________________
અનુષ્ઠાનો કર્યા છે, જિનાલય બંધાવ્યા છે, ભાવથી પુજા કરી છે...
મારું લાંબુંલચ ધાર્મિક લિસ્ટ વચ્ચેથી જ તોડી પાડતાં પેલા છડીદારે કહ્યું: ‘પણ નાથ ! પુણ્યની જેમ આપના જીવનમાં પાપ પણ કાંઈક હશે ને ? સિક્કાની બીજી બાજુ હવે બતાવો. દરેક માણસના જીવનમાં દિવસરાતની જેમ પુણ્ય-પાપનું પણ ચક્ર હોય છે. આપની ઊજળી બાજુ સાંભળી... હવે અંધારી બાજુ પણ અમે સાંભળવા માંગીએ છીએ.”
“અરે શું વાત કરો છો ? અંધારી બાજુ ? પાપ કરનારો કદી સ્વર્ગમાં આવી શકતો હશે ? તમે સ્વર્ગના છડીદાર થઇ આટલું સીધુંસાદું સત્ય સમજી શકતા નથી ?”
છડીદાર ભોંઠો તો પડી ગયો, પણ મારી પાસે વાત ઓકાવવા જુદાજુદા ઘણા પ્રયત્નો કર્યા... પણ હું ટસથી મસ ન થયો ! આખરે હું લોહખુરનો દીકરો હતો !
અભયકુમાર મારી ચતુરાઈ સમજી ગયો. મને એણે નિર્દોષ છોડી મૂક્યો. હા.. દોષ પૂરવાર ન થાય ત્યાં સુધી સજા ન થાય - એ નીતિને એ દૃઢતાથી વળગી રહ્યો.
હું નિર્દોષ છૂટી તો ગયો, પણ મારું જ અંતઃકરણ બોલવા લાગ્યું : રે જીવ ! તેં માત્ર એક જ વાર અનિચ્છાએ મહાવીરની વાણી સાંભળી તો તારું જીવન બચી ગયું. અત્યારે જો વાણી સાંભળેલી ન હોત તો ચોક્કસ તું ભ્રમમાં પડી જાત, જવાબ આપવામાં ગરબડ કરી દેત... અને તું પકડાઇ જાત ! અનિચ્છાથી સાંભળવા છતાં આટલો લાભ થતો હોય તો ઇચ્છાપૂર્વક સાંભળ્યું હોય તો? થોડા શબ્દો પણ આટલું કામ કરતા હોય તો ઘણા શબ્દો શું કામ ન કરે ?'
પિતાજીએ સાચે જ મને ગેરમાર્ગે દોર્યો. આને બાપ શી રીતે કહેવાય ! બાપ નહિ પણ પાપ છે, જે પુત્રનો હિતશત્રુ બને.
| મારું વિચાર-વલોણું આગળ વધ્યું... અરેરે... આ જીવનમાં મેં કેટલી ચોરીઓ કરી ? કેટલાને ત્રાસ આપ્યો ? કેટલાના નિસાસા લીધા ? હિંસા કરતાંય ચોરી મોટું દુઃખ આપે છે. હિંસા-ખૂનમાં તો સામી વ્યક્તિને માત્ર ક્ષણવાર દુઃખ થાય... જ્યારે ચોરીમાં તો સામી વ્યક્તિ બિચારી
આત્મ કથાઓ • પ૬
જીવનભર દુભાયા કરે ! જીવનભર બળાપો કાઢ્યા કરે ! આવા કેટલાય નિર્દોષ માણસો મારા પર નિસાસા નાખી રહ્યા હશે ! વળી, મારું જીવન પણ કેવું? હડકાયા કૂતરા જેવું ! આમથી તેમ ભાગ્યા જ કરવાનું ! સતત ભય નીચે જ જીવવાનું ! આ તે કંઇ જીવન છે ! ન ક્યાંય આનંદ ! ન ક્યાંય શાંતિ ! ન ક્યાંય વિશ્રાન્તિ ! બસ... આમ તેમ ભટક્યા જ કરો ! શ્રી મહાવીર ભગવાનના ચરણોમાં બેઠેલા કેટલા શાંત હોય છે ! હું પણ એવી શાંતિ શા માટે ન મેળવું? માનવ અવતારમાં હડકાયા કૂતરા જેવું જીવન શા માટે જીવું ?
ને... વળતી જ પળે હું ભગવાન મહાવીર પાસે પહોંચ્યો ને ધ્રુસકેધ્રુસકે રડતાં હું બોલ્યો : “ભગવન્! આપને મેં ઓળખ્યા નહિ. આપના વિષે હંમેશ હું ગેરસમજ જ ધરાવતો રહ્યો. મને એમ જ લાગતું : આપ જાદુગર છો, ઇન્દ્રજાલિક છો. લોકોને ભરમાવો છે. પણ પ્રભુ ! આજે મને આપ પરમ કરુણાના સાગર લાગો છો. આપની આંખોમાં કરુણાનો ઘુઘવતો અફાટ સાગર હું જોઇ રહ્યો છું. પ્રભુ ! આપના થોડાક વચનોએ પણ મને જીવન-દાન આપ્યું તો આપના ચરણોમાં સંપૂર્ણ સમર્પણ શું નહિ આપે ? અત્યાર સુધી મને બીજા કોઇએ નહિ, પણ બાપે જ ઠગ્યો... પણ આજે હું આપનું સાચું સ્વરૂપ જાણી શક્યો છું. નાથ ! અત્યાર સુધી કરેલાં બધાં પાપોનો નાશ કરવા હું આપના ચરણોમાં દીક્ષિત બનવા ચાહું છું. એ પહેલાં હું શ્રેણિક મહારાજા પાસે જઇ ચોરીની કબૂલાત કરી, ચોરીનો બધો જ માલ સમર્પિત કરી આવું.”
પ્રભુની અનુમતિ લઇ હું શ્રેણિક મહારાજા અને અભયકુમાર પાસે પહોંચ્યો. ચોરીની કબૂલાત કરી ગુફામાં રહેલો ચોરીનો બધો જ માલ બતાવી દીધો.
પછી પ્રભુના ચરણોમાં આત્મ-સમર્પણ કરી દીધું. હું મુનિ બની ગયો. ચીકણાં પાપ-કમનો નાશ કરવા છ-છ મહિનાના ઉપવાસો હું કરવા લાગ્યો. છેવટે વૈભારગિરિ પર અનશન લઇ હું સ્વર્ગે ગયો.
મને ઓળખ્યો ? હું રોહિણિયો ચોર !
આત્મ કથાઓ • ૫૭