________________
તેમ ન હતો. એથી મારી પત્ની કોઇ આડો માર્ગ લેવા વિચારતી હતી, પણ જ્યાં સુધી હું બેઠો હોઉં ત્યાં સુધી એ શી રીતે થઇ શકે ? એટલે એણે મારો જ કાંટો કાઢી નાખવાનું વિચાર્યું ! કોમળ દેખાતી સ્ત્રીઓ કેટલી હદે કઠોર થઇ શકે છે - એ જાણવું હોય તો મારી પત્નીને જાણો ! છટ્ટના પારણામાં તેણે ખોરાકમાં કાતીલ વિષ ભેળવ્યું. હું તો અજાણ હતો. પત્ની આટલી હદ સુધી મારાથી વિપરીત થઇ ગઇ છે, એની તો મને કલ્પના જ ન્હોતી! હું તો મારી મસ્તીમાં મસ્ત હતો. વળી પત્ની પણ પહેલાંની જેમ જ મારી સાથે હસતી હતી, વાતો કરતી હતી, બધો જ વ્યવહાર કરતી હતી, કદાચ પહેલાં કરતાં પણ વધુ અનુરાગ બતાવતી હતી. હું તેની કપટ લીલા સમજી શક્યો નહિ. સમજું પણ ક્યાંથી ? જે સ્ત્રીઓની દંભલીલાનો પાર ભલભલા પુરુષો પણ નથી પામી શક્યા, ત્યાં હું પામર કોણ ? હું સ્વયં સરળ હતો, મને બીજા પણ સરળ લાગતા હતા. સરળને તો આખી દુનિયા સરળ જ લાગે ને ? હું મુગ્ધ ભાવે પત્નીએ આપેલો આહાર આરોગી ગયો. ખલાસ ! થોડી જ વારમાં મારી નસો ખેંચાવા માંડી. મારી આંખોના ડોળા બહાર આવવા લાગ્યા. આખી દુનિયા ચક્કર-ચક્કર ફરતી હોય તેમ મને લાગવા માંડ્યું. મને તરત જ ખ્યાલ આવી ગયો : કોઇનું આ ઝેર આપી મને મારી નાંખવાનું કાવતરું
છે. મારી આવી દશા જોઇ મારા સેવકો તરત જ સાવધાન થઇ ગયા અને વિષવૈદોને બોલાવવા દોડ્યા. આખા રાજમહેલમાં ધમાચકડી મચી ગઇ. વિષવૈદના નામથી જ મારી પત્ની ગભરાઇ ઊઠી. અરે, હવે જો રાજા બચશે તો મારું તો આવી જ બનશે. ગમે તે રીતે હવે તો રાજાને મારવો જ પડશે. એ કૃત્રિમ રીતે રડવા લાગી : હાય ! હાય ! મારા પ્રાણનાથ ! મારા હૃદયેશ્વર ! મારી આંખોની કીકી ! મારા હૈયાનો હાર ! અરેરે ! આપને શું થયું ? આવું કોણે કર્યું ? હવે હું શું કરું ? એ જોર જોરથી રડવા લાગી અને મને બાઝી પડી. બીજા સમજવા લાગ્યા કે આ રાણી તો આલિંગન આપી રહી છે. પ્રેમ કરી રહી છે. પણ એ શું કરી રહી હતી, તે તો હું જ જાણતો હતો. આલિંગનના બહાને તે મારા પર ચડી બેઠી... જાણે સાક્ષાત્ મૃત્યુની રાક્ષસી ચડી બેઠી ! તેણીએ મારું આત્મ કથાઓ • ૧૫૪
ગળું જોરથી દબાવ્યું. હું છેલ્લાં ડચકા લેવા માંડ્યો. એ ગળા પર વધુ ને વધુ ભીંસ આપવા લાગી. મને ભયંકર... અતિ ભયંકર પીડા થવા લાગી. જેને હું મારી પ્રાણપ્યારી સમજતો હતો, જેની સાથે મેં ભોગો ભોગવ્યા હતા, આનંદપ્રમોદ કર્યો હતો, જેના સુખ માટે મેં દુઃખ વેઠ્યા હતા તે મારી સહચારિણી આજે મને જાનથી મારી રહી હતી. તમે વિચારો : મારા મનના ભાવો કેવા બન્યા હશે ? ના... તમે આગળ વિચારતા જ નહિ. તમે જેવું ધારો છો, એના કરતાં જુદા જ વિચારો મારા મનમાં રમવા લાગ્યા. અરેરે... આ બિચારી મારા નિમિત્તે કેવા ભયંકર કર્મ બાંધે છે ? બિચારીનું શું થશે ? ભલું થજો એ કેશી મહારાજનું કે મારા જેવા ઘોર નાસ્તિકને તેમણે આસ્તિક બનાવ્યો, ધાર્મિક બનાવ્યો. જો મને ધર્મ ન મળ્યો હોત તો ? અત્યારે મારી કેવી હાલત હોત ? ભયંકર રૌદ્રધ્યાનમાં પડેલો હોત ! ક્રોધથી ધમધમતો હોત! દુર્ગતિનું આયુષ્ય બાંધી રહ્યો હોત ! પણ આજે હું શાંત છું, પ્રશાંત છું, ઉપશાંત છું. મને એના પ્રત્યે જરાય દુર્ભાવ નથી. એ બિચારી શું કરે ? મારા જ કર્મો એવા છે. બીજા તો નિમિત્તમાત્ર છે. હું અત્યંત સમતાના સરોવરમાં મહાલી રહ્યો. તમે કદાચ કહેશો : ધર્મ કર્યાનું આ જ ફળ ? આવું અકાળે મોત ? એ પણ પત્નીના હાથે ? તમને ભલે જે લાગતું હોય તે લાગે, પણ મને એવું કશું લાગતું નહોતું. હા... મારે ઊલટી રીતે વિચારવું હોય તો હું એમ પણ વિચારી શકત : હાય ! હાય ! ધરમની લપમાં હું ક્યાં ફસાયો ? કેશી મહારાજે મને ભોળવી દીધો. એમણે ભોળવી દીધો એટલે મેં રંગરાગનો ત્યાગ કર્યો. રંગરાગનો ત્યાગ કર્યો એટલે રાણી વીફરી. આના કરતાં ધરમથી દૂર જ રહ્યો હોત તો ? પણ ના... મેં એવું કશું ન વિચાર્યું. મારો ધર્મ હળદરીયા રંગ જેવો ન્હોતો. ચોળમજીઠનો રંગ હતો. હું હૃદયથી ધર્મને ચાહવા લાગ્યો હતો. એ ધર્મના પ્રભાવથી જ હું સમતા રાખી શક્યો. નહિતો હું કદાચ ભયંકર રૌદ્રધ્યાનની આગમાં પડી ભસ્મીભૂત બની ગયો હોત, દુર્ગતિમાં ચાલ્યો ગયો હોત ! હવે પીડા વધતી જતી હતી. છેલ્લા ડચકાં લેવાતાં હતાં. રાણીએ ભીંસ હજુ છોડી ન્હોતી. હું મનોમન અરિહંતાદિનું શરણું આત્મ કથાઓ • ૧૫૫