________________
કાચની ઉત્પત્તિ બતાવી તથા કાચના એ ગાંગડાઓમાંથી તેલ કાઢવાની પ્રક્રિયા બતાવીને કહ્યું : આ તેલ અમે હિન્દુસ્તાન લીવર વગેરે કંપનીઓને વેચીએ છીએ. આ તેલ સાબુ વગેરે બનાવવામાં કામ લાગે છે.
‘રેતીમાંથી તેલ ન નીકળે' એ ઉક્તિ આ ફેકટરી જોયા પછી ખોટી ઠરતી લાગી.
પૂજયશ્રી કહેતાઃ રેતીમાંથી તેલ પ્રગટાવવું મોટી વાત નથી, આ દેહમાં પ્રભુને પ્રગટાવવા એ જ મોટી વાત છે. એમાં જ જીવનની સફળતા છે.
મદ્રાસ ચાતુર્માસ, અમે નેલ્લોર-કાકર(તીથી થઇને અષાઢ સુદ૨ ના મદ્રાસ (કેસરવાડી) અને અષાઢ સુદ-૪ ની આરાધના ભવનમાં ચાતુર્માસ પ્રવેશ કર્યો.
પૂજયશ્રીના ચાતુર્માસ પ્રવેશ વખતે એટલી બધી ભીડ થઈ હતી કે આરાધના ભવન તો ઠીક, મિન્ટ સ્ટ્રીટ આખી ઠેઠ સુધી ભરાઇ ગઇ હતી. લોકો કહેતા હતા કે અત્યાર સુધી કોઇના પ્રવેશમાં આટલા લોકો જોવા મળ્યા નથી.
મદ્રાસનું આ પ્રથમ ચાતુર્માસ અનેકવિધ આરાધનાઓથી ભવ્યતમ બન્યું હતું. સામુદાયિક તપના પારણામાં લાભ લેનારાઓ ૪૦-૫૦ હજારની બોલી બોલી લાભ લેવામાં ગૌરવ માનતા હતા. (પારણાનો ખર્ચ થાય તે અલગ).
પૂજ્યશ્રીના આશીર્વાદપૂર્વક વ્યાશ્રય (સર્ગ-૧ થી ૧૦)ના અનુવાદ (સંસ્કૃત, અન્વય આદિ સહિત)નું કાર્ય અમે અહીં જ શરૂ કર્યું અને ૧૦ મહિનામાં પુરું પણ અહીં જ કર્યું.
પૂજયશ્રી પાસે બપોરે ૩.૦૦ વાગ્યા પછી દીન-દુઃખિયાઓની લાઇન લાગતી. લોકોની નજરમાં પૂજ્યશ્રી એક પવિત્ર સંત કે ચમત્કારિક ઓલિયા તરીકે વસી ગયા હતા. સૌ પોતાનું કલ્યાણ થાય, દુ:ખ મુક્તિ થાય તે માટે આશીર્વાદ લેવા આવતા.
પૂજયશ્રી આશીર્વાદમાં માત્ર નવકાર ગણવાનું કહેતા. કોઈને શંખેશ્વર પાર્શ્વનાથનો જાપ કરવાનું કહેતા. કોઇને ક્યારેય દેવ-દેવીના
પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૨૩૦
મંત્રો આપતા નહિ. ચમત્કારોમાં માનવાનું કહેતા નહિ કે દોરા-ધાગા વગેરેમાં પડતા નહિ.
લોકોને સારું થઇ પણ જતું. પૂજ્યશ્રી પાસે લોકો આ વાત જણાવતા ત્યારે પૂજયશ્રી ક્યારેક કહેતા : તમારી શ્રદ્ધાએ આ કામ કર્યું છે.
પૂજયશ્રી દરેક જવાબમાં હંમેશાં ભગવાનને જ આગળ રાખતા, ‘ભગવાનની કૃપાએ બધું સારું થશે.” આ પૂજ્યશ્રીનો જવાબ રહેતો અને આ જ આશીર્વાદ રહેતા.
પૂજયશ્રી ધારત તો પોતાને ભગવાન તરીકે પૂજાવી શકત, પણ પૂજ્યશ્રી હંમેશાં પોતાને ભગવાનના ભક્ત તરીકે જ ઓળખાવતા હતા.
પૂજ્યશ્રીના નિર્મળ જીવન અને ઉત્તમ ભક્તિનો પ્રભાવ સમગ્ર મદ્રાસની જનતા પર ફેલાઇ ગયો હતો.
પૂજ્યશ્રીએ આ ચાતુર્માસમાં અમને અધ્યાત્મસારની વાચના આપી. પૂજ્યશ્રીએ પર્યુષણ તથા આસો મહિનાની ઓળીની આરાધના કરાવવા અમને કેસરવાડી મોકલેલા.
અહીં સુરતથી પૂજયશ્રી પર ટ્રસ્ટીઓની ટપાલ આવી કે આપના કહ્યા મુજબ ૬૦ હજાર અમે આપને મોકલી આપ્યો છે તે રકમ મળી ગઇ હશે ? પૂજયશ્રીએ જણાવ્યું : અમે ક્યારેય કોઇની પાસેથી આવી રીતે રકમ મંગાવતા નથી. તો તમે ૬૦ હજાર રૂપિયા કોને આપ્યા ? આખરે તપાસ કરતાં ખબર પડી કે હસમુખ નામના કોઇ ગઠિયાએ આ કળા કરી છે. મુમુક્ષુ બનીને એ ફોન દ્વારા ક્યારેક ડોલી માટે, ક્યારેક દવા માટે કે ક્યારેક પુસ્તક માટે પૂજયશ્રીના નામથી રૂપિયા મંગાવ્યું રાખતો. પૂજ્યશ્રીના નામના કારણે વધુ ઊંડા ઉતર્યા વિના ટ્રસ્ટીઓ રકમ મોકલતા રહ્યા. આ બિરાદરે પછી પણ પૂજ્યશ્રીના નામે અલગ-અલગ ભક્તો પાસેથી પ-૬ વર્ષ સુધી ઠગવાનું ચાલું રાખેલું. ૬-૭ લાખ ભેગા કર્યા હશે ! પણ એ ક્યારેય પકડાયો નથી !
આવા અનેક અનુભવો થવા છતાં ગરીબો પ્રત્યે પૂજ્યશ્રીની કરુણાની સરવાણી ક્યારેય સૂકાઇ ન હતી.
કચ્છ વાગડના કર્ણધારો ૨ ૨૩૧