________________
ઓહ ! સાક્ષાતુ મહાવીરદેવ મારે આંગણે પધાર્યા હતા. મારું રોમરોમ આનંદથી ઝૂમી ઊઠ્યું. મારું સમગ્ર અસ્તિત્વ આનંદમય બની ગયું ! પ્રભુ જેવા પ્રભુ મારે ત્યાં ! હું ગદ્ગદ્ બની ગઇ. મેં પ્રભુને અડદના બાકળા વહોરાવવા સૂપડું હાથમાં લીધું. પણ આ શું ? પ્રભુ તો પાછા વળી રહ્યા હતા - વહોર્યા વિના જ !
હું ધ્રૂજી ઊઠી ! હાય ! હાય ! હું કેવી કમભાગી ! પ્રભુ જેવા પ્રભુ મારા આંગણેથી પાછા જાય ? હું રાજકુમારીમાંથી દાસી બની એનું દુઃખ હોતું, ત્રણ-ત્રણ દિવસથી ખાવા ન્હોતું મળ્યું એનું દુઃખ નહોતું, પણ પ્રભુ પાછા ગયા એનું મને ભયંકર દુઃખ હતું. હું ઘૂસકે-ધ્રુસકે રડી પડી : બસ મારું આટલું પણ ભાગ્ય નહિ ?
મારા હિબકાંનો અવાજ સાંભળી પ્રભુએ મારી સામે જોયું અને પાછા વળ્યા. વહોરાવવા હાથ લંબાવ્યા. હું તો આ દેશ્યથી આભી જ બની ગઇ હતી. અત્યંત ભાવપૂર્વક મેં બાકળા વહોરાવ્યા. તે જ વખતે અહો દાન અહો દાન' એવી આકાશમાં ઘોષણા થઇ. પંચ દિવ્ય પ્રગટ થયા. સોનામહોરોનો વરસાદ વરસ્યો. મારા મસ્તકે વાળ પાછા આવી ગયા. મારી હાથની બેડીઓ કંકણ અને પગની બેડીઓ ઝાંઝર બની ગઇ ! પ્રભુની પધરામણીથી હું ધન્ય બની ગઈ !
તમે કહેશો : હે ચંદના ! તું ખરેખર ભાગ્યશાળી છે. તારે ત્યાં સાક્ષાત્ ભગવાન આવ્યા. તારું દુર્ભાગ્ય પણ સૌભાગ્યમાં પલટાઇ ગયું. તારી આપત્તિ પણ સંપત્તિનું કારણ બની ગઇ. કોઇ ભાગ્યશાળીને જ આવું ‘દુર્ભાગ્ય’ મળે. પણ ઓ માનવો ! તમારી પરિસ્થિતિ પણ મારા જેવી જ નથી ? તમે કહેશો : હૈ...? અમારી પરિસ્થિતિ તમારા જેવી ? હોઇ શકે નહિ. આવો... હું તમને સમજાવું. સાથે સાથે તમને એ પણ સમજાશે કે ભગવાન કોને ત્યાં પધારે છે ? ભગવાનને લાવવા શું શું કરવું જોઇએ?
ભગવાને અભિગ્રહ કરેલો હતો કે કોઇ રાજકુમારી દાસી તરીકે વેંચાયેલી હોય. માથે મુંડન હોય. હાથે-પગે બેડી હોય. એક પગ ઊંબરાની અંદર અને એક પગ બહાર હોય. હાથમાં સૂપડું હોય, તેમાં
આત્મ કથાઓ • ૧૮૪
અડદના બાકળા હોય. ત્રણ દિવસની ભૂખી હોય, ભિક્ષાનો સમય વ્યતીત થઇ ગયો હોય, આંખે આંસુ હોય તો જ મારે પારણું કરવું.
જુઓ : ભગવાનની પ્રથમ વાત છે : વહોરાવનારી રાજકુમારી હોય, વાણીઆણી કે બ્રાહ્મણી નહિ. શા માટે આવું ? દુર્ભવ્ય કે અભવ્યો વાણીઆણી કે બ્રાહ્મણી જેવા છે. જ્યારે ભવ્યો રાજકુમારી જેવા છે. તમે ભવ્ય છો. ભગવાને સ્ત્રીના હાથે વહોરવાનો અભિગ્રહ લીધો. કારણ કે સ્ત્રી જ સમર્પિત બની શકે છે. પુરુષ લડાયક છે, શૌર્યશાલી છે. જયારે
સ્ત્રી સમર્પણશીલ છે. સમર્પણ હોય ત્યાં જ ભક્તિ સંભવી શકે. ઐણ હૃદય જ ભગવાનની ભક્તિ કરી શકે.
‘રાજકુમારી પણ પાછી દાસી તરીકે વેંચાયેલી જોઇએ.' તમે પણ કર્મસત્તાને ત્યાં વેંચાયેલા નથી ?
‘મસ્તકે મુંડન જોઇએ.’ તમારા આત્મગુણોનું મુંડન થયેલું નથી ? ક્ષમા-સંતોષ આદિ ગુણો ક્યાં દેખાય છે ? પણ ગભરાઇ જશો નહિ. મુંડન જ થયું છે. ટાલ નથી પડી. મુંડનમાં અને ટાલમાં ફરક છે. ટાલ પડ્યા પછી વાળ ન ઊગે. મુંડન પછી વાળ ઊગે. જ્ઞાન આદિ આત્મગુણોનું મુંડન જ થયું છે, નષ્ટ નથી થયા, ફક્ત દબાઇ ગયા છે, એનો ઊઘાડ થઇ શકે છે.
‘હાથે-પગે બેડી હોય.' તમારો આત્મા પણ બેડીઓથી જકડાયેલો નથી ? ઘાતી અને અઘાતી - બે પ્રકારના કર્મોની બેડીએ તમને બાંધેલા
“એક પગ ઊંબરાની અંદર અને એક પગ બહાર હોય.” તમારો એક પગ જીવનમાં અને બીજો પગ મૃત્યુમાં રહેલો છે. જીવન અને મૃત્યુ સાથે-સાથે જ ચાલી રહ્યા છે. તમે શ્વાસ લો છો એ જીવન છે. શ્વાસ છોડો છો એ મૃત્યુ છે. તમારું અસ્તિત્વ જીવન અને મૃત્યુ વચ્ચે ઝૂલી રહ્યું છે. મૂઢ માણસ જ છેલ્લા શ્વાસને મૃત્યુ માને. પ્રબુદ્ધ તો પ્રતિપળે થતા મૃત્યુને જોઇ રહ્યો છે ને મૃત્યુ પછી મળતા જીવનને પણ જોઇ રહ્યો છે. ‘ત્રણ દિવસની ભૂખી હોય.” હા... ભગવાન પ્રાપ્ત કરવા હોય તો
પરકાય - પ્રવેશ • ૧૮૫