________________
છાકટો બનીને પિતાજીને હેરાન કરી રહ્યો છે. એક વાર એમના પ્રેમને યાદ તો કર. જો થોડું-ઘણું પણ હૃદય જેવું તત્ત્વ તારી અંદર બચ્યું હશે તો તું પશ્ચાત્તાપથી પીગળી જઈશ ને પિતાજીના ચરણોમાં ઢળી પડીશ.
મા પાસેથી પહેલી જ વાર સાંભળેલી આ વાતોથી હું હચમચી ઊઠ્યો : મારા પિતાને મારા પ્રત્યે આટલો બધો પ્રેમ ? અને હું આટલો નાલાયક ? પિતાજીની સેવા કરવાનું તો દૂર રહ્યું, પણ જેલમાં પૂરી રોજ સો કોરડા ફટકારવા? અરેરે... હું કેટલો બદમાશ? કંઇ વાંધો નહિ. હજુ પિતાજી જીવતા છે ત્યાં સુધી ક્ષમા યાચના કરી, જેલમાંથી મુક્ત કરી દઉં.
..ને હું તે જ વખતે જેલનું તાળું તોડવા પાસે પડેલું લોખંડનું મુદ્ગર લઇ જલ્દી-જલ્દી દોડ્યો. પણ ત્યાં જઈને જોયું તો હું સ્તબ્ધ થઇ ગયો. જેલમાં પિતાજીની લાશ પડી હતી. હાય ! હાય ! પિતાજીના પગે પડી માફી માંગવાની મારી ભાવના મનમાં જ રહી ગઇ ! પિતાજી મારા પ્રત્યે પૂર્વગ્રહની ગાંઠ રાખીને મર્યા હશે. એ કલ્પનાથી હું દુઃખી દુઃખી થઇ ગયો. પિતાજીને જીવનમાં તો કદી સુખ ન આપ્યું પણ મૃત્યુ વખતે પણ ન આપ્યું.
- હું નાનકડા બાળકની જેમ ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો. પોલાદી છાતીનો ગણાતો હું આજે ઢીલો ઘેસ થઇ ગયો હતો. મારા રુદનના પડઘાથી જાણે આખો કારાવાસ પણ રડવા લાગ્યો.
એમાં પણ મને જ્યારે જાણવા મળ્યું ઃ મારા કારણે પિતાજીએ આપઘાત કર્યો છે. લોખંડનો મુદ્ગર લઇ આવતો મને જોઇને પિતાજી હચમચી ઊઠ્યા : ‘આ નાદાન કોણિક હમણાં સુધી તો માત્ર કોરડા વીંઝતો હતો... પણ આજે તો લાગે છે કે મને જાનથી મારી નાખશે. બિચારો આ કોણિક પિતૃહત્યાના પાપથી ખરડાશે અને દુનિયામાં બદનામ થશે. એના કરતાં હું જાતે જ ખતમ થઇ જાઉં એ વધુ સારું છે ! ને તેમણે તાલપુટ વિષ મોઢામાં નાખી જીવનનો અંત આણ્યો...' આ બધું જાણવાથી મારું અંતઃકરણ રડી ઊઠ્યું. અરેરે... હું કેવો પિતૃ-હત્યારો ! જગ-બત્રીશીએ મારું નામ હંમેશાં હત્યારા તરીકે ગવાશે. ભવિષ્યનો ઇતિહાસ લખશે : ભગવાન મહાવીરસ્વામીનું ઉત્કૃષ્ટ સામૈયું કરનાર કોણિકે બાપને જેલમાં પૂર્યો હતો !
આત્મ કથાઓ • ૨૫૨
મને હવે ક્યાંય ચેન પડતું નહિ. દિવસ-રાત એક જ વિચાર આવતો : પિતાજી ! પિતાજી ! સભામાં ! શયનકક્ષમાં ! ભોજનકક્ષમાં ! હસ્તિશાળામાં ! અશ્વશાળામાં કે અગાશીમાં ! સર્વત્ર મને પિતાજી જ યાદ આવવા લાગ્યા. અહીં બેસીને પિતાજી આમ કરતા હતા. ત્યાં બેસીને તેમ કરતા હતા... બસ આખો દિવસ હું પિતાજીને યાદ કરી-કરીને શોકમગ્ન રહેવા લાગ્યો. રાજકાજમાં પણ ધ્યાન ઓછું આપવા લાગ્યો. આથી મારા મંત્રીઓ પણ ચિંતામાં મૂકાઇ ગયા.
મંત્રીઓએ આવીને મારી પાસે વિનંતી કરી : “રાજનું ! પિતાજીના મૃત્યુને ઘણો સમય વીતી ગયો છે. હવે આપે શોકમાંથી બહાર આવવું જોઇએ. નીતિશાસ્ત્ર કહે છે : “તે શોધ્યમ્' આપના આવા વર્તનથી અમે સૌ ચિંતામાં છીએ. રાજકાજ ઠપ્પ થઇ ગયું છે.
‘તમારી વાત સાચી છે. હું સ્વયં પણ સમજુ છું, પણ શું કરું ? લાચાર છું. આ મહેલમાં, આ નગરમાં મારી જ્યાં જ્યાં નજરે પડે છે, ત્યાં ત્યાં પિતાજીની સ્મૃતિ આવી ચડે છે.” મેં કહ્યું.
‘આના માટે અમે એક ઉપાય વિચાર્યો છે. જ્યાં સુધી આપ રાજગૃહી નગરીમાં રહેશો ત્યાં સુધી પિતાજીની યાદ આવ્યા જ કરવાની ને આપ શોકમગ્ન જ રહેવાના. એમાંથી બહાર આવવાનો ઉપાય અમારી દષ્ટિએ રાજગૃહી નગરનો ત્યાગ કરી નૂતન નગરને રાજધાની બનાવવી તે છે. નવા સ્થાને રાજધાની થતાં આપને શોક સતાવશે નહિ.'
મંત્રીઓની વાત મારા ગળે ઊતરી ગઇ.
આ માટે મેં યોગ્ય ભૂમિની તપાસ કરી. ગંગાના કિનારે અર્ણિકાપુત્રાચાર્યની ખોપરીમાં ઉગેલું પાટલ વૃક્ષ જોઇ નૈમિત્તિકોએ ભૂમિની ઉત્તમતા જાણી ત્યાં નગર સ્થાપવાની સલાહ આપી. મેં ત્યાં નૂતન નગરનું નામ પાડયું : પાટલીપુત્ર. રાજગૃહી છોડીને હું કાયમ માટે પાટલીપુત્રમાં સ્થાયી થયો. પાટલીપુત્રનું બીજું નામ “કુસુમપુર’ પણ પડ્યું, પણ મુખ્યતાએ પાટલીપુત્ર પ્રસિદ્ધિ પામ્યું. આજે જેને તમે પટણા (બિહારની રાજધાની) કહો છો, એ જ મારું વસાવેલું પાટલીપુત્ર.
પરકાય - પ્રવેશ • ૨૫૩