________________
|T (10) પ્રતિલેખકનું સન્માન ||
મારા શરીર પર ચોંટેલા એ મકોડાને દૂર કરવા આસપાસના શ્રાવકો મારી પાસે આવી પહોંચ્યા. પણ તેમને કહી દીધું : તમે દૂર જ રહેજો. નાહક બિચારો આ મંકોડો મરી જશે.
મંકોડો કોઇ પણ હિસાબે મારા લોહીનો સ્વાદ છોડવા તૈયાર હોતો ને હું કોઇ પણ હિસાબે એને મારવા તૈયાર હોતો.
તમને થતું હશે ? ક્યાં માંસાહારી કુમારપાળ ને ક્યાં મંકોડાને બચાવવા તત્પર રહેનાર કુમારપાળ ? તમને તો શું ? મને પણ નવાઇ લાગે છે. આટલું બધું પરિવર્તન ? પણ ‘કમે સૂરા તે ધમ્મ સુરા' એ કહેવત એમને એમ નથી પડી. ઘણું કરીને જે ઘણા પાપો કરીને ધર્મ પામ્યા હોય છે તે ધર્મને અત્યંત દઢતાથી વળગી રહે છે.
મંકોડાએ જોરદાર પક્કડ જમાવી દીધી હતી. જીવતો તે કોઇ પણ રીતે છૂટો થઇ શકે તેમ ન્હોતો. ખેંચવાથી ટૂકડા થાય તેમ હતું. પારેવાની રક્ષા ખાતર પોતાના શરીરમાંથી માંસ આપનાર ભગવાન શ્રી શાંતિનાથ (મેઘરથના ભવમાં) મને યાદ આવ્યા. એ ભગવાન જો એક પારેવાની રક્ષા કરવા પોતાના પ્રાણો આપવા તૈયાર થતા હોય તો એ પ્રભુનો સેવક હું આમાંથી કોઇ બોધપાઠ ન લઇ શકું ? મારે શું કરવું ? એ માટે મને મેઘરથના જીવનમાંથી તરત જવાબ મળી ગયો. મેં ધારદાર છરી મંગાવી અને મંકોડો જે ભાગ પર ચીપકી ગયો હતો એટલા ભાગની ચામડી ધીરેથી કાપી લીધી અને મંકોડાને છૂટો કર્યો. મારું હૃદય જાણે મંકોડાને કહી રહ્યું હતું : તને મારું લોહી, મારી ચામડી બહુ ભાવે છે. આરામથી ખાતો રહે.
જયણા ધર્મની માતા છે. જયણા ધર્મનું પાલન-પોષણ કરનારી છે. જયણા તપની વૃદ્ધિ કરનારી છે. જયણા એકાંતે સુખ દેનારી છે. એવું મને હૃદયથી બરાબર પ્રતીત થઇ ગયું ત્યારથી જયણા મારું જીવન બની હતી. મને જયણા ખૂબ જ ગમતી હતી, જયણા પ્રેમી લોકો પણ મને ખૂબ ગમતા. મને જયણાપ્રેમી માણસની ખબર પડી જાય તો હું એનું બહુમાન કર્યા વિના રહેતો નહિ. મને ખ્યાલ હતો કે જેનું બહુમાન કરવામાં આવે એ ગુણ પ્રજામાં જોરદાર વ્યાપ્ત બને છે. સામાન્ય રીતે પ્રાયઃ દરેક માણસ પોતાની કોઇ કદર થાય પોતાનું કોઇ બહુમાન થાય તેમ ઇચ્છતો હોય છે. એટલા માટે જ પ્રાયઃ એની પ્રવૃત્તિઓ હોય છે. જો એને ખબર પડે કે ગુણોનું સન્માન થઇ રહ્યું છે તો એ ગુણો મેળવવા પ્રયત્ન કરશે. જો એને ખબર પડશે કે દુર્ગુણોની, જૂઠ અને પ્રપંચની બોલબાલા છે, તો એ તરફ દોડવા લાગશે. આજે તમારી આસપાસ જૂઠ, પ્રપંચ, વિશ્વાસઘાત, છેતરપીંડી, અન્યાય વગેરે કેમ ફાલી-ફૂલી રહ્યા છે? કારણ કે આજનો માણસ જાણે છે કે આની જ કિંમત છે. જૂઠ અને પ્રપંચથી જ માણસ પૈસાદાર બને છે. પૈસાદાર બને છે, તેને બધા માનની દૃષ્ટિએ જુએ છે. જ્યારે જે સાચો અને ન્યાયી હોય છે તે એમને એમ ખાખી બંગાળી રહે છે ને લોકો એની સામે પણ જોતા નથી. લોકો જો જૂઠની જ પૂજા કરતા હોય તો આપણે શા માટે સત્ય તરફ દોડવું ? સામાન્ય માણસો આમ વિચારી જૂઠ-પ્રપંચ અને હિંસા તરફ દોટ મૂકે છે, પૈસા તરફ દોટ મૂકે છે. પૈસાથી એમને સન્માન જોઇએ છે.
હું જાણતો હતો કે જ્યાં હિંસા, જૂઠ અને ચોરી સન્માન પામતા હોય ત્યાં એ વધે જ. હું તો કલિકાલમાં પણ અહિંસા, સત્ય અને અચૌર્યને સન્માનિત-પ્રતિષ્ઠિત કરવા માંગતો હતો. તેવા લોકોનું બહુમાન કરવા માંગતો હતો. જયણાપ્રેમી આત્માઓનું સન્માન કરવાની તક હું તરત જ ઝડપી લેતો હતો.
આત્મ કથાઓ • ૪૩૦
હું કુમારપાળ • ૪૩૧