________________
થોડા દિવસ પછી દમદંત રાજા પાછા આવ્યા ત્યારે તેમણે પોતાના દેશની દુર્દશા કરનાર પાંડવોની રાજધાની પ૨ આક્રમણ કરીને તેને ઘેરી લીધી. નગરના બધા દરવાજા બંધ કરીને પાંડવોએ ઠંડો પ્રતિકાર કર્યો, પણ સીધું યુદ્ધ ન કર્યું. એટલે દમદંત રાજા કંટાળીને પાછા ફર્યા.
દમદંત રાજાનું હૃદય વૈરાગ્યથી વાસિત હોવાથી આ પ્રસંગને લઇને તેનો વૈરાગ્ય વધુ જવલંત બન્યો અને રાજ્ય સંપત્તિ આદિ દુન્યવી તમામ સુખોને ત્યાગી તેમણે સંયમધર્મ ગ્રહણ કર્યો.
અપ્રમત્તપણે વિચરતાં દમદંત મુનિ હસ્તિનાપુર પધાર્યા અને નગરની બહાર પ્રતિમા-ધ્યાને સ્થિર રહ્યા.
યાત્રા માટે પ્રયાણ કરતા યુધિષ્ઠિર આદિ પાંડવો ત્યાં થઇને નીકળ્યા. પ્રતિમા-ધ્યાને રહેલા મુનિને જોઇને તે સર્વ તેમને વંદન કરવા ગયા. બહુ નજીકથી જોતાં - આ તો પૂર્વકાળના રાજા દમદંત છે એવી ઓળખાઇ થઇ, એટલે વેરઝેરની ક્ષમાયાચના કરી, વંદન કરી કૃતકૃત્યતા અનુભવી.
ત્યાર પછી દુર્યોધન તે જ રસ્તેથી પસાર થયો. તેણે પણ મુનિને જોયા. ‘અરે ! આ તો દમદંત રાજા છે’ એમ જાણતાં જ તેમના પ્રત્યેનો તેનો રોષ
ઊભરાયો અને તેમના દેહ ઉપર બીજોરાનો ઘા કર્યો.
દુર્યોધનનું આ વર્તનનું અનુકરણ કરીને તેના સેવકોએ ધ્યાનસ્થ મુનિરાજ ઉપર પથ્થરો ફેંક્યા. મુનિરાજનો દેહ તેના વડે ઢંકાઇ ગયો.
કેટલાક સમય પછી ત્યાંથી પસાર થતા પાંડવોએ ધ્યાનસ્થ મુનિના સ્થાને મોટા પથ્થરોનો ઢગ જોયો. તપાસ કરતાં બધી બાતમી મળી. એટલે તરત જ નજીક જઇ પૂરી કાળજીપૂર્વક તેમણે બધા પથ્થરો દૂર કર્યા.
અવિચલિતપણે પ્રતિમા ધ્યાનમાં મગ્ન મુનિને જોઇને પાંડવોએ ભાવપૂર્વક વંદન કર્યું, અપરાધની ક્ષમા યાચી, મુનિના સમતાભાવની અનુમોદના કરતા સ્વસ્થાને ગયા.
દુર્યોધન દ્વારા કરાયેલા ઉપદ્રવ અને યુધિષ્ઠિર આદિ દ્વારા કરાયેલી ભક્તિ બંને તરફ મુનિ મધ્યસ્થ ભાવમાં રહ્યા.
આ છે રાગ અને દ્વેષ-ઊભયની પરિણતિથી મુક્ત મધ્યસ્થ મહાત્માનું જાજવલ્યમાન દૃષ્ટાંત !
(સૂચના : (૪) ‘કાષ્ઠા’ના સંદર્ભમાં દષ્ટાંતરૂપે પ્રથમ પરિશિષ્ટમાં આપેલ ‘આચાર્ય પુષ્પભૂતિ મહારાજ'નું દૃષ્ટાંત વિચારી શકાય.)
ધ્યાન વિચાર (સવિવેચન)
• ૩૫૭