________________
પેલો માણસ તો અજબનો હતો. એ તો મારી પાસે આવીને ઊભો જ રહી ગયો. હવે તો મારા અપમાનની હદ થઇ ગઇ ! આમ કોઇ ઊભું રહી જાય એમાં મારી આમન્યા ક્યાં રહી ? આને તો બરાબર પાઠ ભણાવવો જોઇશે. કરડ્યા વગર ઠેકાણું નહિ પડે. મેં એના અંગૂઠે જોરથી ડંખ ભર્યો. ડંખ ભરીને તરત જ હું દૂર ખસી ગયો. રખે આ માણસ મારા પર ધબ દઈને પડે ! હજારોને મારનારો હું... “કોઇ મને ન મારે' એના માટે કેટલી તકેદારી રાખતો હતો ?
પણ... પેલો માણસ તો હજુ એમ જ ઊભો હતો. એના અંગૂઠામાંથી લોહી નહિ, પણ જાણે દૂધ નીકળી રહ્યું હતું. આવો માણસ મેં જીંદગીમાં કદી જોયો ન્હોતો. આ જગ્યાએ બીજો કોઈ હોય તો લાકડી મારે, પોતે ભાગી છુટવાનો પ્રયત્ન કરે, પણ અહીં એવું કાંઇ જ હોતું ! જીવતી જાગતી શાંતિ જાણે ટટાર ઊભી હતી.
હું એ વિચિત્ર માણસની સામું જોવા લાગ્યો. ઓહ ! કેટલી કરુણા એની આંખોમાં ભરી હતી ! કેટલી પ્રશાન્ત વાહિતા એના ચહેરા પર વિલસી રહી હતી ! રૂપ પણ કેટલું ઝગારા મારતું હતું - જાણે એકી સાથે એકસો ચન્દ્ર ઊગ્યા ! આવો રૂપાળો ! આવો શાન્ત ! આવો સ્વસ્થ માણસ મેં કદી જોયો હોતો... માણસ આવો હોઈ શકે, એની મને કલ્પના પણ નહોતી.
હું બરાબર એની સામે જોઇ રહ્યો હતો ત્યારે એ માણસ અત્યંત મધુર અવાજે બોલ્યો : “બુજઝ બુજઝ ચંડકોસીયા !' શું મીઠાશ હતી એ શબ્દોમાં ? જાણે આંબાની ડાળે કોયલ ટહૂકી ! જાણે ચાંદીની ઘંટડી રણકી ! જાણે સાકરને વાચા ફૂટી !
હું એ મીઠાશ અને વહાલથી અભિભૂત બની ગયો. એ માણસની આંખોમાંથી નીકળતી કરુણા મારા હૃદયમાં ઊતરી રહી હોય તેમ મને લાગ્યું. હું એના મુખની સામે તાકીને જોતો જ રહ્યો, જોતો જ રહ્યો. જોતાં-જોતાં મને કશુંક યાદ આવવા માંડ્યું : આવું રૂપ, આવું મુખ ક્યાંક જોયું છે. ક્યાંક જોયું છે. હું મારા અચેતન મનમાં ઊંડોને ઊંડો ઊતરતો ગયો. ઊતરતો
આત્મ કથાઓ • ૬૦
ગયો... એક પછી એક પડદા હટતા ગયા... હટતા ગયા... અને મેં જોયું : ઓહ ! પૂર્વજન્મમાં હું ધર્મઘોષ નામનો તપસ્વી સાધુ ! જીવનમાં તપ ખરો, પણ સમતા નહિ. કોઇ મને કાંઇ કહી દે એ હું સહન કરી શકતો નહિ. ક્રોધનું મૂળ પણ અભિમાનમાં છે. હું તપસ્વી અને મને કોઇ કહી જાય ? મારો અહંકાર હૂંફાડા મારતો હતો.
એક દિવસે દમદંત નામના બાલ મુનિ સાથે હું ગોચરીએ જતો હતો ત્યારે પગ નીચે નાનકડી દેડકી કચરાઇને મરી ગઇ. બાલ મુનિએ કહ્યું : “મહારાજ ! તમારા પગ નીચે દેડકી મરી ગઇ.'
હું મોટો તપસ્વી અને મને કોઇ નાનો સાધુ કહી જાય ? મારી આબરૂ શું? મારા અહંકારે ગર્જના કરી. મેં કહ્યું: એમ? દેડકી કચડાઇ ગઇ ? બીજી બધી કચડાયેલી દેડકીઓ પણ મેં જ મારી એમ ને ?”
અહંકારી માણસ પોતાની ભૂલનો બચાવ કેવા વિચિત્ર ઢંગથી કરતો હોય છે ! ભૂલ કબૂલ કરવાનું તો દૂર રહ્યું પણ એ તો ઊલટો સામી વ્યક્તિ પર ત્રાટકી પડે છે. આવા અહંકારી, ક્રોધી માણસનો એક જ ઉદ્દેશ હોય છે કે ફરી કોઈ મારી સામે ચૂંય ન કરે ! એકવાર પ્રભાવ પાડી દઇએ પછી મજાલ નથી કોઇની કે આપણી ભૂલ બતાવી શકે !
પણ... બાલ મુનિ તો મારી પાછળ પડી ગયા... બે-ત્રણ વાર દેડકાની વિરાધના યાદ કરાવ્યા પછી સાંજે પ્રતિક્રમણમાં પણ યાદ કરાવ્યું. હવે હું ઝાલ્યો રહું ? ‘આ ટેણિયાને તો મેથીપાક આપીને સીધો કરવો પડશે. નહિતો એ મારો જીવ ખાશે.' આવા કોઇક વિચાર સાથે હું એને મારવા દોડ્યો.
મને ધસી આવતા જોઇ પેલા બાલ મુનિ તો અંધારામાં ક્યાંય છૂ થઇ ગયા. હું એમને પકડવા દોડ્યો. પણ ક્યાં એ ચંચળ બાળ મુનિ ને ક્યાં ઘરડો હું? દોડવા ગયો પણ પકડી ન શક્યો. રસ્તામાં થાંભલા સાથે ટકરાયો. અંદર અને બહાર બંને જગ્યાએ અંધારું હતું એટલે થાંભલો દેખાયો નહિ, બહાર રાતનું અંધારું અને અંદર ક્રોધનું અંધારું !
જોરથી થાંભલા સાથે ટકરાતાં મારું માથું ફાટી ગયું. કોઇ સમાધિ આપવા આવે તે પહેલાં જ મારા રામ રમી ગયા.
આત્મ કથાઓ • ૬૧