________________
વારિખિલ પણ મારી સામે આવ્યો. એના હૃદયમાં ક્ષમાના ભાવો પેદા થયા. હા... તમે બીજાને મૈત્રીના ભાવ આપો તો સામેના હૃદયમાં પણ તેવા ભાવો પેદા થાય જ. ‘ભાવાતું ભાવઃ પ્રજાયતે' આ વાક્ય સો ટકા સાચું છે. એ હું જાત-અનુભવથી કહી શકું તેમ છું. મેં જ્યારે મારા મનની વાત વારિખિલને કરી ત્યારે તેના હૃદયમાં પણ પરિવર્તન થઇ ગયું. તે પણ મારી સાથે સંસાર-ત્યાગ કરવા તૈયાર થઇ ગયો. અમે બંનેએ અમારા પુત્રોને રાજ્ય આપી સુવષ્ણુ પાસે તાપસી દીક્ષા સ્વીકારી. અમારી સાથે ૧૦ ક્રોડ સુભટોએ પણ દીક્ષા સ્વીકારી. તાપસ જીવનમાં અમે ઝાડની છાલ (વકલ)ના વસ્ત્રો પહેરતા. ઝરણાનું પાણી પીતા. કંદમૂળ-ફળનો આહાર કરતા. માથે જટા રાખતા અને મનમાં શ્રી આદિનાથ પ્રભુનું ધ્યાન ધરતા. મને તો વહેમ છે કે તમારા જમાનામાં જે બાવાજીઓ શંકરનું ધ્યાન ધરે છે તે મૂળતઃ આદિનાથ ન હોય. શંકર જટાધારી હતા, તેમ આદિનાથ પણ પાંચમી મૂઠી બાકી રાખવાથી જટાધારી હતા. શંકરના મસ્તકે ચંદ્ર છે, તે સિદ્ધશિલાનું પ્રતીક છે. કહેવાય છે કે સ્વર્ગથી પડતી ગંગા પહેલા શંકરની જટા પર પડી. કેટલાય વર્ષો સુધી ત્યાં રહી અને પછી ધરતી પર આવી. આ કઇ ગંગા ? એ ગંગા છે ધર્મગંગા. આદિનાથ પ્રભુએ જ આ યુગમાં સર્વપ્રથમ ધર્મગંગા વહાવી છે ને? શંકરને કપાળમાં ત્રીજી આંખ છે, તો આદિનાથજીને કેવળજ્ઞાનની ત્રીજી આંખ છે. શંકરે ત્રિશૂળથી દૈત્યને માર્યા. આદિનાથે રત્નત્રયીરૂપી ત્રિશૂળથી મોહને માર્યો. શંકર શરીરે ભભૂતિ લગાડે છે તે વૈરાગ્યની સૂચક છે. શંકરનો પોઠીયો નંદિ (બળદ) છે તો આદિનાથજીનું લાંછન પણ બળદ છે. શંકર કૈલાસ પર રહે છે. તો આદિનાથજીનું નિર્વાણ પણ કૈલાસ (અષ્ટાપદનું બીજું નામ કૈલાસ છે) પર જ થયું છે. જુઓ કેટલી સમાનતા આવે છે ? વાતવિચારવા જેવી નથી લાગતી ? અમારી જ પરંપરામાં થયેલા બાવાઓએ જટા, ચંદ્ર, ગંગા, ત્રિશૂળ, નંદિ વગેરે પ્રતીકો દ્વારા આદિનાથનું રૂપાંતર કરી નાખ્યું હોય તેવું નથી લાગતું ? હશે. જે હોય તે ખરું !
અમારા દહાડા સાધનામાં સુખપૂર્વક પસાર થતા હતા. આમ એક લાખ વર્ષ વીત્યા પછી એક દિવસે આકાશમાં બે વિદ્યાધર મુનિઓ ક્યાંક જતા હતા તે અમે જોયું. તેઓ નમિ-વિનમિના પ્રશિષ્ય હતા. અમે તેમને
આત્મ કથાઓ • ૧૦૨
પૂછ્યું : તમે કોણ છો ? ક્યાં જાવ છો? એમણે પોતાનો પરિચય આપ્યો અને ક્યાં જવાનું છે તે અંગે જણાવતાં કહ્યું કે અમે સિદ્ધાચલ જઇએ છીએ. જ્યાં પાંચ ક્રોડ સાથે પુંડરીકસ્વામી મોક્ષમાં ગયા છે તથા જ્યાં ત્રણ ક્રોડ સાથે રામચન્દ્રજી, વીસ ક્રોડ સાથે પાંડવો, એકાણું લાખ સાથે નારદજી વગેરે અનેક આત્માઓ મોક્ષમાં જવાના છે. આવા તીર્થાધિરાજના દર્શન પરમ પુણ્યોદય હોય તો જ મળે. ગિરિરાજનો આવો મહિમા સાંભળી અમને ત્યાં જવાની ઇચ્છા જાગી. અમે તેમની સાથે સિદ્ધાચલની પરમ પાવન ધરતી પર આવ્યા. અમારી સાથે ૧૦ ક્રોડ તાપસો પણ હતા. એ ધરતી પર પગ મૂકતાં જ અમારો મનનો મોરલો નાચી ઊઠ્યો. જીવન સાર્થક થતું હોય તેમ લાગ્યું. અમે અહીં આવ્યા તે પહેલાં જ તાપસી દીક્ષા છોડી જૈની દીક્ષા સ્વીકારી સાધુ બની ગયા હતા. અમે તો અહીં આવીને મહિનાના ઉપવાસ શરૂ કરી દીધા. એક દિવસે અમને અમારા ગુરુદેવો તરફથી કહેવામાં આવ્યું કે તમે અહીં જ રહો. પૂર્વજીવનમાં તમે ઘણા-ઘણાં પાપ કર્મો કરેલા છે, તે બધા પાપોને ખપાવવા તમારા માટે આ સિદ્ધાચલ અતિઉત્તમ ક્ષેત્ર છે. તમે અહીં જ રહો ને શત્રુંજયનું ધ્યાન ધરો. તમે અહીં જ સર્વકર્મનો ક્ષય કરી કેવળી બની મોક્ષે જશો. આમ કહીને તેઓ આકાશમાર્ગે જતા રહ્યા. અમે દશક્રોડ મુનિઓ સાથે ત્યાં જ રહ્યા. અને ખરેખર અમારા ગુરુદેવની વાણી ફળી. એક દિવસે અમે કેવળજ્ઞાનની જ્યોત પ્રગટાવી અને ત્યાર બાદ અંતમુહુતમાં જ અમે સૌ દુઃખમય, પાપમય અને સ્વાર્થમય સંસારથી કાયમ માટે મુક્ત બની સિદ્ધશિલામાં બિરાજમાન થઇ ગયા. એ દિવસ હતો કાર્તિકી પૂર્ણિમાનો ! આજે પણ તમે કાર્તિકી પૂર્ણિમાના દિવસે હોંશભેર યાત્રા કરો છો ને ! કાર્તિકી પૂર્ણિમાના દિવસે આજે પણ અમારું જીવન જગબત્રીશીએ ગવાઇ રહ્યું છે. તમે વિચારો : અમારા જેવા હત્યારાઓને, પાપના કાદવથી ખરડાયેલાઓને પણ સાફ કરી કેવળજ્ઞાનની ભેટ આપનાર એ ગિરિરાજમાં કેટલી પવિત્રતા ઠસોઠસ ભરી હશે ? તમારું સૌભાગ્ય છે કે આવા કલિકાળમાં પણ તમને સિદ્ધગિરિ જેવું મહાનથી પણ મહાન તીર્થ મળી ગયું છે.
આત્મ કથાઓ • ૫૦૩