________________
અપહરણથી ભયંકર દુઃખી હોવા છતાં પોતાનું કામ પડતું મૂકી બીજાના કામ માટે દોડ્યા છે. શરણે આવેલાનો તો ખરેખર તે તારણહાર હતો. મેં જે ચંદ્રોદરને મારી પાતાલ લંકાનું રાજ્ય મારા બનેવી ખરને અપાવ્યું હતું, તે રાજ્ય રામે ચંદ્રોદરના દીકરા વિરાધને અપાવ્યું. તમને યાદ હશે કે ચંદ્રોદરના મૃત્યુ વખતે તેની ગર્ભવતી રાણી ક્યાંક નાસી ગઇ હતી. તેનો જે પુત્ર તે પોતે વિરાધ. વળી કિષ્કિન્ધાનો અધિપતિ સુગ્રીવ પણ એક ભયંકર મુસીબતમાં ફસાયો હતો. સાહસગતિ નામના વિદ્યાધરે સુગ્રીવની સુંદર પત્ની તારા પર મોહિત થઇ તેને ભોગવાવની ઇચ્છાથી સુગ્રીવનું જ રૂપ-બનાવી રાજમહેલમાં ઘુસી ગયો. આથી સાચો સુગ્રીવ ખૂબ જ મુશ્કેલીમાં મુકાયો. પોતાના જ સૈનિકો અને પોતાના જ મંત્રીઓપુત્રો વગેરે વિપરીત થઇ ગયા. આથી તેણે શરૂમાં મારા શરણે આવવાનું વિચાર્યું, પણ મારી કામલોલુપતા તે જાણતો હતો. આથી તે આખરે વિરાધના માધ્યમે રામના શરણે ગયો. રામે ખોટા સુગ્રીવ (સાહસગતિ વિદ્યાધર)ને હણી સુગ્રીવને કિષ્કિન્ધાનું રાજ્ય અપાવ્યું. આથી તે બધા રામના જીગરજાન દોસ્તો બની ગયા અને પેલો પવનંજયનો પરાક્રમી પુત્ર હનુમાન; એક વખતનો મારો સેવક, તે પણ રામભક્ત બની ગયો. મારું જીવને વાંચીને તમે પ્રેરણા લેજો કે જો તમે ઉન્માર્ગે જશો તો તમારા દોસ્ત પણ દુશ્મન બની જશે અને જો તમે સન્માર્ગે હશો તો દુશ્મન પણ દોસ્ત બની જશે. મારા જ તાબાના રાજાઓ, મારા જ સેવકો આજે મારી ઊંધાઇના કારણે મારા શત્રુઓ બની ગયા હતા.
વિરાધ, ભામંડલ, જાંબુવાન, હનુમાન, નીલ, નલ, સુગ્રીવ વગેરે કેટલાય વિદ્યાધર રાજાઓ રામના સેવક બની ગયા. મારા માટે આ મોટી લપડાક હતી. મને આના આછા-પાતળા સમાચાર મળતા પણ હું મારા બળ પર મગરૂર હતો.
જટાયુ તથા પેલા વિદ્યાધર દ્વારા એમને બધાને ખબર તો પડી જ ગઇ હતી કે સીતાને ચોરનાર હું છું. પણ સીતા પાસે કોને મોકલવો તે સવાલ હતો. આખરે સુગ્રીવની સલાહથી હનુમાન પર પસંદગી ઉતારી. તે રામની વીંટી લઇ લંકાના અશોકવનમાં આવી પહોંચ્યો. તેણે શિશપના
આત્મ કથાઓ • ૪૯૦
ઝાડ નીચે સીતાને જોઇ. સીતાની આંખમાં આંસુ હતા. મોટું જ્ઞાન હતું. મુખમાંથી નીકળતા રામ... રામ... રામ... ના શબ્દો સંભળાઈ રહ્યા હતા. હનુમાને ઝાડ પરથી જ રામની વીંટી સીતાના ખોળામાં ફેંકી. સીતા ચમકી. આ શું? મારા પતિદેવની વીંટી ક્યાંથી ? એનું મુખ મલકી ઊઠ્યું. એના રોમ-રોમમાં આનંદ છવાઇ ગયો. એકવીસ દિવસમાં આજે પહેલી વાર એના ચહેરા પર પ્રસન્નતાની સુરખી લહેરાઇ. ત્રિજટાએ સીતાની આ પ્રસન્નતા જોઇ અને તરત તે મારી પાસે દોડી આવી અને કહ્યું : દેવ ! સીતા આજે આનંદમાં છે. લાગે છે કે હવે તે રામને ભૂલી ગઈ છે, આપના વિષે અનુરાગી બની છે. આપ અત્યારે “કંઇક' કરો. તરત જ કામ પતી જાય. સીતાના આનંદનું સાચું કારણ હું જાણતો ન્હોતો. મૂઢ હતો. ત્રિજટાની વાત મેં સાચી માની લીધી. સીતાને સમજાવવા મેં તરત જ મંદોદરીને મોકલી. મંદોદરી મારી વફાદાર પત્ની હતી. મને સુખી કરવા તે બધું જ કરી છૂટવા તૈયાર હતી. મંદોદરીએ સીતાને કહ્યું : સીતા ઓ સીતા ! બેન ! જરા મારી વાત સાંભળ. જો મારા પતિદેવ રાવણ રૂપ અને ઐશ્વર્યમાં અદ્વિતીય છે કે તું રૂપમાં અદ્વિતીય છે. જો કે વિધાતાની ભૂલથી તમારા લગ્ન થઇ શક્યા નહિ, પણ કાંઇ વાંધો નહિ. હજુ પણ વિધાતાની ભૂલ સુધારી લે, તું રાવણને પતિ તરીકે સ્વીકારી લે. મારું પટ્ટરાણીપદ તને આપીશ. હું અને અમે બીજી રાણીઓ દાસીની જેમ તારી સેવા કરીશું. આ સાંભળતાં જ સીતાનો ચહેરો વિકરાળ થઇ ગયો. આંખો કાઢીને તેણે મંદોદરીને કહ્યું : ઓ પાપિણી ! પતિનું દૂત્ય કરનારી ! તારા ધણીની જેમ તારું મોઢું જોવામાં પણ પાપ છે. હું રામની છું ને રામની જ રહેવાની છું એ તું વજના અક્ષરે તારા મગજમાં લખી નાખ. હમણાં જ મારા પતિ રામ, લક્ષ્મણ વગેરેની સાથે આવ્યા જ સમજ. ખર વગેરેની જેમ તારા ધણીનું પણ માથું કપાયું જ સમજ ! મારા રામની પાસે ન કુંભકર્ણ ટકી શકશે, ન મેઘનાદ ટકી શકશે કે ન તારો ધણી રાવણ ટકી શકશે. મને સમજાવવા આવી છે તેના કરતાં તારા ધણીને સમજાવ ને ! તું તો મહાસતી છે. મહાસતીના દુ:ખને તું સમજી શકે છે.
આત્મ કથાઓ • ૪૯૧