________________
રાશિમાંથી બહાર નીકળીને એક જીવ વ્યવહાર રાશિમાં આવે છે. તે અસાધારણ પ્રતાપ સિદ્ધ પરમાત્માનો છે.
ઊંડી ખીણમાં ખૂંપેલા માણસને તેમાંથી બહાર કાઢનાર માણસ દેવ સમાન લાગે છે, તેમજ તે જીવે છે ત્યાં સુધી તેના આ ઉપકારને ભૂલતો નથી. તો આપણે બધા જે સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્યરૂપે આજે જીવીએ છીએ, તેના મૂળમાં (અનંતા) શ્રીસિદ્ધ ભગવંતનો અસીમ ઉપકાર રહેલો છે, તે એક ક્ષણ વાર ભૂલી જઇએ તો કૃતઘ્ની ઠરીએ.
શાસ્ત્રોએ મુક્તિને લક્ષ્ય બનાવવાનું જે ફરમાન કર્યું છે તે એકદેશીય નથી, પણ સર્વદેશીય છે. કારણ કે એકજીવની મુક્તિની સાથે બીજા અનંતા જીવોના ઉદ્ધારની પ્રક્રિયા અવિરતપણે ચાલુ રહે છે.
એટલે પ્રત્યેક મુમુક્ષુ આત્માની એ ફરજ છે કે તે અન્ય સર્વ જીવોને પોતાના ઉપકારી સમજી તેમના ઉત્કૃષ્ટ મંગલના હેતુને પણ ધર્મસાધનાના અંગભૂત બનાવે. મુક્તિના મર્મને આત્મસાત્ કરવામાં જ તેનું યથાર્થ બહુમાન છે.
સિદ્ધોના ગુણની અનંતતા ‘સિદ્ધાત્માઓનું સુખ કેટલું અને કેવું છે' તેનું વર્ણન કેવળી ભગવંતો પણ સ્વમુખે કરી શકતા નથી.
શુદ્ધાત્માનું સુખ, અતીન્દ્રિય, અવાચ્ય, અનુપમ, અક્ષય, અનંત અને
અવ્યાબાધ સ્વરૂપવાળું છે.
અસંખ્ય પ્રદેશાત્મક આત્માના એક એક પ્રદેશે અનંતા ગુણો રહેલા છે.
સિદ્ધ ભગવંતો અવ્યાબાધ સુખ, અનંત જ્ઞાન-દર્શનાદિ અનંત ગુણો, અનંત દાન, અનંત ગુણોનો લાભ, અનંત પર્યાયનો ભોગ, અનંત ગુણોનો ઉપભોગ, અનંત ગુણોમાં ૨મણ, અનંત વીર્યના સહકારથી નિરંતર સમયે સમયે કરીને, ભિન્ન-ભિન્ન ગુણોમાં આનંદનો આસ્વાદ અનુભવતા હોય છે. તેઓ નિરંજન, અરૂપી, નિરાકાર, અગુરુલઘુ અને અક્ષય સ્થિતિવાળા હોય છે.
જગતના જીવો ઇષ્ટ-શુભ શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શવાળા ભિન્ન-ભિન્ન પદાર્થોના શ્રવણ, દર્શન, આસ્વાદ, સુગંધ અને સ્પર્શન વડે પોતપોતાની રુચિ મુજબ અહર્નિશ ભિન્ન-ભિન્ન આનંદનો આસ્વાદ કરતા હોય છે. એ જ રીતે સિદ્ધ પરમાત્માઓ પણ પૌદ્ગલિક પદાર્થોના વિષયોના આધાર વિના જ સ્વાધીન અને સહજ એવા પોતાના અનંત ગુણપર્યાયના ભોક્તા હોય છે. તે અનંત ગુણોના આનંદનો આસ્વાદ પણ અનંત હોવાથી સિદ્ધ પરમાત્મા પરમાનંદી છે. તેમના ગુણોની અનંતતા, નિર્મળતા અને પૂર્ણતાનું જ્ઞાન-શ્રદ્ધાન થવું પણ દુર્લભ છે, તો તેની પ્રાપ્તિ દુર્લભતર અને દુર્લભતમ હોય તેમાં શી નવાઇ ?
ધ્યાન વિચાર (સવિવેચન)
• ૩૩૩