાર પાછળ રહી જતા પૂજયશ્રી યાદ આવે છે ને મસ્તક ઝૂકી જાય છે.
જેઠ સુદ-૬, બાલાજી, અહીં અમે ૨૪ કિ.મી.નો લાંબો વિહાર કરીને આવેલા હતા. નાના ભાઇ (મુનિચન્દ્રવિ.)ને ગઇકાલનો ઉપવાસ હોવાથી વિહાર યાદગાર બન્યો. અહીં આવ્યા પછી પણ પારણાનું ઠેકાણું નહિ. તે વખતે અમારા વિહારોમાં સાથે કોઇ માણસ નહોતો રહેતો તથા આગળનાં ગામોમાં જણાવાતું પણ નહિ. વિહારનો એ અસલી સ્વાદ હતો.
અહીં એક ન માની શકાય તેવી વાત જાણવા મળી. અહીંનાં એક બહેન જે ‘બાલાજી કી સતી’ તરીકે પ્રસિદ્ધ હતાં, તેઓએ છેલ્લાં ૩૬ વર્ષથી અન્ન-પાણી લીધાં નહોતાં. અમે ગામ લોકોને પૂછયું : એવું તે શી રીતે બની શકે ? કેવળીઓને પણ આહારની જરૂર પડે છે તો આ કોણ વળી ?
પણ, ગામ લોકોને એ બહેન પર અનન્ય શ્રદ્ધા હતી. તેમણે કહ્યું : “એમના લગ્ન પછી તરતના સમયમાં પતિ મરી ગયા. ત્યાર પછી દૂધ સિવાય થોડા દિવસ કાંઇ ન લીધું. ત્યાર પછી દૂધ અને પાણીનો પણ ત્યાગ કર્યો. એને આજે ૩૬ વર્ષ થયાં. એક વખત ગામમાં પૂર આવેલું ત્યારે અમારા બધાની સાથે મકાનની ઉપર જ આઠ દિવસ રહેલા. ત્યારે અન્નપાણી કાંઇ લીધું ન હતું.”
પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૧૭૪
અમે સૌ આ સાંભળીને સ્તબ્ધ થઈ ગયા : શું દેવ બનેલા એ પતિની સહાય હશે ? અથવા એ બાઇ દંભ કરતી હશે ? દંભ કે દેખાડો કરે એવો ચહેરો તો લાગ્યો નહિ. સવારે વ્યાખ્યાનમાં પણ એ બાઇ આવેલી. બીજે દિવસે સવારે અમારો કાપરડા તરફ વિહાર થયેલો ત્યારે પણ આ બાઇ પૂજયશ્રીના દર્શનાર્થે રસ્તામાં આવેલી. સફેદ સાડીમાં ૬૦-૬૫ વર્ષની આસપાસનાં એ બાઈ બરાબર સા. પુષ્પચૂલાશ્રીજી જેવાં લાગતાં હતાં. પૂજ્યશ્રીએ માંગલિક સંભળાવ્યું ત્યારે હાથ જોડીને પ્રેમપૂર્વક સાંભળ્યું. અમારામાંથી કોઇ મહાત્માએ પૂછયું : શા બાપને છત્તીસ વર્ષો છે બોગનપાની નહીં નિયા ? જવાબમાં એ બાઇએ માત્ર “રામ... રામ... રામ...' એમ કહ્યું. રાત-દિવસ માત્ર એ “રામ... રામ... રામ...' જગ્યા કરતાં હતાં.
રાત્રે પણ એ ઊંઘ નહોતાં લેતાં. ડૉકટરો વગેરેએ કેટલીયે ચકાસણી કરી, પણ હોજરી કે આંતરડામાંથી કાંઇ મળ્યું નથી. હૃદય વગેરે બરાબર કામ કરતાં હતાં. ડૉકટરો માટે ખરેખર એ કોયડારૂપ હતાં.
રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અત્યારના ઉપરાષ્ટ્રપતિ ભેરૌસિંહ શેખાવતની જ્ઞાતિનાં એ બાઇ હતાં.
થોડાં વર્ષો પછી સાંભળવા મળેલું કે ૭૧-૭૨ વર્ષની ઉંમરે એ બાઇ સ્વર્ગવાસી બન્યાં છે. એ બાઇ ‘બાલાજી કી સતી’ નામે પ્રસિદ્ધ હતાં. ગામ બહાર આશ્રમ હતો. અનેક દર્શનાર્થીઓ તેમનાં દર્શનાર્થે આવતાં હતાં.
જેઠ સુ.૭, કાપરડા, સંઘ પછી તરત જ બીજી વાર અહીં આવવાનું થયું. અહીં પૂજયશ્રીએ કહેલું : “જિનાલયમાં ૧૪ સ્વપ્રો કોતરેલાં હોવાથી કેસમાં જૈનો જીતી ગયેલા. પૂ. નેમિસૂરિજીની ચકોર નજરે ૧૪ સ્વમ જોઇ લીધેલાં. એમણે આ તીર્થનો જીર્ણોદ્ધાર કરવા ખૂબ જ મહેનત કરેલી.”
જેઠ સુ.૯, બનાડ, અમે ૧૫ કિ.મી.નો વિહાર કરીને અહીં આવ્યા હતા. જૈનોનું એકેય ઘર નહોતું. દેરાસર માત્ર પૂજારીના ભરોસે હતું. અમે પૂર્વ સૂચના આપ્યા વિના જ આવ્યા હતા. ઉપાશ્રયમાં ધૂળના ઢગલા હતા. પૂજારી જ એકમાત્ર કામ કરનાર હતો. અમારી સાથે કોઇ માણસ નહિ.
કચ્છ વાગડના કર્ણધારો ૨ ૧૭૫