________________
એમને એમ જવામાં તો જોખમ હતું. એટલે મેં તાત્કાલિક બાવાજીનો વેષ પહેરી લીધો. દાઢી તો બાવાજી જેવી વધેલી હતી જ. શરીરે ભભૂતિ લગાવી. હાથમાં ચીપીયો લીધો અને હું ચૂપકીદીથી ત્યાંથી ચાલી નીકળ્યો. મેં એવું આબેહૂબ વેષ પરિવર્તન કર્યું હતું કે કોઇ કલ્પના જ ન કરી શકે કે આ કુમારપાળ હશે ? હું તો પાટણના મોટા મંદિરમાં બાવાજીની જમાતમાં ઘૂસી ગયો. હવે ભલે તેઓ બનેવી કૃષ્ણદેવને ત્યાં તપાસ કરે.
પછી મને સમાચાર મળ્યા કે કૃષ્ણદેવને ત્યાં સિદ્ધરાજના સૈનિકોએ ઘણી તપાસ કરી, ઘણી ધમકી આપી, ચારે બાજુ બધું ઊંધું-ચતું કરી નાખ્યું, પણ કાંઇ ઠેકાણું પડ્યું નહિ. કુમાર મળ્યો નહિ. મળે ક્યાંથી ? આ કુમારપાળ તો બાવો બનીને છૂમંતર થઇ ગયો હતો ! હજુ મને શંકા હતી કે સિદ્ધરાજ એમ મારો કેડો નહિ છોડે. છતાંય મને આશ્વાસન હતું કે હું પકડાઇશ નહિ. બાવાજીના વેષમાં મને કોણ પકડવાનું છે ? પણ વાત કાંઇ છૂપી રહે? સામાન્ય લોકોને તો બે આંખ હોય, પણ રાજાઓને તો બાર આંખો હોય, ગુપ્તચરોની આંખો દ્વારા જોતા જ હોય. - રાજાને ક્યાંકથી ખબર પડી ગઇ કે કુમારપાળ બાવો બન્યો છે. એટલે એણે મને પકડવા ષડયંત્ર ગોઠવ્યું. પાટણના તમામ બાવાઓનું જમણ ગોઠવ્યું. બધાને આમંત્રણ પાઠવવામાં આવ્યું. હું તો ખુશ-ખુશ થઇ ગયો. ચલો, આજે રાજાને ત્યાં જમવા મળશે. ઘણા દિવસની ભૂખ ટળશે. હું તો ચાલ્યો રાજમહેલ તરફ. પણ મને એ ખબર ન્હોતી કે આ તો પંખીને જાળમાં ફસાવવા વેરેલા ચણ છે. હરણને પકડવા શિકારીનું મીઠું સંગીત છે. આમ તો હુંયે વિચાર કરી-કરીને પગલું મૂકું, પણ આજે હું ચૂકી ગયો. પેટમાં ઉંદર બોલતા હોય ત્યારે ભલ-ભલા વિચારકો પણ ચૂકી જાય તો હું કોણ ? ભૂખ જેવું બીજું દુઃખ કયું છે ?
ભૂખે રાંડ ભૂંડી, આંખ જાય ઊંડી; પગ થાય પાણી, આંસુ લાવે તાણી.”
ભૂખ રાંડ જ મને રાજમહેલ તરફ ખેંચી ગઇ. પણ ત્યાં જમવા જતા દરેક બાવાઓને એક વિધિમાંથી પસાર થવું પડતું હતું. બધાના
આત્મ કથાઓ • ૩૮૪
પગ ધોયા પછી જ એમને અંદર પ્રવેશ મળતો. મારા પણ પગ ધોવામાં આવ્યા ને ધારી-ધારીને જોવામાં આવ્યા. પગ ધોવાય ત્યાં સુધી કાંઇ વાંધો નહિ, પણ જોવાનું કાંઇ કારણ ? મારા મનમાં શંકાનો કીડો સળવળ્યો. તરત જ હું વસ્તુસ્થિતિ પામી ગયો : ઓહ ! આ તો મને પકડવાનું પાંજરું ! રે, હું ઉંદર બનીને ફસાઈ ગયો. તેઓ રાજચિહ્નો જોઇ મને ઓળખી ગયા છે. પણ કાંઇ વાંધો નહિ. હવે મારે કોઇ યુક્તિ લગાવી અહીંથી ભાગવું પડશે.
હું જમવા બેઠો. પણ હવે મારું ચિત્ત જમવામાં ન્હોતું. હું તો છટકવાનું બહાનું શોધી રહ્યો હતો. સ-રસ સ્વાદિષ્ટ દૂધપાક પીરસાયો. મેં પેટ ભરીને આરોગ્યો. હવે ? બસ, હવે જ મારે યુક્તિ લગાવવાની હતી અને મેં લગાવી દીધી. મોંમાં આંગળી ઘાલી ઊલટી કરી. આ... આ... આ... જોરશોરથી મેં ઊલટી કરવા માંડી. મારી પાસેના બાવાઓ મારાથી કંટાળ્યા.
તેઓ બોલી ઊઠ્યા : “અલ્યા, અહીં ક્યાં ઊલટી કરી ? બધાને અહીં જમવાનું છે એની ખબર પડતી નથી ? જા... ભાગ અહીંથી.' મને મુક્કો મારીને બાવાઓએ ઊઠાડ્યો. મારે તો આટલું જ જોઇતું હતું. હું તો ઊલટી કરતો કરતો ત્યાંથી ભાગ્યો.
- પાંજરામાંથી ઉંદર ભાગી ગયેલો જોઇ સિદ્ધરાજ ધૂંધવાયો. ક્યાં છે એ બાવો ? ઊલટીના બહાને ભાગી ગયો એ જ બાવાથી મારે કામ હતું. જાવ... સૈનિકો ! જલદી એ બાવાને પકડી લાવો.’ સિદ્ધરાજે ગર્જના કરી. સૈનિકો મને પકડવા દોડ્યા.
હું ત્યાંથી ઝડપભેર ભાગી રહ્યો હતો. પાટણની બહાર પહોંચી ગયો હતો. ત્યાં જ... તબડાક... તબડાક... તબડા.. ઘોડાઓના ડાબલા સંભળાયા. મેં પાછળ જોયું. અરે, આ તો સિદ્ધરાજના સૈનિકો. બાપ રે... મરી ગયા ! હવે ? હું પગે દોડું ને એ લોકો ઘોડા પર આવે. પકડાતાં વાર કેટલી ? અત્યારે ક્યાંક છુપાઇ જવામાં જ ચાલાકી છે. મેં વિચાર્યું.
બાજુમાં જ એક ખેડૂત બોરડીના કાંટાઓનો ઢગલો કરી રહ્યો હતો. બાજુમાં એક ખાડો હતો. હું દોડતો-દોડતો તેની પાસે પહોંચી ગયો.
હું કુમારપાળ • ૩૮૫