________________
મારી સાવકી માતા તો મારા માટે શેતાન બની છે. પ્રભુ ! બીજા બાળકોની માતા જીવતી છે તો મારી જ માતા કેમ મરી ગઇ? મારા પર જ દુઃખોના ડુંગરા કેમ તૂટી પડ્યા ?
પ્રભુ સિવાય હું મારી કરુણ કથની કોને કહું? ખરેખર ! પ્રભુએ મારી પ્રાર્થના જાણે સાંભળી. મને એક કલ્યાણ મિત્રનો ભેટો થયો... જાણે પ્રભુએ જ એને મોકલ્યો હતો. મને એ દરેક વાતમાં સાચી અને હિતકારી જ સલાહ આપતો. મેં તેને એકવાર સાવકી માતા તરફથી પડતા ભયંકર દુઃખોની વાત કરી. મારા મિત્રે કહ્યું : દોસ્ત ! પૂર્વભવના કર્મનું આ બધું ફળ છે. ને એ કર્મ કરનાર આપણો જ પોતાનો આત્મા છે. હું તને કહું છું કે સાવકી માતાના દુઃખને તું ભૂલી જા. સાવકી માતા પ્રત્યેનો તિરસ્કાર છોડી દે. તિરસ્કાર કરવાથી કે દુઃખો યાદ કરવાથી મુશ્કેલીઓ દૂર થવાની નથી. ઊલટું મુશ્કેલીઓ વધુ ને વધુ બેવડાતી જશે. મારું માનતો હોય તો કર્મોનો ક્ષય કરવા તું તપ કર. તપ જ એવું વજ છે, જે કર્મના પર્વતના ભૂક્કા કાઢી નાખે છે. બાકી જે “છે' તે ‘નથી’ થવાનું નથી. પરિસ્થિતિ જ્યારે બદલાય તેવી ન હોય ત્યારે દુર્વિચારોથી નાહક દુઃખી થવાને બદલે મનઃ સ્થિતિ જ બદલાવી દેવી જોઇએ. શાણો માણસ આમ જ કરે છે. તું મનનું સંપૂર્ણ રૂપાંતર કરી તપ કરવામાં લાગી જા. જો, હવે પર્યુષણ નજીક આવી રહ્યા છે. એમાં અટ્ટમ કરી લેજે.'
મારા દોસ્તની સલાહ મને ગમી ગઇ.
એક સારો મિત્ર કેવું કામ કરે છે ? આની જગ્યાએ કોઇ ખરાબ મિત્ર મળી ગયો હોત અને તેણે મને માતાનું ખૂન કરી નાખવા જેવી અવળી સલાહ આપી હોત તો મારી શી હાલત થાત ? એ વિચારતાં જ હું ધ્રૂજી ઊઠું છું. ભલું થજો એ મિત્રનું કે જેણે મને સન્માર્ગે વાળ્યો.
મેં પર્યુષણમાં અટ્ટમ કરવાનું નક્કી કર્યું. હવે સતત મારા મનમાં અટ્ટમના જ વિચારો ગુંજવા લાગ્યા. ક્યારે પર્યુષણ આવે ? કયારે અટ્ટમ કરું ? અમ... અટ્ટમ... અમ... મારું મન પોકારવા લાગ્યું.
પણ બધું ધાર્યું થોડું થાય છે ? તે જ રાતે હું અટ્ટમના ધ્યાનમાં ઝૂંપડીમાં સૂતો હતો ને સાવકી
આત્મ કથાઓ • ૧૫૮
માતાએ ઝૂંપડી સળગાવી. હું અંદર જ ભસ્મીભૂત થઇ ગયો. શરીર બળી ગયું. પણ અમર આત્મા થોડો બળે ? મારા આત્માએ અહીં અવતાર ધારણ કર્યો !
ગયા ભવમાં ભલે અટ્ટમની ભાવના પૂરી ન થઇ, પણ આ ભવમાં તો એ ભાવના પૂરી કરવી જ છે. પછી કરું ? મોટો થઇને અટ્ટમની ભાવના પૂરી કરું ? નહિ, નહિ. જીવનનો શો ભરોસો ? જુઓને, ગયા ભવમાં પર્યુષણ સુધી પણ મારું જીવન ટક્યું નહિ ને મનની મનમાં જ રહી ગઇ. તો આ ભવમાં હવે વિલંબ કરવા જેવો નથી.
મેં તો જન્મ થતાંની સાથે જ અટ્ટમ લગાવી દીધો ! શ્રીસખી નામની મારી માતાએ મને ધવડાવવા ખૂબ પ્રયત્નો કર્યા, પણ હું ટસનો મસ ન થયો. મારી માતાને થયું : ઘણા અરમાનો પછી પુત્ર જન્મ્યો, પણ એનેય કોઇ રોગ કે વળગાડ લાગે છે. મારા ‘રોગ’ કે ‘વળગાડ' ને દૂર કરવા ખૂબ પ્રયત્નો કરવામાં આવ્યા. વૈદ, હકીમ, ભૂવા, માંત્રિક, તાંત્રિકો ને બોલાવ્યા. વૈદે નાડી જોઇ. ભૂવાઓએ ડાકલા બજાવ્યા. ધુણ્યા, માંત્રિક-તાંત્રિકોએ પણ પોતાના પ્રયત્નો કર્યા, પણ બધું વ્યર્થ ! રોગ કે વળગાડ ગયો નહિ, જાય પણ ક્યાંથી ? હોય તો જાય ને ?
ત્રણ દિવસમાં તો હું સાવ જ કુશ અને મૂચ્છિત બની ગયો. ત્રણ દિવસ ભૂખ્યા-તરસ્યા રહેવાનું નવ-જાત શિશુનું શું ગજું ?
મારા માતા-પિતા વગેરે બધા સમજ્યા કે હું મરી ગયો છું.
ખૂબ જ શોકાર્ત બનીને તેમણે મને જમીનમાં દાટી દીધો. મારા મૃત્યુનો એમને એટલો બધો આઘાત લાગ્યો કે તીવ્ર કલ્પાંત કરવા લાગ્યા : ઘણા ઘણા અરમાનો પછી એક બાળક મળ્યો. ઓ કુર દૈવ! તેં એને પણ છીનવી લીધો ? હવે અમારે જીવીને કામ પણ શું છે ? આ ઋદ્ધિ-સમૃદ્ધિ બધું કોના માટે ?
મારા “મૃત્યુ'નો એટલો આંચકો લાગ્યો કે મારા પિતાજી શ્રીકાંત મૃત્યુ પામ્યા. સાચે જ અતિ રાગ, અતિ શોક, અતિ હર્ષ એ બધું બહુ જ ખતરનાક છે. લાગણીઓના આવેગો પર માણસ જો નિયંત્રણ ન કેળવે તો અકાળે જ કાળ કોળિયો કરી જાય !
આત્મ કથાઓ • ૧૫૯