________________
સિંહનાદથી જરા પણ ગભરાયા વિના મારો હાથી સડસડાટ અર્ણોરાજના હાથી પાસે એકદમ નજીક ધસી ગયો. મારા હાથી પર આવવા અર્ણોરાજે એકદમ કૂદકો લગાવ્યો. એ હજુ એ જ ખ્યાલમાં રાચતો હતો કે હાથી પર બેઠેલો મહાવત ચાઉલીંગ છે, જે મેં ફોડેલો છે, એટલે મને સહાયતા કરશે. પણ મહાવત તો બદલાઇ ગયો હતો. મેં ચાઉલીંગના સ્થાને શામળ નામનો નવો મહાવતને નિયુક્ત કર્યો હતો. અર્ણોરાજને આની ખબર ન્હોતી. જ્યાં તેણે મારા હાથી પર કૂદકો લગાવ્યો તે જ વખતે મારા વફાદાર શામળ મહાવતે હાથીને પાછો હટાવ્યો. ધડૂમ... અણોરાજ પડ્યો સીધો નીચે. હું તેની છાતી પર ચડી બેઠો. તેની જીભ ખેંચીને કહ્યું : બોલ, શું વિચાર છે તારો ? જીવવું છે કે મરવું છે ?
તે બિચારો દીન મુખે મારી પાસે પ્રાણોની યાચના કરવા લાગ્યો. એટલામાં મારી બેન દેવલદેવી આવી પહોંચી અને તેણે પતિભિક્ષા માંગી. મેં તેને અમુક શરતો પૂર્વક છોડી મૂક્યો.
ચારેબાજુ મારા નામનો જય-જયકાર થઇ ગયો. અજિતનાથ ભગવાનનાં દર્શન કરી હું જીતવાની ઇચ્છાએ પાટણથી નીકળ્યો હતો. મેં મનોમન એ અજિતનાથ ભગવાનને યાદ કર્યા.
અણરાજ પણ મારા પરાક્રમથી ખુશ થઇ ગયો અને તેણે પોતાની પુત્રી જહણા મારી સાથે પરણાવી. મેં તેનું નવું નામ પાડ્યું ઃ ચંદ્રલેખા. રાજગચ્છીય આચાર્યશ્રી ધર્મઘોષસૂરિજીના ઉપદેશથી પ્રભાવિત થયેલી ચંદ્રલેખા પરમ ધાર્મિક વૃત્તિવાળી હતી.
અર્ણોરાજ પર મારી આ જીત વિ.સં. ૧૨૦૭માં થઇ હતી. રાજગાદી પર આવ્યું અને ત્યારે આઠ વર્ષ થયા હતા. આ જીતથી સપાદલક્ષ, મેડતા અને પાલીમાં મારી આણ વર્તી રહી. હું ત્યાંથી ચિત્તોડ થઇ માળવા તરફ ગયો. ચિત્તોડમાં મેં લોકલાગણીને માન આપી વિજય સ્મારક તરીકે સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર બંધાવ્યું.
મેં મહાદેવનું મંદિર બંધાવ્યું એનો અર્થ એ નથી કે હજુ પણ હું મહાદેવનો જ ભક્ત હતો. હવે તો મેં દેવ તરીકે વીતરાગ દેવને જ સ્વીકાર્યા હતા, છતાં મહાદેવનું મંદિર મેં બનાવ્યું. રાજાઓને ક્યારેક
આત્મ કથાઓ • ૪૨૨
લોક-પ્રવાહને દેખીને એવું કરવું પડતું હોય છે. સિદ્ધેશ્વર મહાદેવના મંદિરના નિભાવ માટે મેં એક ગામ આપ્યું. મંદિરની પ્રશસ્તિ દિગંબર મુનિ રામકીર્તિએ લખી. મંદિરના નરથરમાં તીર્થકર ભગવંતોના અભિષેક, પંચ કલ્યાણકો વગેરે કોતરાવ્યા. તમે ચિત્તોડ જાવ ત્યારે અવશ્ય એ મંદિર જોજો. આજ-કાલ એ મંદિર “રાજા મોકલજીના મંદિર' તરીકે ઓળખાય છે.
હું જ્યારે સપાદલક્ષ તથા માળવા જીતી પાટણમાં આવ્યો ત્યારે ગુજરાતની જનતાએ મને ‘વિજયોદયી, તેજોવિશેષાદયી, અવંતીનાથ' વગેરે વિશેષણોથી બિરદાવ્યો.
તમે હવે પૂછશો : તમારા ફૂટી ગયેલા સૈન્યને તમે શી સજા આપી ? સજા આપ્યા વિના તો રાજ્ય ચાલે જ શી રીતે ? ધાક બેસાડવા કાંઇક તો કર્યું હશે ને ? સાંભળો, તમે જેવી કલ્પના કરી રહ્યા છો, એવું મેં કશું જ કર્યું નથી. મેં એ બધા સૈનિકોને માફી આપી દીધી. આમ માફી આપવાથી તો રાજકીય પ્રભાવ ઓસરી જાય. રાજા પ્રભાવહીન બની જાય. કોઇ તેની આજ્ઞાને ગણકારે નહિ. એવા વિચારો કદાચ તમને આવ્યા હશે. પણ બધે જ કાંઇ સજા કરવાની હોતી નથી. સજા કરીએ તો પ્રભાવ વધે ને માફી આપીએ તો પ્રભાવ ઘટે, એવું પણ નથી. ક્યારેક એનાથી ઊલટું પણ બને. મેં જ્યારે એ તમામ બેવફા સૈનિકોને માફી આપી ત્યારે તેઓ મારી ઉદારતા જોઇ પીગળી ગયા અને તેઓ કાયમ માટે મારા વફાદાર બની ગયા. આ છે માનસિક ઉદારતાનો પ્રભાવ ! આશ્રિતોના દોષો ગળી જવા એ મોટી કળા છે, એમ મને આ પ્રસંગથી બરાબર સમજાયું.
હું કુમારપાળ • ૪૨૩