________________
(2) રઝળપાટ
કુમારપાળ ! તું અહીંથી જલદી ભાગ. નહિતો તારા પ્રાણ સલામત નથી.” હું આરામથી દધિસ્થલી (આજનું દેથલી)માં જીવન ગુજારી રહ્યો હતો ત્યાં મને મારા હિતસ્વીએ આવા સમાચાર આપ્યા. હું સ્તબ્ધ થઇ ગયો. મેં કોઇની સાથે શત્રુતા ઊભી કરી નથી તો મને મારવા કોણ આવવાનું છે વળી ? મારી શંકાનું સમાધાન કરતાં પેલાએ કહ્યું : કુમારપાળ ! આપણને કોઇ તરફ શત્રુભાવ ન હોય એ બરાબર છે, પણ થઇ જતી હોય છે. “સાંભળ. સિદ્ધરાજ તને મારવા ઇચ્છે છે.'
‘પણ શા માટે ?”
‘તને એ વાતની તો ખબર જ છે કે સિદ્ધરાજને કોઇ પુત્ર નથી. પોતાનો ઉત્તરાધિકારી કોણ બનશે ? એ અંગે એ હંમેશ ચિંતિત રહે છે. તેણે જૈનાચાર્ય હેમચન્દ્રસૂરિજીને પૂછ્યું કે મારો ઉત્તરાધિકારી કોણ બનશે ? તો જવાબમાં અંબિકા દેવી પાસેથી જાણીને સૂરિજીએ કહ્યું છે કે તારો ઉત્તરાધિકારી કુમારપાળ થશે. બસ, ખલાસ ! તે દિવસથી સિદ્ધરાજે તને પતાવી દેવાનું નક્કી કર્યું છે.
પણ મને મારવાનું કોઇ કારણ સમજાતું નથી. હું કદાચ રાજા બનું તો એને શું વાંધો ? આખરે તો હું પિતરાઈ ભાઈ જ છું ને ?”
લોકો એવી વાતો કરે છે કે - સિદ્ધરાજ ગમે તે ભોગે કુમારપાળનું કાટલું કાઢવા માંગે છે. કોઇ કહે છે કે - સિદ્ધરાજને આગાહી સાચી પડશે એની ખબર તો પડી જ ગઇ છે, એટલે જ એ એમ ઇચ્છે છે. કે કુમારપાળ મરીને મારો પુત્ર થાય ને પછી ઉત્તરાધિકારી બને. એ ગમે તેમ હોય પણ તને સિદ્ધરાજ મારી નાખવા માંગે છે, એમાં લવલેશ શંકા નથી. માટે તું જલ્દી કર ! ને અહીંથી તાત્કાલિક ભાગી નીકળ. મને આ સલાહ સાચી લાગી. મેં ભાગવા માટે તૈયારી કરી. પણ આ શું ? સિદ્ધરાજના સૈનિકોએ દધિસ્થલીને ચારેબાજુથી ઘેરી લીધું હતું. મારા પિતાજી ત્રિભુવનપાળ પ્રતિકાર કરવા સૈન્ય પાસે જઇ પહોંચ્યા હતા. મારા
પ્રાણ સંકટમાં હતા, પણ છતાંય હું ગુપ્ત રસ્તે ભાગી છૂટ્યો. મારી મા કાશમીરા, પત્ની ભોપલ દેવી - બધા કુટુંબને છોડીને હું ભાગ્યો. પણ ભાગી-ભાગીને જાઉં ક્યાં ? મારી બે બહેનો હતી : દેવલ અને પ્રેમલ. દેવલને શાકંભરીના રાજા અર્ણોરાજ સાથે પરણાવેલી હતી અને પ્રેમલને કૃષ્ણદેવ સાથે પરણાવેલી. કૃષ્ણદેવ સિદ્ધરાજનો સેનાપતિ હતો. એટલે મેં પ્રેમલબેનને ત્યાં જવાનું નક્કી કર્યું. હું પાટણ જઇ પહોંચ્યો. બેન પ્રેમલદેવીએ મને પ્રેમથી આશરો આપ્યો. હું ભોંયરામાં ગુપ્તરૂપે રહેવા લાગ્યો. મારા પર દુ:ખોની ઝડી વરસાવી શરૂ થઇ ગઇ.
આ બાજુ મને સમાચાર મળ્યા કે મારા પિતાની હત્યા થઇ ગઇ છે ને મારી તપાસ જોર-શોરથી ચાલી રહી છે. હું ભોંયરામાં પણ ભય સાથે જીવી રહ્યો હતો. કદાચ સિદ્ધરાજ જાણી જશે તો ? કૃષ્ણદેવના ઘરને ઘેરી વળશે તો ? મારું શું થશે ? મારો રક્ષણહાર કોણ ? પિતાજી તો મૃત્યુ પામ્યા. હું માત્ર ચોવીશ વર્ષની ઉંમરનો તરવરિયો યુવાન ! સંસારનો બહુ અનુભવ નહિ. રાજકારણના આટાપાટાનો ખ્યાલ નહિ. સત્તાની સાઠમારીથી સાવ અજાણ ! હું પળ-પળે મોતને નજીક આવતું જોઇ રહ્યો હતો. છતાં જો કે મને ભગવાન પર વિશ્વાસ હતો. તેઓ મારી ગમે તે ક્ષણે રક્ષા કરશે જ. ભોલેનાથ મહાદેવ મારી વહારે નહિ આવે ? હું મહાદેવનો ભક્ત હતો.
આખરે મારી શંકા સાચી પડી. એક દિવસે મારી બેને કહ્યું : “ભઇલા ! તું અહીંથી જલદી ભાગ. તું અહીં છે તેની સિદ્ધરાજને ખબર પડી ગઈ લાગે છે. હમણા જ ગુપ્તચરે સમાચાર આપ્યા કે સૈનિકો કુમારપાળને પકડવા અહીં આવી રહ્યા છે.”
‘પણ ખબર પડી કેમ ?'
વાત-ચીતમાં ક્યાંક મારાથી તારું નામ બોલાઇ ગયું હશે ને તે સિદ્ધરાજના કોઇ જાસુસે સાંભળી લીધું હશે - એવું લાગે છે. આમેય હું તારી બેન છું એટલે તેને શંકા તો હોય જ. પણ વીરા ! તું હવે જલદી કર. વાત કરવાનો હવે સમય નથી. પ્રભુ તારી રક્ષા કરે. તારો માર્ગ નિર્વિદન હો !'
આત્મ કથાઓ • ૩૮૨
હું કુમારપાળ • ૩૮૩