________________
-
(પ) હું દેવપાલ
તિ
નામ તો હતું મારું દેવપાલ, પણ મને દેવપાલ કોણ કહે ? મને તો બધા ‘દેવલો' કહેતા. હું ભરવાડનો દીકરો ખરોને ? શેઠની ગાયોભેંસો ચરાવવાનું મારું કામ ! તમે મારું જીવન જાણશો તો નવાઈ પામશો કે ભરવાડનો દીકરો પણ કેટલી પ્રગતિ કરી શકે છે !
જંગલમાં હું ઢોર ચરાવવા ગયેલો ત્યારે એક વખતે મેં નદીની એક ભેખડ, જેનો કેટલોક ભાગ તાજેતરમાં પાણીના પ્રવાહથી તણાઇ ગયો હતો, ત્યાં મેં એક પ્રતિમા જોઇ. મને યાદ આવ્યું : અરે, આ તો એ જ પ્રતિમા જેને મારા શેઠ દરરોજ પૂજે છે. મને એ પ્રતિમા જોઇ અપાર આનંદ થયો. મેં નક્કી કર્યું : આ જ મારા ભગવાન ! આ ભગવાનના દર્શન કર્યા પહેલાં હું કદી મોંમાં અન્ન-પાણી નહિ નાખું. હું અનન્ય આસ્થાથી આ પ્રતિજ્ઞાનું પાલન કરવા લાગ્યો.
એક વખતે ધોધમાર વરસાદ પડ્યો. હું બહાર જઇ શક્યો નહિ. તે દિવસે કાંઇ જ ખાંધુ-પીધું નહિ. નદીની તે પ્રતિમાના દર્શન કર્યા વિના શી રીતે ખવાય ? બાધા એટલે બાધા ! બીજા દિવસે વરસાદ અટકે તેની રાહ જોઇ. પણ મુશળધાર વરસાદ તો જાણે આકાશ ફાડીને વરસતો હતો. બંધ થાય તેવા કોઇ એંધાણ દેખાતા હોતા. સતત સાત દિવસ સુધી વરસાદ ચાલુ રહ્યો. પણ મેં ન ખાધું તે ન જ ખાધું. સાત દિવસ ચોવિહાર ઉપવાસ કર્યા. આઠમાં દિવસે જ્યારે આકાશ નિરભ્ર બન્યું, વરસાદ શાંત થયો ત્યારે હું પ્રભુ-દર્શનાર્થે નીકળ્યો.
મારા રોમ-રોમમાં આદિનાથ... આદિનાથ... નું ગુંજન હતું. પ્રભુના દર્શન થતાં જ મારી આંખોમાંથી અશ્રુધારા ચાલી. મેં ભાવપૂર્વક ભક્તિ કરી.
અચાનક જ મારી આંખો તેજથી અંજાઇ ગઇ. તેજના પંજમાં મેં એક દેવીને જોઇ. હું કાંઇ બોલું તે પહેલાં જ તે બોલી : ઓ દેવપાલ ! તારી પરીક્ષા માટે જ મેં સાત દિવસ વરસાદ વરસાવ્યો હતો. હું
આત્મ કથાઓ • ૩૫૮
આદિનાથ ભગવાનની સેવિકા ચક્રેશ્વરી દેવી છું. તારી પ્રભુ-ભક્તિની નિષ્ઠાથી હું ખુશ થઇ છું. દેવપાલ ! મારી પાસેથી તારે જે માંગવું હોય તે માંગી લે. પણ મારે ક્યાં કાંઇ માંગવું હતું ? પ્રભુ-દર્શનમાં જ મને એટલો આનંદ આવ્યો હતો કે આખું જગત મને તુચ્છ લાગતું હતું. આ આનંદથી બીજું વધુ જોઇએ શું ? મેં તો નિઃસ્પૃહ ભાવે કહી દીધું : મારે કશું જ જોઇતું નથી. હું ભગવાનની ભક્તિને વેંચવા નથી માંગતો. બસ... ભક્તિમાં જ મારું ચિત્ત રહે - એ જ ઇચ્છું છું.
મારી આવી નિસ્પૃહતાથી દેવી વધુ ખુશ થઇ. તે બોલી : “દેવપાલ ! અમોઘ દેવદર્શનમ્” દેવના દર્શન કદી નિષ્ફળ જતા નથી. તું ભલે કાંઇ ન માંગે, પણ હું તને આપ્યા વિના કેમ રહી શકું ? હું તને વરદાન આપું છું કે તું સાત દિવસમાં રાજા બનીશ. રાજા બન્યા પછી પણ હું તને જરૂર પડશે ત્યારે સહાય કરીશ.’ હું કાંઇ જવાબ આપું ત્યાં જ આટલું કહીને દેવી અદૃશ્ય થઇ ગઇ.
પ્રભુ-ભક્તિનો પ્રત્યક્ષ પ્રભાવ હું સ્તબ્ધ થઈને જોઈ રહ્યો. પછી તો હું સાત દિવસમાં રાજા બન્યો. મારી આજ્ઞા જ્યારે કોઇ સ્વીકારવા તૈયાર હોતું ત્યારે દેવીએ મને મદદ કરી અને મારો પ્રભાવ જોઇ બધા મારી આજ્ઞા મસ્તકે ચડાવવા લાગ્યા. મારું રાજ્ય વ્યવસ્થિત ચાલવા લાગ્યું. પણ રાજ્યમાં હું કદી આસક્ત ન બન્યો. હું તો વધુ ને વધુ ભગવાનની ભક્તિ કરવા લાગ્યો. કારણ કે મને સમજાઈ ગયું હતું કે બધી સમૃદ્ધિ (બાહ્ય કે આત્યંતર)નું મૂળ પ્રભુની ભક્તિ જ છે. રાજય સત્તા મારી પાસે હોવાથી મેં સર્વત્ર ભગવાનના મંદિરો બનાવ્યા. ખૂબ જ શાસનની પ્રભાવના કરી. અરિહંતની ભક્તિના પ્રભાવથી મેં તીર્થકર નામકર્મ બાંધ્યું. બંધુઓ ! તીર્થંકર નામકર્મ એટલે શું તે તમે જાણો છો ? તીર્થંકર નામકર્મ એટલે એવું કર્મ, જેના ઉદયથી અરિહંત બનાય. હા... હું પણ એક દિવસે અરિહંત બનીશ, ભગવાન બનીશ. ભક્તિની એવી શક્તિ છે કે એ તમને ભગવાન બનાવી દે. બંધુઓ ! મારા જેવા ભરવાડને પણ ભગવાનમાં રૂપાંતરિત કરતી પ્રભુ-ભક્તિને કદી છોડશો નહિ.
પરકાય - પ્રવેશ૩૫૯