________________
ઢંઢણમુનિ પૂર્વભવમાં મગધ દેશમાં પરાશર નામનો બ્રાહ્મણ હતો. રાજાના ખેતરો પરની (વાવણી વગેરેની) જવાબદારી એના પર હતી. અનેક મજૂરો તેના હાથ નીચે કામ કરતા હતા. થોડીક સત્તા આવતાં માણસ છકી જાય છે, પોતાની નીચે રહેલા માણસોનું શોષણ કરે છે. પરાશર પણ ખેત-મજૂરોનું ખૂબ જ શોષણ કરવા લાગ્યો. ભોજનનો ટાઇમ થવા છતાં ભોજન ન આપે. બળદ અને મજૂર બંનેને ભૂખ્યા રાખી કામ કરાવે. આમ તેણે તે વખતે જે અંતરાય કર્મ બાંધ્યું હતું તે આ જન્મમાં ઉદયમાં આવ્યું છે. દુનિયાનો શાશ્વત નિયમ છે : કરો તેવું ભરો. વાવો તેવું લણો. આપો તેવું મેળવો.
બીજાને ભોજન નહિ આપવાથી આજે તેને ભોજન મળતું નથી.
મારો આવો પૂર્વભવ પ્રભુ-મુખે સાંભળી હું સ્તબ્ધ થઇ ગયો. કેવાં ચીકણાં કર્મો મેં બાંધ્યા ? મને ગોચરી નથી મળતી એમાં લોકોનો નહિ, મારા કર્મોનો જ દોષ છે. મારા કર્મો જ એવાં છે કે પગ મૂકું ત્યાં લોકોના ભાવ જ બદલાઇ જાય, ઉદાર પણ કંજુસ બની જાય. આપવાનું મન જ ન થાય.
આ બધો કર્મોનો દોષ છે. કર્મોનો પણ શા માટે? મારો જ દોષ છે. મેં કર્મ બાંધ્યા માટે મને વળગ્યા ને ? વગર આમંત્રણે કર્મો થોડા આવ્યા છે ? એક રીતે જોઇએ તો કર્મોના કેટલાક ઉપકાર પણ છે. કર્મો કદી વગર આમંત્રણે આવતા નથી. આપણે રાગ-દ્વેષ કરીએ તો જ આવે. રાગ-દ્વેષ કરવા એટલે કર્મોને આમંત્રણ-પત્રિકા લખવી. તમે કોઇને આમંત્રણ-પત્રિકા લખો ને એ આવે એમાં એનો કોઇ ગુનો નથી. ગુનો હોય તો પત્રિકા લખનારનો છે. બીજું, ક તે જ વખતે ઉદયમાં આવતા નથી. અબાધાકાળ પૂરો થયા પછી જ ઉદયમાં આવે છે. ત્યાં સુધી એ આપણને તક આપે છે : તમે અમારો નાશ કરી શકો છો, અમે ઉદયમાં આવ્યા વિના નષ્ટ થઇ જઇશું; જો તમે કોઇ જ્ઞાન, ધ્યાન કે તપ જેવા અનુષ્ઠાનોમાં લીન બની જાવ તો. કર્મનો આ જેવો તેવો ઉપકાર છે ? ત્રીજો ઉપકાર એ કે કર્મો ઉદયમાં આવે છે ત્યારે કપાળમાં કાંઇ લખતા નથી કે તમે પૂર્વજન્મમાં આવું-આવું કર્યું હતું માટે અમે ઉદયમાં આવ્યા
આત્મ કથાઓ • ૭૬
છીએ. જો એ બધું લખાઇ જતું હોત તો લોકો તમારા પર દયા તો ન કરે, પણ ઘૂંકે. હાય ! હાય ! આવો પાપી ! આના પર દયા કરવા જેવી નથી. સારું છે કે કપાળમાં કાંઇ લખાઇ જતું નથી. ચોથો ઉપકાર એ કે કર્મો કોઇ ભેદભાવ રાખતા નથી, સો ટચ સાચો ન્યાય આપે છે. કોઇની લાંચ રુશવત કે લાગવગ અહીં ચાલતી નથી. નાનો માણસ પણ જો ઉમદા કામ કરે તો તેને કર્મો મહાન માનવ બનાવી દે છે. પેલો ભરવાડનો છોકરો સંગમ ! એણે ખીર વહોરાવવાનું ઉત્તમ કામ કર્યું તો ખુશ થયેલા કર્મોએ એને સંગમમાંથી શાલિભદ્ર બનાવી દીધો. મોટો માણસ પણ ભૂલ કરે તો એને પણ કમ ન છોડે. શ્રી આદિનાથ કે મલ્લિનાથ જેવા ભગવાનોને પણ કર્મોએ ક્યાં છોડ્યા છે ? કર્મોના કેટકેટલા ઉપકાર છે આપણી ઉપર ?
તો કર્મોને શા માટે ભાંડવા ? કમનો શો દોષ? તેઓ તો આપણી આમંત્રણ-પત્રિકાથી આવેલા મહેમાન છે. ખરો દોષ તો આપણો છે, આત્માનો છે. આત્માએ રાગ-દ્વેષ કર્યા માટે કર્મો આવ્યા ને ?
મારે મારા આત્માને રાગ-દ્વેષથી પર રાખવો જોઇએ, એને દેઢા બનાવવો જોઇએ. તો કર્મો પોતાની મેળે ભાગી છૂટશે. યજમાન આગતાસ્વાગતા ન કરે તો મહેમાન કેટલા દહાડા ટકે? આપણે તો મહેમાનોને મીઠાઇઓ ખવડાવ્યા કરીએ છીએ ને ફરીયાદ કરીએ છીએ : મહેમાનો એવા ચીટકી પડ્યા છે કે જવાનું નામ નથી લેતા. ગુંદર તમે લગાવો તો ચીટકે જ ને ?
મહેમાનોને વિદાય આપવા મેં ઘોર અભિગ્રહ લીધો : મારી લબ્ધિથી મળે તો જ ભોજન લેવું. બીજાની લબ્ધિથી મળેલી ભિક્ષા વાપરવી નહિ.
હું રોજ-રોજ ઘેર-ઘેર ફરતો... પણ ક્યાંયથી ભિક્ષા મળતી નહિ. મારું કર્મ જાણે ઘેર-ઘેર જઇને કહી આવતું : સાવધાન ! પેલા સાધુને કશું આપતા નહિ.
રોજ પાત્રા લઇને જાઉં અને ખાલી આવું ! બધા સાધુઓ મારો આવો અભિગ્રહ પહોળી આંખે જોઇ રહેતા !
આત્મ કથાઓ • ૭૭