________________
મધુરભાષી પૂજ્ય આચાર્ય શ્રી વિજયકલાપ્રભસૂરીશ્વરજી મહારાજ
વિ.સં. ૨૦૦૦, ઇ.સ. ૧૯૪૩, કા.સુ.૯ ના દિવસે ફલોદી (રાજ.)ના વતની રતનબેન અક્ષરાજજી લુક્કડને ત્યાં રાજનાંદગાંવ (છત્તીસગઢ)માં જન્મ પામેલા જ્ઞાનચન્દ્રજી તે જ વર્તમાન ગણનાયક પૂછ્યું આચાર્યદેવ શ્રીમદ્ વિજયકલાપ્રભસૂરિજી મહારાજ.
વિ.સં. ૨૦૧૦, વૈ.સુ.૧૦ના પોતાના પિતા-માતા, ભાઇ તથા નાના સાથે દીક્ષિત બનેલા આ મહાત્માનું પ્રારંભિક જીવન પૂ. કનકસૂરિજી મ.ના સામ્રાજ્યમાં તથા પોતાના પિતા-ગુરુવર શ્રી કલાપૂર્ણવિજયજીની છત્રછાયામાં ઘડાયું હતું.
વિ.સં. ૨૦૧૭-૧૮ બે વર્ષ સુધી જામનગરમાં ઉપા. શ્રી વ્રજલાલજી પાસે સંસ્કૃત વ્યાકરણાદિનો અભ્યાસ કર્યો.
પૂ. કનકસૂરિજી મ.ના સ્વર્ગવાસ પછી વયોવૃદ્ધ પૂ. દેવેન્દ્રસૂરિજી મ. સમુદાય-નાયક બનતાં સમુદાય સંચાલનની જવાબદારી પિતા મુનિવર શ્રી કલાપૂર્ણવિજયજીની સાથે તેમના પર પણ આવી પડી.
પૂ. દેવેન્દ્રસૂરિજી તથા પૂ. પિતા ગુરુદેવશ્રીના આશીર્વાદથી વિ.સં. ૨૦૨૬, ઇ.સ. ૧૯૭૦ માં રાધનપુરથી પ્રવચન આપવાનું શરૂ કર્યું. ત્યારથી શરૂ થયેલી પ્રવચન ભાગીરથીનો એ પ્રવાહ આજે પણ તેમના કંઠમાંથી વહી રહ્યો છે.
બુલંદ, મધુર અને લયબદ્ધ અવાજ - એ પૂજ્યશ્રીના પ્રવચનનું ખાસ આકર્ષણ છે.
પૂ. દેવેન્દ્રસૂરિજી મ.ના સ્વર્ગવાસ પછી પિતા ગુરુદેવ પૂજ્ય આચાર્ય શ્રી વિજયકલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા. સાથે રહીને સતત સમુદાય સંચાલનમાં સહાયક બનતા રહ્યા છે. પૂજ્ય ગુરુદેવશ્રીની છત્રછાયામાં જ રહેનારા આ પૂજ્યશ્રીએ લગભગ ક્યારેય ગુરુ-નિશ્રા છોડી નથી. ક્યારેક જ વડીલોની આજ્ઞા પાલન ખાતર જવું પડ્યું છે, તે વાત જુદી છે. પૂ.આ. શ્રી વિ. કલાપ્રભસૂરીશ્વરજી મ. - ૨૮૮
પૂજ્ય ગુરુદેવશ્રીથી પૂજ્યશ્રીએ માત્ર ચાર જ ચાતુર્માસ અલગ કર્યા છે. (૧. વિ.સં. ૨૦૩૨, ઇ.સ. ૧૯૭૬, જયપુર) (૨. વિ.સં. ૨૦૩૪, ઇ.સ. ૧૯૭૮, ભચાઉ) (૩. વિ.સં. ૨૦૩૭, ઇ.સ. ૧૯૮૧, આધોઇ) તથા (૪. વિ.સં. ૨૦૪૭, ઇ.સ. ૧૯૯૧, સુરત) ‘ચાતુર્માસ અલગ કર્યા છે’ એમ કહેવા કરતાં ‘આજ્ઞાથી અલગ જવું પડ્યું છે' એમ કહેવું
જ વધારે ઉચિત ગણાશે.
પ્રેરક પ્રવચનો સાથે પૂજ્યશ્રીનું અંતરંગ જીવન પણ એટલું જ સમૃદ્ધ છે. દીક્ષા જીવનથી જ (૧૦ વર્ષની ઉંમરથી) પૂજ્યશ્રીએ નિયમિત એકાસણા ૪૦-૪૫ વર્ષ સુધી ચાલુ રાખ્યા છે. કેટલાય લાંબા વિહારો હોય કે ભયંકર ગરમી હોય, પણ એકાસણા પ્રાયઃ ચાલુ જ હોય ! પૂજ્યશ્રી જાપના ખૂબ જ પ્રેમી છે. દિવસે-રાત્રે અમુક સમય તો જાપ ખાતે ફાળવેલો જ હોય.
પૂજ્યશ્રી પ્રભુ ભક્તિના પણ સારા એવા રસિયા છે. ગુરુદેવ પાસેથી વારસામાં ભક્તિના આ સંસ્કારો સહજરૂપે મળેલા છે.
આવા ગુણ-ગણથી સમૃદ્ધ પૂ. મુનિવરશ્રીને પૂજ્ય ગુરુદેવે વિ.સં. ૨૦૪૬, ઇ.સ. ૧૯૯૦, મહા સુ.૬, આધોઇ (કચ્છ-વાગડ) મુકામે ગણિ-પંન્યાસ પદવીથી વિભૂષિત કર્યા તથા વિ.સં. ૨૦૫૬, ઇ.સ. ૨૦૦૦, મહા સુ.ના વાંકી તીર્થે આચાર્ય પદથી વિભૂષિત કરી ઉત્તરાધિકારી તરીકે ઘોષિત કર્યા. (આ આચાર્ય પદવી વખતે લઘુબંધુ પૂ. કલ્પતરુવિજયજીને ગણિ-પંન્યાસ પદ તથા મુનિ શ્રી પૂર્ણચન્દ્રવિજયજી તથા મુનિ શ્રી મુનિચન્દ્રવિજયજીને ગણિ પદ પ્રદાન થયા હતા.)
વિ.સં. ૨૦૫૮, ઇ.સ. ૨૦૦૨, મહા સુ.૪ ના પૂજ્ય ગુરુદેવના સ્વર્ગવાસ પછી આવી પડેલી સમુદાયની જવાબદારી પૂજ્યશ્રીએ કુશળતાપૂર્વક નિભાવી છે.
સ્વર્ગસ્થ પૂ. ગુરુદેવશ્રીની પૂજ્યશ્રી પર સતત કૃપા વરસતી રહી છે. એવા કેટલાય અનુભવો લોકોને થયા છે ને થઇ રહ્યા છે. કચ્છ વાગડના કર્ણધારો * ૨૮૯