________________
છે. સગાભાઇને શત્રુના પક્ષમાં હાથે કરીને જવા દેવો એવી ભૂલ ડાહ્યો માણસ કદી કરે નહિ. પણ મને કોઇએ વાત કરી નહિ. કરે પણ કોણ ? કોના દા'ડા ઊઠ્યા છે તે મને કોઇ શિખામણ આપે ? સિંહને કોણ કહે કે તારું મોં ગંધાય છે ?
હવે ખરાખરીનો ખેલ શરૂ થયો. શ્રી મુનિસુવ્રત સ્વામીની પૂજા કરી યુદ્ધે ચડ્યો. હા... આવા અવસરે પણ હું ભગવાનને ભૂલ્યો ન્હોતો. હવે હું યુદ્ધ મેદાનમાં આવ્યો. રસ્તામાં થયેલા અપશુકનને ગણકાર્યા નહિ. લાખો સૈનિકો બંને પક્ષે સજ્જ હતા. નાખી નજર ન પહોંચે એટલા સૈનિકો હતા. જાણે માણસોનો દરિયો જોઇ લો ! રણશિંગા ફૂંકાયા. ભયંકર યુદ્ધ શરૂ થયું. ધડાધડ માથાઓ કપાવા લાગ્યા. ધડો નાચવા લાગ્યા. લોહીની નદીઓ વહેવા લાગી. રામનો ઇશારો થતાં જ હનુમાન વગેરેએ એવો સપાટો મચાવ્યો કે મારા સૈન્યમાં કેટલાય કપાઇ મૂવા તો બચેલા સૈનિકો ભાગવા માંડ્યા. મારું સૈન્ય વેરવિખેર થતું જોઇ, મેં કુંભકર્ણ અને ઇન્દ્રજિત્ને ઇશારો કર્યો. તેઓ ભયંકર જુસ્સા સાથે રામના સૈન્ય પર તૂટી પડ્યા. બંને બળિયાઓએ એવો સપાટો બોલાવ્યો કે રામનું લશ્કર ભાગવા માંડ્યું. હું ઉત્સાહમાં આવી ગયો. ‘શાબાશ... શાબાશ... આગે બઢો.' સૈનિકોનો ઉત્સાહ વધારવા હું નારા લગાવતો રહ્યો. કુંભકર્ણનો સામનો કરવા સુગ્રીવે મોટી શિલા તેના તરફ ફેંકી. પણ કુંભકર્ણ કોનું નામ ? ગદાના એક જ પ્રહારથી શિલાના ટૂકડે-ટૂકડા કરી નાખ્યા. એટલું જ નહિ પણ તે તો સુગ્રીવ તરફ એકદમ ધસી ગયો. ગદાનો જોરદાર પ્રહાર કરી સુગ્રીવને પાડી દીધો ને બગલમાં નાખી કુંભકર્ણ ભાગ્યો. આથી મારો પુત્ર મેઘનાદ ખૂબ જ હોંશમાં આવી ગયો. ભયંકર બાણ-વર્ષાથી રામના સૈન્યનો ખુરદો બોલાવી નાખ્યો. આથી રામ-લક્ષ્મણ એકદમ ઊકળી ઊઠ્યા. કુંભકર્ણની સામે અને ઇન્દ્રજિત્ની સામે ગોઠવાઇ ગયા. પેલો સુગ્રીવ તો જબરો નીકળ્યો. બળ લગાવીને કુંભકર્ણની બગલમાંથી છટકી ગયો. હવે રામ-લક્ષ્મણ ઝંઝાવાતી યુદ્ધ ખેલી રહ્યા હતા. જોતજોતામાં એમણે કુંભકર્ણ અને ઇન્દ્રજિત્ને પકડી લીધા. હવે મારાથી ન રહેવાયું. હું હવે હાથી પર બેસી યુદ્ધ મેદાનની આત્મ કથાઓ • ૪૯૪
મોખરે ધસી આવ્યો. રસ્તામાં કેટલાય શત્રુઓનું કચ્ચરઘાણ વાળી નાખ્યું. મારી સામે લડવા રામ આવતો'તો, પણ તેને અટકાવીને લક્ષ્મણ મારી
સામે લડવા આવ્યો. મને આમાં મારું અપમાન લાગ્યું. મારી સામે લડવા લક્ષ્મણ આવે ? નાનો ભાઇ આવે ? પણ ગમે તે હોય. મારે તો લડવું જ હતું ને ? અમે બંને સામ-સામા આવી ગયા. તેની સાથે થોડી જ વાર યુદ્ધ કર્યા પછી મને લાગ્યું કે આ બંદો મારાથી જરાય ઊતરે એવો તો નથી જ. બળમાં જ નહિ, કળમાં પણ તે આગળ હતો. મેં જેટલા શસ્ત્રો ફેંક્યા, બધાનું તે બરાબર નિરાકરણ કરતો રહ્યો. હવે સાંજ થવા આવી હતી. લક્ષ્મણને મારવા હું અધીરો બન્યો હતો. મારા બીજા શસ્ત્રો બેકાર બન્યા હતા. એટલે મેં શક્તિ શસ્ત્રને યાદ કર્યું. આ શસ્ત્ર એવું છે કે જેને લાગે તેના પ્રાણ આવતા સૂર્યોદય પહેલાં તો લઇ જ લે. મેં તેના પર જોરથી શક્તિ છોડી. જોરથી છાતીમાં વાગતાં લક્ષ્મણ મૂચ્છિત બનીને ત્યાં જ ઢળી પડ્યો. રામ-છાવણીમાં હાહાકાર મચી ગયો. રામ
પણ લક્ષ્મણની આ દશા જોઇ મૂચ્છિત બની ગયો. તરત જ રામ-લક્ષ્મણને તેમના સૈનિકોએ ઘેરી લીધા. હું મારા સ્થાને પહોંચ્યો. હવે હું આનંદમાં હતો. કારણ કે શક્તિના પ્રહારથી લક્ષ્મણ મરી જ જશે ને તેના વિરહથી રામ પણ મરી જવાનો છે. હવે બંદા જીત્યા. હું મનોમન હરખાઇ રહ્યો. પણ આ મારો ભ્રમ છે, એવી ત્યારે ખબર ન્હોતી.
આ બાજુ રામ-છાવણીમાં ઘેરી ચિંતા ફરી વળી. લક્ષ્મણને મોતના મુખમાંથી કઇ રીતે બચાવવો એ જ એમનો મુખ્ય પ્રશ્ન હતો. ત્યાં ભામંડળને કોઇ વિદ્યાધરે સલાહ આપી : અયોધ્યાથી બાર યોજન દૂર કૌતુકમંગળ નામના નગરમાં દ્રોણધન નામનો રાજા છે. ત્યાં કૈકેયીના ભાઇની પુત્રી વિશલ્યા નામની કન્યા છે. તેના સ્નાનના પાણીનો જો લક્ષ્મણને સ્પર્શ કરાવવામાં આવે તો શક્તિનું શલ્ય તે જ ક્ષણે નીકળી જાય. પણ આ કામ સૂર્યોદય પહેલાં થવું જોઇએ. નહિ તો જીવનની કોઇ આશા નથી. ભામંડળે આ વાત પોતાના બનેવી રામને કરી. રામે આ કામ તેને અને હનુમાનને સોંપ્યું. બંને જણા વિમાનમાં બેસી રાતોરાત અયોધ્યા ગયા. મધુર સંગીતથી ભરતને જગાડ્યો ને બધી વાત કરી.
આત્મ કથાઓ • ૪૯૫