________________
હું મુશ્કેલીમાં મૂકાઈ ગયો. શું કરવું ? આ બાજુ વાઘ ને આ બાજુ નદી ! અહીં જાઉં તો વાઘ ફાડી ખાય ને ત્યાં જાઉં તો નદી તાણી જાય ! કબૂતર આપું તો જીવ-હત્યા થાય ને ન આપું તો બાજ ભૂખ્યો મરે ! હવે કરવું શું? કબૂતર તો કોઇ હિસાબે ન આપવું - એ મારો દઢ સંકલ્પ હતો. તો શું બીજા કોઇનું માંસ આપી દેવું ? નહિ... એ કદી નહિ બને. મારા જેવાથી એવો વિચાર પણ થઇ શકે નહિ. માંસ કોઇને માર્યા વિના મળી શકે નહિ. આ કબૂતરને મારો કે બીજા કોઇને મારો... હિંસા બંને સ્થાને સમાન છે.
હવે શું કરવું? તમારા જીવનમાં પણ ઘણીવાર આવા સંકટો ઊભા થતા હશે. ત્યારે તમે વિચારતા હશો : ‘હવે શું કરવું ? ક્યાં જવું ? દુકાને જવું કે વ્યાખ્યાને ? તપ કરવું કે ખાવું ? સંસાર સંભાળવો કે ધર્મ ?' આવા મૂંઝવણમાં મૂકી દેતા પ્રશ્નો ઘણીવાર જાગતા હોય છે ને ? ભરત ચક્રવર્તીની સમક્ષ આવો જ પ્રશ્ન ઉપસ્થિત થયો હતો ને ? અત્યારે ક્યાં જાઉં ? ચક્રરત્નની પૂજા કરું કે પિતાજીને કેવળજ્ઞાન થયું છે ત્યાં જાઉં ? ભરત તો વિવેકી હતા અને તેમણે કેવળજ્ઞાનને પ્રધાનતા આપી. તમે હો તો શું કરો ?
મારો પ્રશ્ન તો આનાથી પણ વિકટ હતો, પણ મન જો ધર્મને સંપૂર્ણ સમર્પિત હોય તો બધાના ઉકેલ મળી રહે છે. મને એકાએક વિચાર આવ્યો : “હું મારું જ માંસ આપી દઉં તો કેમ ? કબૂતર પણ બચી જશે અને બાજ પક્ષીની ભૂખ પણ શાંત થશે.”
મેં બાજને કહ્યું : “હું બીજા કોઇનું માંસ તો તને આપી શકું નહિ, પણ મારું માંસ આપી શકીશ. બોલ તું તૈયાર છે ?'
- “હા... મને ચાલશે. પણ શરત માત્ર એટલી કે કબૂતર જેટલું જ માંસ મારે જોઇએ. એથી જરાય ઓછું ન ચાલે. એ માટે તમારે ત્રાજવું મંગાવવું પડશે.” બાજે પોતાની બાજી નાખી.
મેં ત્રાજવું મંગાવી એક પલ્લામાં કબૂતર રાખ્યું અને બીજી બાજુ હું મારું માંસ કાપીને નાખવા તૈયાર થયો. મેં છરી હાથમાં લીધી.
આત્મ કથાઓ • ૬૬ |
તમારા જેવા કદાચ વિચારે : “એક કબૂતરને બચાવવા આટલું બલિદાન ? આમ કરવાની જરૂર શી? દુનિયામાં લાખો-કરોડો કબૂતરોને બાજ પક્ષીઓ આમેય મારી જ રહ્યા છે. એક કબૂતર ભલે વધારે મરે. એમાં શો ફરક પડવાનો છે ?'
સવાલ ફરક પડવાનો નથી, સવાલ હૃદયમાં રહેલી કરુણાની ધારાનો છે.
તમે કહેશો : “એક કબૂતર જવા દો. બાકી આખી દુનિયાના જીવો પર દયા કરો ને ! દયા પાત્ર ઘણાય જીવો છે.'
તમે એક વાત સમજી લો કે જે માણસ પોતાની સામે જ રહેલા એક જીવ પર દયા કરતો નથી, તે દૂર રહેલા જીવો પર શી રીતે દયા કરી શકશે? એની દયા તો દંભનો જ પર્યાય માત્ર હશે ! માત્ર મનની ચાલાકી હશે ! વળી, આખી સૃષ્ટિ એક-બીજા સાથે સંકળાયેલી છે. એકની હત્યામાં સર્વ જીવોની હત્યા છે. એકની રક્ષામાં સર્વની રક્ષા છે. બધા જ જીવો એક જ સૂર્યના કિરણો છે. એક જ ફૂલની પાંખડીઓ છે. એક જ હાંડીના ચોખા છે. એક જ ડાળના પંખી છે. એક જ જહાજના મુસાફરો છે. એક જ સમુદ્રના બિંદુઓ છે. એક જ સંગીતના સ્વરો છે. એમાંથી એકની પણ ઉપેક્ષા થઇ શકે નહિ.
જ્યારે આપણી ચેતના વિરાટ બને છે, વિશ્વચેતના બને છે ત્યારે એકેએક જીવો પ્રત્યે કરુણા પ્રગટે છે, પ્રેમની ધારા વહે છે.
છરીથી મેં મારા સાથળમાં રહેલું માંસ કાપીને ત્રાજવામાં રાખ્યું. કહેવામાં આ જેટલું સરળ છે, તેટલું કરવામાં નથી હોં ! એક કાંટો વાગી જાય તોય ચીસ નીકળી જાય ત્યાં છરીની વેદના કેટલી હશે ? એ કલ્પના કરી જુઓ. પણ હૃદય જ્યારે બીજા પ્રત્યે પ્રેમથી ઊભરાય છે, ત્યારે આવું દુ:ખ પણ દુઃખ નથી લાગતું, સુખ લાગે છે. બીજાને જો થોડુંકેય સુખ મળતું હોય તો કરુણાપૂર્ણ હૃદય પોતાના પર અનેક દુઃખો ઝીલી લેવા તત્પર બની જતું હોય છે.
હું તો કાપી-કાપીને માંસના ટૂકડા ત્રાજવામાં મૂકવા માંડ્યો.. પણ આશ્ચર્ય! હજુ કબૂતરનું પલ્લું નીચું જ હતું ! આટલું વજનદાર કબૂતર ક્યારેય
આત્મ કથાઓ • ૬૭