________________
તને જોઇ મારી કરુણા ઊછળી પડી. મેં તને અટકાવ્યો છે. દુઃખથી જ નહિ, હું તને પાપથી પણ અટકાવવા માંગું છું. મારી વાત ગમતી હોય તો અત્યારે જ સ્વીકારી લે.”
મને મુનિની વાત બહુ જ ગમી ગઇ. એમની એકેક વાત મારા હૃદયને ચોટ મારતી હતી. અત્યાર સુધીમાં આવું તત્ત્વજ્ઞાન સમજાવનાર કોઇ મળ્યું ન હતું. વાત કરવા પણ કોઇ તૈયાર ન હોય ત્યાં તત્ત્વજ્ઞાન કોણ સમજાવે ?
મેં મુનિના ચરણોમાં આત્મ-સમર્પણ કરી દીધું. જૈન દીક્ષા સ્વીકારી લીધી. મારો આત્મા આનંદથી નાચી ઊઠ્યો. વિનયપૂર્વક ગુરુ-ચરણે અધ્યયન કરી હું ગીતાર્થ બન્યો. વળી મેં અભિગ્રહ કર્યો : છટ્ટના પારણે છઠ્ઠુ અને પારણામાં આયંબિલ કરવું તથા ગ્લાન મહાત્માઓની વૈયાવચ્ચ કર્યા પછી જ વાપરવા બેસવું.
તપ અને વૈયાવચ્ચ - આ બંને મારા જીવનના અંગો બની ગયા. હું પૂરા રસથી એમાં મંડી પડ્યો. હ્રદયનો પૂરો રસ જે કાર્યમાં આપણે લગાવી દઇએ - એમાં એટલો આનંદ આવે કે જેનું વર્ણન ના થઇ શકે ! એ કાર્ય વિના ચેન ન પડે ! અધૂરા-અધૂરા મનથી કરેલા કાર્યમાં આનંદ નથી આવતો. હું તો મારા અનુભવથી કહેવા માંગું છું કે કોઇ પણ રુચિકર એકાદ શુભ કાર્યને પકડી લો ને પછી જીવનનો બધો જ ૨સ એમાં રેડી દો ! પછી જોઇ લો મજા ! તમારા કાર્યથી તમારા આત્માને એક ઊંડો પરિતોષ થશે. જીવનમાં ધન્યતાની - કૃતાર્થતાની લાગણી અનુભવાશે. અત્યાર સુધી તમને આવો ઊંડો પરિતોષ થયો નથી. કારણ કે તમે એક પણ અનુષ્ઠાન હૃદયનો રસ રેડીને કરી શક્યા નથી. અર્ધા મનથી કરેલું
કાર્ય ક્યાંથી સંતોષ આપી શકે ?
હું ગ્લાન મુનિઓની સેવામાં એવો પરોવાઇ જતો - એવો ઊંડો ઊતરી જતો કે બીજું બધું ભૂલાઇ જતું. મારે છઠ્ઠનું પારણું કરવાનું છે, આયંબિલનું વહોરવા જવાનું છે, એ પણ ભૂલાઇ જતું. કોઇક બે-ત્રણ વાર યાદ કરાવે ત્યારે યાદ આવતું. રસપૂર્વક જે કાર્ય કરવામાં આવે તેનાથી તમને અને બીજાને - બંનેને સંતોષની ઊંડી અનુભૂતિ થાય છે. તમે ક્યારેક આત્મ કથાઓ • ૨૪
આ પ્રયોગ કરી જોજો. નાના-નાના કાર્યમાં રસ રેડજો. પછી જીવનમાં કેવી પ્રફુલ્લિતતા મહોરી ઊઠે છે, એ જોજો...
સ્વારસ્યથી કરવામાં આવતા કાર્યની મજા જ કોઇ ઓર હોય છે. સેવાનો અભિગ્રહ કોઇએ મને પરાણે ન્હોતો આપ્યો, મેં જ લીધો હતો. પરાણે કાર્ય કરવામાં આવે તે તો વેઠ છે, સ્વારસ્યથી થતું કાર્ય સ્વયં આનંદરૂપ છે.
મારી સેવાની બધા પ્રશંસા કરતા હતા. મને ખૂબ-ખૂબ ધન્યવાદ આપતા હતા. આથી મારો ઉત્સાહ વધી જતો એ કબૂલ, પણ, કોઇ મારી પ્રશંસા કરે - માટે હું સેવા ન્હોતો કરતો. સેવા એ મારો સ્વભાવ બની ગયો હતો. મોર નાચે છે, ફૂલ ખીલે છે, સૂર્ય ઊગે છે, વાદળ વરસે છે, એ એમનો સ્વભાવ છે. એ બદલામાં પ્રશંસા થોડી જ ઇચ્છે છે ? તમે પ્રશંસા કરો કે ન કરો, ખીલવું ને સુગંધ વેરવી એ ફૂલનો સ્વભાવ છે. તમે ધન્યવાદ આપો કે ન આપો ટહુકવું એ કોયલનો સ્વભાવ છે, ઊગવું એ સૂર્યનો સ્વભાવ છે, નાચવું એ મોરનો આનંદ છે.
એક દિવસ છટ્ટનું પારણું હતું. આયંબિલ કરવા હું બેસી રહ્યો હતો. કોળિયો મોંમાં મૂકવાની તૈયારી કરતો જ હતો ત્યાં અચાનક જ એક આગંતુક સાધુ આવી ચડ્યા અને જોરથી બોલવા લાગ્યા : “અલ્યા ! નંદી ! ભૂખડી બારસની જેમ બસ... સીધો ભોજન પર તૂટી જ પડ્યો ? અમે તો સાંભળ્યું છે કે તું માંદા મુનિઓની સેવા કર્યા વિના જમતો નથી. આવી ખોટી પ્રચાર-લીલા ? સેવા ન થતી હોય તો શા માટે આવો પ્રચાર ? દુનિયાને ઉલ્લુ બનાવવા ? સસ્તી પ્રસિદ્ધિ મેળવવા ? મારા એક સાથી મુનિ ગામ બહાર છે. બહુ જ બીમાર છે. એમને અત્યારે ને અત્યારે શુદ્ધ જળની જરૂર છે. તું જો ખરો સેવાભાવી હોય તો આવ સેવા કરવા.’
હું કાંઇ કહું તે પહેલાં જ તીક્ષ્ણ વાગ્બાણોનો વરસાદ વરસી પડ્યો. છટ્ટનું પારણું હોય ! કકડીને ભૂખ લાગી હોય ! આહાર સામે હોય અરે... કોળીયો હાથમાં જ હોય ત્યાં જ આવા તીખા વચનોના પ્રહાર કોઇ કરે તો કેવું લાગે ? “અરે... મુનિ ! સેવા કરવાની હું ક્યાં ના પાડું છું? તમે મને સાંભળો તો ખરા ! મને સાંભળ્યા પહેલાં જ મારી બદબોઈ આત્મ કથાઓ . ૦ ૨૫