________________
તો સમજવું કે એ સોનું નહિ, કથીર હતું ! દુષ્ટોને અને તેમની દુષ્ટતાને હઠાવવાનો માર્ગ પલાયનવાદ નથી. પલાયનવાદથી દુષ્ટો વધુ મજબૂત થશે. તેઓ તો તેમ જ ઇચ્છે છે કે સજ્જનો ભાગી જાય. ‘રાવણો'ને પડકારવા હશે તો ‘રામો'એ દૂર ન ભાગવું જોઇએ. સામે ચડવું જોઇએ. દુનિયાભરના તમામ “રામ” એકઠા થઇ જાય તો “રાવણોની તાકાત નથી કે જગતને હેરાન કરી શકે. જગત રાવણોથી (કુરાજાઓથી) વારંવાર હેરાન થતું રહ્યું છે તેનું એક કારણ ‘રામો'ની પીછેહઠ પણ છે. ના... મને આવો પલાયનવાદ મંજૂર નથી.
જો સહજ રીતે મળી જાય તો હું સત્તા સ્વીકારવાનો ને જગતને ‘સારો રાજા' કેવો હોય ? તેનો આદર્શ આપવાનો ! મારું મન બોલી રહ્યું હતું.
આખરે મંત્રીઓ, સામંતો, સેનાપતિઓ, નગરશેઠો - વગેરેએ સર્વાનુમતે નિર્ણય કર્યો કે : રાજા તો ત્રિભુવનપાળના ત્રણ પુત્રોમાંથી કોઇ એકને જ બનાવવો. અમને ત્રણેને બોલાવવામાં આવ્યા. મારા બીજા બે ભાઇઓ હતા : કીર્તિપાળ અને મહીપાળ. સૌ પ્રથમ કીર્તિપાળને ગાદીએ બેસવા કહેવામાં આવ્યું પણ એ તો આકુળ-વ્યાકુળ થઇ ગયો. એનું શરીર પસીનાથી રેબ-ઝેબ થઇ ગયું. મંત્રીઓએ વિચાર્યું ઃ આવા ભયભીત અને વ્યાકુળ માણસનું અહીં કામ નથી. બીજા ભાઇને ગાદીએ બેસાડવા પ્રયત્ન કરવામાં આવ્યો તો તે હાથ જોડીને ઊભો રહ્યો. અલ્યા! અહીં હાથ જોડવાના ન હોય. અધિકારથી, વટથી ગાદી પર બેસવાનું હોય.” સૌના મન બોલી ઊઠ્યા. એ પણ નાપસંદ થયો. હવે મને કહેવામાં આવ્યું. ઊંડા આત્મવિશ્વાસ, સંપૂર્ણ સ્વસ્થતા અને ઊછળતા ઉત્સાહ સાથે હું અધિકારપૂર્વક બેસી ગયો. મારો પ્રૌઢ પ્રતાપ અને અડગ આત્મ-વિશ્વાસ જોઇ સૌએ પસંદગીનો કળશ મારા પર ઢોળ્યો. હું તે દિવસથી ગુજરાતનો રાજા થયો. એ દિવસ હતો : વિ.સં. ૧૧૯૯, માગ. વદ ૪, રવિવાર ! બરાબર આગાહી પ્રમાણેનો જ ! મનોમન હું હેમચન્દ્રસૂરિજીને નમી રહ્યો, એમની ક્રાન્તર્દષ્ટિને અભિનંદી રહ્યો. ત્યારે મારી ઉંમર કેટલી થઇ હતી ? તે જાણો છો ? પૂરા પચાસ
આત્મ કથાઓ • ૪૦૨
વર્ષ! ૨૪ વર્ષની ઉંમરે સિદ્ધરાજ તરફથી ભય ઊભો થયો. મેં રઝળપાટ શરૂ કરી. જિંદગીના અમૂલ્ય ૨૫ વર્ષો તો મારા રઝળપાટમાં ગયા.
સત્તા મળતાં જ માણસો ભાન ભૂલી જતા હોય છે... બીજાને તો ઠીક પોતાના ઉપકારીઓને પણ ભૂલી જતા હોય છે - એમ લોકો કહેતા હોય છે. પણ હું એવો કૃતદન થવા નહોતી માંગતો. જેણે જેણે મારા પર ઉપકાર કરેલા તે બધાના નામ મેં મારા મગજના ખાનામાં નોંધી રાખ્યા હતા. મારા રાજતિલક માટે ઉંદિરા ગામની દેવશ્રીને બોલાવી. ભીમો ખેડૂત, સજ્જન (આલિગ) કુંભાર તથા વોસિરિ બ્રાહ્મણ વગેરે તમામને બોલાવી ગામ-ગરાસ વગેરે આપ્યું. આલિમકુંભારને ચિત્તોડનું ૭00 ગામનું પરગણું આપ્યું. ભરૂચના વોસિરિને લાટ દેશનો દંડનાયક બનાવ્યો, દેવશ્રીને ધોળકા આપ્યું. ભીમા ખેડૂતને ગરાસ આપ્યો અને... પેલા જૈનાચાર્ય હેમચન્દ્રસૂરિજી; જેમણે ખંભાતમાં મારો જીવ બચાવેલો તથા સચોટ આગાહી કરેલી તેમને હું શી રીતે ભૂલી શકું ? મેં તો તેમને ત્યારે જ કહેલું : જો હું રાજા બનીશ તો મારા ગુરુ આપ હશો.
મેં તેમને સન્માનપૂર્વક સભામાં બોલાવ્યા. ધર્મોપદેશ સાંભળ્યો. મને સૂરિદેવનું સાંનિધ્ય ખૂબ જ ગમ્યું. છતાં એક વાત તો ખરી જ કે હું કટ્ટર મહાદેવ ભક્ત હતો. તેથી ખાનગીમાં મેં આચાર્યશ્રીને કહી પણ દીધેલું : ગુરુદેવ ! આપ જૈનાચાર્ય છો એટલે એક વાત કહી દઉં કે આપે મને જૈન ધર્મની વાતો કરી-કરીને મને આકર્ષિત કરવા પ્રયત્ન કરવો નહિ. કારણ કે હું ચુસ્ત શિવ-ભક્ત છું. તમારો ધર્મ ઘણો દયામય છે. તમારે દયા-કરુણાની વાતો કરવાની, પણ મારી પાસેથી માંસાહાર છોડાવવાનો પ્રયત્ન નહિ કરવો. કારણ કે માંસ મને ખૂબ જ પ્રિય છે. ' સૂરિજી મારા તરફ જોઇ મર્માળુ હસ્યા અને કહ્યું : રાજન! તમારી શરત હું માન્ય રાખી શકું નહિ. જો હું તમને પાપથી ન બચાવું, જો હું તમને સન્માર્ગે ન વાળું તો મારે બીજું કરવાનું શું ? શું મારે તમારા માન-સન્માન જ લીધે રાખવા ? બદલામાં કોઇ કલ્યાણકારી કાર્ય ન કરવું? રાજનું ! મારી આ વાતો તમને કડવી લાગશે. પણ એ ભૂલશો નહિ કે કડવી વાતો હિતસ્વી જન જ કહેતા હોય છે. તમે મને ગુરુ તરીકે
હું કુમારપાળ • ૪૦૩