________________
પૂજયશ્રીની નિશ્રામાં અવંતી પાર્શ્વનાથની સમક્ષ મુંબઇના કોઇ ક્રિયાકારકે (પ્રાયઃ જેઠાલાલભાઇ) સૌ પ્રથમવાર કલ્યાણ મંદિર પૂજન ભણાવેલું હતું.
અહીં પૂજ્યશ્રીએ મુનિઓને પન્નવણા તથા જીવાભિગમ સૂત્ર વંચાવ્યું હતું.
એક વખત ત્યાંના ટ્રસ્ટી કાન્તિભાઇ સાથે કોઇ બાબત એક મહાત્મા સાથે ચર્ચા થઇ. ચર્ચાએ અત્યંત ઉગ્ર સ્વરૂપ પકડી લીધું. પેલા ભાઇ જરા ગરમ મગજના હતા. મહાત્માનો હાથ પકડીને ક્રોધના આવેશમાં બરાડા પાડવા માંડ્યા. જોતાં એમ જ લાગે : જાણે હમણાં જ મારામારી શરૂ થઇ જશે. પેલા મહાત્મા પણ આવેશથી ઉત્તેજિત બની ગયા હતા, પણ પૂજયશ્રીએ ઉપશમ-લબ્ધિથી મામલો એટલો શાંત પાડી દીધો કે પેલા ભાઇને ઠંડા થવું જ પડ્યું ! ધોધમાર વરસાદમાં દાવાનળ ક્યાં સુધી સળગી શકે ? પૂજ્યશ્રી ઉપશમના વાદળ બનીને વરસ્યા હતા.
અહીં ગિરીશભાઈ ધ્યાન-વિચાર'નું પ્રૂફ લાવેલા હતા, જે જૈન સાહિત્ય વિકાસ મંડળ-મુંબઇ-પાલ તરફથી છપાઇ રહ્યું હતું. પણ એ આખી બેગ જ ટ્રેનમાં રહી ગઇ, ગુમ થઇ ગઇ. આઠ વર્ષની મહેનત હતી છતાં પૂજ્યશ્રીએ એટલું જ કહ્યું : જેવું લખાવું જોઇએ, તેવું નહિ લખાયું હોય. માટે જ પ્રભુને મંજુર નહિ હોય. ત્યાર પછી કાચી નોંધના આધારે ફરીથી લખાણ શરૂ કર્યું ને એ ગ્રંથ ૮ વર્ષ પછી પ્રગટ થયો.
અહીં એક વખત પૂજયશ્રીને સમાચાર મળ્યા કે પૂ. મોહનલાલજી મ.ના સમુદાયના પૂ. આ. મુનિસુંદરસૂરિજીના શિષ્ય સુદર્શન મુનિજી અત્યંત બીમાર અવસ્થામાં માનસિંહજીની હોસ્પિટલમાં દાખલ થયેલા છે. એટલે તરત જ પોતાના શિષ્યોને ક્રમશઃ તેમની સેવામાં મૂક્યા. ભા.સુદ૮-૯ ના દિવસે નાના ભાઇ (મુનિચન્દ્રવિ.) સેવા માટે ગયેલા. ભા.સુદ૯ ની સવારે એ મહાત્માએ ભક્તામર સાંભળતાં સાંભળતાં સમાધિપૂર્વક દેહત્યાગ કર્યો. સેવા કરવાના અવસરે પૂજયશ્રી સમુદાય-ભેદ વચ્ચે લાવતા નહિ. સેવા માટે મુનિઓને પણ પ્રોત્સાહિત કરતા.
પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. + ૧૯૪
અહીંના ડૉ. મહેશ, કનકમલજી ખાબિયા, મોહનલાલજી વગેરે ધર્મમાં જોડાયા અને આજીવન પૂજ્યશ્રીને તેમણે ગુરુ તરીકે સ્વીકાર્યા. મહેશ ડૉકટરના તો આજે પણ પૂજયશ્રીનું નામ સાંભળતાં રોમાંચ ખડા થઇ જાય છે.
વિ.સં. ૨૦૩૯, ઇ.સ. ૧૯૮૨,ઉજ્જૈનથી કા.વદ-૫ ના વિહાર થયો.
માગ.સુદ-૩, રતલામ, પૂજ્યશ્રીની આચાર્ય પદવીના ૨૦મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે ગુરુપૂજન આદિ થયેલું.
માગ.સુદ-૧૧, કસારવાડી (M.P), રતલામથી ગુજરાત આવતાં વચ્ચે આદિવાસી વિસ્તાર આવતો હતો. ભિલ્લોના આ પ્રદેશમાં આ કસારવાડી ગામ ! ઊતરવા માટે સ્કૂલ જેવું કાંઇક હતું. ગામનાં બીજાં ઘરો ક્યાં ? એવા અમારા પ્રશ્નના ઉત્તરમાં જવાબ મળ્યો કે થોડાં દૂર છે. પાણી બીજે ઘર છે. અમારામાંના કોઇ મહાત્મા પાણી વહોરીને આવ્યા ને કહ્યું : બરાબર એક કિ.મી. દૂર પાણી છે.
કુશલગઢથી ૨૦ કિ.મી. ચાલીને આવવાથી થાકી તો ગયા જ હતા. આમાંય વળી ગોચરી-પાણીનાં ઠેકાણાં નહિ. એક કિ.મી. ગયા પછી પણ પાણીયે થોડુંક જ મળ્યું. ગોચરીની તો અહીં આશા જ ક્યાં રાખવી ? અમારામાંના કેટલાક મહાત્માઓએ નક્કી કરેલું : ચલો, આજે આમ પણ મૌન એકાદશી છે. ઉપવાસ કરી લઇશું. પૂજયશ્રી પાસે પચ્ચકખાણ લેવાની તૈયારી જ હતી. ત્યાં જ એક વાહનનો અવાજ આવ્યો. રતલામથી એક બસ દર્શનાર્થે આવી પહોંચી હતી. રતલામવાળા આવી જાય એટલે પત્યું ! એમની ભક્તિ જોરદાર ! પછી તો પાણી વગેરેની પણ વ્યવસ્થા થઇ ગઇ. ઠારવા માટે થાળા વગેરે કાંઇ ન હતું તો રતલામવાળાઓએ પોતાના ટિફિન વગેરેનાં ઢાંકણાં-ડબલાં વગેરેમાં પાણી ઠારવા માંડેલું !
તે જ દિવસે બપોરે ચાકલિયા તરફ વિહાર કર્યો. ધાર્યા કરતાં કિ.મી. ઘણી નીકળવાથી ખૂબ જ મોડું થઇ ગયું. અમારામાંના બે મહાત્માઓ (મુનિશ્રી કુમુદચન્દ્ર-હેમચન્દ્રવિ.) તો ચાકલિયા પહોંચ્યા જ નહિ, પૂજયશ્રી સાથે અમે બધાએ ઘણી વાટ જોઇ, તપાસ પણ કરાવી,
કચ્છ વાગડના કર્ણધારો ૨ ૧૯૫