________________
અરે ! ગુરુદેવ ! આપ તો નાયક છો. આપના શિર પર કેટલી બધી જવાબદારી છે ? એ જવાબદારીઓનું વહન તો જ થઇ શકે જો શરીર સારું હોય! આપ કદાચ શરીરથી નિઃસ્પૃહ હશો, પણ અમે નિઃસ્પૃહ નથી. અમને આપના શરીરની પણ ઘણી-ઘણી જરૂર છે. માટે અમારા ખાતર પણ આપે ઇલાજ કરાવવો પડશે. આપ અમારે ત્યાં પધારો. અમારી યાનશાળામાં ઊતરો. ત્યાં રાજવૈદો આપની દવા કરશે.
રાજાની આ વાત સાથે અમે સૌ શિષ્યોએ પણ સાથ પૂરાવ્યો : હા... બરાબર છે... બરાબર છે... આપે દવા કરાવવી જ પડશે.
અમારા સૌની આગ્રહભરી વિનંતી સ્વીકારીને ગુરુદેવ અને અમે સૌ રાજાની યાનશાળામાં આવ્યા. ઉત્તમ રાજવૈદોએ ઉપચાર શરૂ કર્યો. પણ પૂજ્યશ્રીનો દાહજ્વર ન મટ્યો. ઘણા સમય સુધી ઉપચાર ચાલ્યો, પણ દાહજ્વરે મટવાનું નામ લીધું નહિ.
આખરે રાજવૈદોની મંડળીએ સાથે બેસીને ઉપચાર બદલવાનો નિર્ણય કર્યો : ‘આચાર્યશ્રીને જો મદ્યપાન આપવામાં આવશે તો જ રોગ મટશે, એમ ચાનુમતે નક્કી થયું."
મંડુક રાજા સહિત બધાએ પૂજ્યશ્રીને વિનંતી કરી : ‘ગુરુદેવ ! આપે મદ્યપાન કરવું પડશે. અમે જાણીએ છીએ કે મદ્યપાન કરવું તે આપને અનુચિત છે. સાત મહાવ્યસનમાં મદ્યપાન પણ એક વ્યસન છે. ચાર મહાવિગઇમાં મદ્ય પણ એક મહાવિગઇ છે. એ બધું અમે જાણીએ છીએ... પણ ગુરુદેવ ! અહીં મદ્યપાન આપણે ક્યાં શોખ ખાતર કે નશા ખાતર કરવાનું છે ? આપણે તો માત્ર દવા તરીકે લેવાનું છે. એવું પણ નથી કે શાસ્ત્રમાં આ માટે એકાન્તે ના પાડવામાં આવી છે. મદ્યપાન-નિષેધ એક ઉત્સર્ગ માર્ગ છે. આપ તો જાણો જ છો કે દરેક ઉત્સર્ગની પાછળ અપવાદ અવશ્ય હોય જ છે. આપ જેવા ઉત્સર્ગ અને અપવાદના જ્ઞાતાઓને વધુ શું કહીએ ? અમારી આટલી વિનંતી નહિ ઠુકરાવો - એવી અપેક્ષા છે.’ ગુરુદેવ હજુ કાંઇ જવાબ આપે એ પહેલાં જ અમે બધા પણ બોલી ઊઠ્યા : ‘હા... ગુરુદેવ ! બરાબર છે. ક્યારેક અપવાદ-માર્ગે મદ્ય પણ બેવું પડે.
આત્મ કથાઓ • ૨૦૬
બધાનો આગ્રહ જોઇ અમારા પૂજ્ય ગુરુદેવે નમતું મૂક્યું, મદ્યપાન લેવાનું શરૂ કર્યું. મદ્યપાન સાથે રાજાના રસોડામાંથી ઘી, દૂધ વગેરેની ઉત્તમ ૨સોઇ પણ આવવા લાગી. થોડા જ વખતમાં પૂજ્યશ્રીનો રોગ ગાયબ થઇ ગયો. પણ મદ્યપાનની લત ઘૂસી ગઇ. બકરું તો નીકળી ગયું, પણ ઊંટ ઘૂસી ગયો ! અમારા પૂજ્ય ગુરુદેવને મદ્યપાનની આદત પડી ગઇ. રાજાના રસોડાની ઉત્કૃષ્ટ વાનગી આરોગવી, મદ્યપાન કરવું અને આખો દિવસ સૂઇ રહેવું. આ જ એમના મુખ્ય કામો બની રહ્યા. પ્રતિક્રમણ, પડિલેહણ, સ્વાધ્યાય, ધ્યાન, જાપ આદિ બધું જ અભરાઇએ ચડી ગયું. પ્રમાદના પિશાચે અમારા ગુરુદેવ પર જોરદાર કબજો જમાવી
દીધો.
ગુરુદેવની આવી હાલત જોઇને બધા શિષ્યો રવાના થઇ ગયા. આવા પ્રમાદી ગુરુથી આપણને શો ફાયદો ? આ તો લોખંડની નાવ ! સ્વયં પણ ડૂબે અને બેસાડનારને પણ ડૂબાવે ! ગુરુને લોખંડની નાવ સમજીને બધા જ શિષ્યોએ ગુરુનો ત્યાગ કરી દીધો અને કોઇ નવા આચાર્યનો આશ્રય લીધો... પણ મેં ગુરુનો સાથ ન છોડ્યો. મને ગુરુ પ્રત્યે અગાધ બહુમાન હતું. ગુરુએ જે સર્વવિરતિ પ્રદાન કરીને, ગ્રહણ
આસેવન શિક્ષા પ્રદાન કરીને મારા પર અનહદ ઉપકાર કરેલો તેનો
બદલો હું આ ભવમાં કોઇ પણ રીતે વાળી શકું તેમ ન્હોતો. એમાંય જ્યારે બધા જ શિષ્યોએ મારા ગુરુને છોડી દીધા હોય ત્યારે તો હું એમને છોડી જ કેમ શકું ? અત્યારે જ તો ખાસ મારી જરૂર હતી. જ્યારે ગુરુ ચારે બાજુથી શિષ્યોથી ઘેરાયેલા હોય ત્યારે તો સેવા કરવા બધા જ પડાપડી કરે, પણ જ્યારે કોઇ ન હોય ત્યારે પણ જે તત્પર રહે તે જ ખરો શિષ્ય ! ‘સુખ વેળા સજ્જન ઘણા, દુ:ખ વેળા હો વિરલા સંસાર' દુ:ખ વખતે પણ સાથ ન છોડે તે જ સાચો શિષ્ય ! સાચો નોકર ! સાચો મિત્ર ! સાચી પત્ની કે સાચો મંત્રી જાણવો !
શાસ્ત્રોમાં પણ માતા-પિતા, ધર્માચાર્ય અને પાલક વ્યક્તિ - આ ત્રણને મહાન ઉપકારી ગણવામાં આવેલા છે. ગમે તેટલું કરવામાં આવે છતાં તેમનો પ્રત્યુપકાર થઇ શકે નહિ - એમ કહ્યું છે.
પરકાય - પ્રવેશ - ૨૦૭