________________
વિ.સં. ૧૯૩૯, ભા.વ.૫, ઇ.સ. ૧૮૮૩ ના શુભ દિવસે પિતા નાનચંદજી ચંદુરા અને માતા નવલબેનને ત્યાં આ કાનજીનો જન્મ થયેલો. તેમનાથી બે મોટાભાઇ (પોપટભાઇ અને ડુંગરશીભાઇ) અને એક નાના ભાઇ (વાલજી) હતા. કાનજીનો ત્રીજો નંબર હતો.
પલાંસવાના ઠાકોરને બેરિસ્ટર બનવાની નમ્રતા અને મક્કમતાપૂર્વક ના પાડનાર આ કાનજીને ખબર હતી કે મારે આ માનવ ભવમાં શું બનવું છે ?
નદીમાં પાંદડા પણ તરે અને વહાણ પણ તરે, પણ પાંદડા આડાઅવળા ગમે ત્યાં જાય, જ્યારે વહાણ પોતાના ધ્યેય તરફ જ આગળ ધસે. આ કાનજી સંસારની નદીમાં જ્યાં ત્યાં અથડાય તેવો પાંદડા જેવો નહોતો. એ તો વહાણ હતો. જીવનના વહાણની દિશા સ્પષ્ટ હતી : આત્મ-કલ્યાણની.
ના પાડવાથી ઠાકોર નારાજ તો ન થયા, ઉલ્ટા તેનાથી પ્રભાવિત થયા. એટલું જ નહિ, એમના પુત્રાદિ પરિવાર પર પણ આ પ્રભાવ કાયમ રહ્યો. તેમના પુત્ર જીવણસિંહજી વાઘેલા જીવનભર પૂજ્યશ્રીના ભક્ત રહ્યા. શ્રા.વ.૪ ના જીવનના છેલ્લા દિવસે પૂજયશ્રીના હાથનો છેલ્લો વાસક્ષેપ લેવામાં એ જ ભાગ્યશાળી રહ્યા.
કાનજી આઠ વર્ષનો થયો ત્યાં (વિ.સં. ૧૯૪૭, ઇ.સ. ૧૮૯૧) માતાનું મૃત્યુ થઇ ગયું ને ૧૦ વર્ષનો થયો ત્યાં પિતાનું પણ (વિ.સં. ૧૯૪૯, ઇ.સ. ૧૮૯૩) મૃત્યુ થઇ ગયું.
૧૦ વર્ષનો બાળક, જે માતા-પિતાનું છત્ર ગુમાવી દે, એનું શું ભવિષ્ય ? એનો કોણ રખેવાળ ? પણ ના, ભવિષ્યમાં જિનશાસનના છત્ર બનનાર આ બાળકને જાણે માતા-પિતાના છત્રની કદાચ જરૂર નહોતી. પૂર્વજન્મની અધૂરી સાધના પૂરી કરવા માટે જન્મેલા યોગીઓ પોતાની જીવનદિશા સ્વયં નિશ્ચિત કરતા હોય છે અથવા તો ભગવાનની કૃપા એમના પર એવી વરસે છે કે એમને એવા જ સંયોગો મળે છે, જે તેને સાધનાના માર્ગે વધુને વધુ ઉન્નત તરફ લઇ જાય.
પૂ.આ. શ્રી વિ. કનકસૂરીશ્વરજી ૨૩૨
વ્યાવહારિક અભ્યાસ કર્યા પછી કાનજીએ ધર્મ અભ્યાસમાં પોતાનું મન પરોવ્યું ! એના પુણ્યથી કલિકાલમાં ચંદનબાળા જેવા ગણાયેલાં સા. આણંદશ્રીજી મ.નો સમાગમ થયો. સા. આણંદશ્રીજીએ તેને ધાર્મિક અભ્યાસ સાથે વૈરાગ્યનું અમૃત પણ પીવડાવ્યું. કાનજીભાઇએ તેમની પાસેથી પાંચ પ્રતિક્રમણ, નવ સ્મરણ, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કર્મગ્રંથ, બૃહત્સંગ્રહણી, લઘુ ક્ષેત્ર સમાસ, વૈરાગ્ય શતક, સંબોધ સિત્તરી, ઇન્દ્રિય પરાજય શતક, દાનાદિ ૨૦ કુલકો વગેરે કંઠસ્થ કર્યું.
દીક્ષાની પ્રબળ ભાવનાથી વિ.સં. ૧૯૫૮, ઇ.સ. ૧૯૦૨ માં ૧૯ વર્ષની વયે સિદ્ધાચલ પર શ્રી આદિનાથ પ્રભુ સમક્ષ સા. આણંદશ્રીજીના મુખે આજીવન બ્રહ્મચર્ય વ્રતનો સ્વીકાર કર્યો. (પૂ. જીતવિ.મ., પૂ. કનકસૂરિજી મ.ની આજ્ઞાથી વાગડ સમુદાયની પરંપરા પ્રમાણે સાધ્વીજી ભગવંતો સાધુ મ. ન હોય ત્યારે પુરુષો સમક્ષ પણ વ્યાખ્યાન આપે છે, તે આનાથી સમજાય છે.)
કાનજીની તો પાલીતાણામાં જ દીક્ષા લેવાની ભાવના હતી, પણ ભાઇઓ વગેરેની ૨જા ન મળવાથી તે ત્યારે સફળ ન બની, પણ કાનજી દીક્ષાની ભાવનામાં મક્કમ રહેતાં આખરે પરિવારે સંમતિ આપી.
તેટલા ગાળામાં કાનજીએ પોતાના ગુરુદેવ પૂ. દાદા શ્રી જીતવિજયજી તથા પૂ. ગુરુદેવ શ્રી હીરવિજયજી (સંસારી કાકા) મ. પાસે ધાર્મિક અભ્યાસ ચાલુ રાખ્યો. કેટલોક સમય ભુજમાં રહી સંસ્કૃતનો પણ અભ્યાસ કર્યો.
વિ.સં. ૧૯૬૨, માગ.સુ.૧૫, ઇ.સ. ૧૯૦૫ ના પૂજ્ય દાદા શ્રી જીતવિજયજી મ.ના વરદ હસ્તે ભીમાસરની ભૂમિ પર કાનજીની દીક્ષા થઇ. પલાંસવા તથા ફતેગઢ સંઘનો પણ દીક્ષા પોતાને ત્યાં થાય તેવો આગ્રહ હતો, તેથી પૂ. દાદા શ્રી જીતવિજયજી મ.એ વચલો રસ્તો કાઢેલો : પુત્ર પલાંસવાનો, પૈસા ફતેગઢના અને ભૂમિ ભીમાસરની ! દાદાશ્રીના નિર્ણયને સૌએ મસ્તકે ચઢાવેલો.
દીક્ષા વખતે તેમનું નામ કીર્તિવિજયજી પડેલું, પણ વડી દીક્ષામાં કનકવિજયજી નામ પડ્યું.
કચ્છ વાગડના કર્ણધારો ૨૩૩