________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધનકુમારે વિશ્રામ કર્યો. બીજી વાર તે મૃત્યુના મુખમાંથી પાછો આવ્યો!
તેને યોગી મહેશ્વરદત્તની સ્મૃતિ થઈ આવી.. એ સમુદ્રકિનારો.. એ યોગીનું મિલન... પરિચય થવો... આગ્રહ કરીને ગરુડ-મંત્ર આપવો... તપોવનમાં જવું.... ફલાહાર કરવો... વગેરે પ્રસંગો એની આંખ સામેથી પસાર થવા લાગ્યા. તે મનોમન બોલવા લાગ્યો : “મહેશ્વરદત્ત, તેં મારા પર મહાન ઉપકાર કર્યો! જો તે મને ગરુડમંત્ર ના આપ્યો હોત તો અત્યારે હું જીવિત ન હોત. છેવટે તો એ શ્રાવક કસાઈને મારો વધ કરવો જ પડત... કસાઈ પણ કેવો છે? કેવી એની ઉદાર અને ઉદાત્ત વિચારધારા છે..જો એણે ઉતાવળ કરીને મારો વધ કરી નાખ્યો હોત તો? ઠીક છે, મરવાનો મને ભય નથી, પરંતુ રાજકુમારને નિર્વિષ કરવાનું પવિત્ર કાર્ય હું ના કરી શકત. ચાલો, મારા જીવનમાં એક સત્કાર્ય તો થયું! હું મહેશ્વરદત્તનો ઉપકાર ક્યારેય નહીં ભૂલી શકું... એવી રીતે આ કસાઈને પણ નહીં ભૂલી શકાય...”
વિચારો કરતાં કરતાં ધનકુમાર ઊંઘી ગયો. ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. એક પ્રહર વીતી ગયો. મંત્રીએ એને જગાડ્યો, અને બંને રાજમહેલમાં ગયા. મહારાજાએ એક રાજપુરુષને કહ્યું : “તમે ચંડાળને બોલાવીને પૂછો કે એ શું ઇરછે છે?” રાજપુરુષે કસાઈને રાજમહેલના બાહ્ય ભાગમાં બોલાવીને પૂછયું : “હે લોહિતમુખ, મહારાજા તારા ઉપર પ્રસન્ન થયા છે, તારી જે ઇચ્છા હોય તે કહે, મહારાજા તારી ઇચ્છા પૂર્ણ કરશે.'
ચંડાળે પૂછયું : “એ પરદેશી યુવાનને મહારાજાએ મુક્ત કર્યો કે?” “અરે, એમાં તને શંકા છે? એને તો એ જ સમયે મુક્તિ આપી દીધી હતી કે જ્યારે રાજકુમારને એણે નિર્વિષ કર્યો હતો. અત્યારે એ મહારાજાની પાસે જ બેઠો છે.. હવે તું તારી અભિલાષા જણાવ.'
મારે આ વધકાર્યથી મુક્તિ જોઈએ છે, કાયમી મુક્તિ! “અરે, માગી માગીને આવું માગ્યું? ધન માગ, વૈભવ માગ, ઘર અને જમીન માગ..!
ના જી, મારે બીજું કાંઈ જોઈતું નથી. હું સમુચિત અર્થપુરુષાર્થ કરી આજીવિકા પૂરતું ધન કમાઇ લઇશ. મને તો આ નિદનીય અને આ ભવ-પરભવ બગાડનારું વધકાર્ય ન જોઈએ. એનાથી મુક્તિ જોઈએ.”
રાજપુરુષે મહારાજાને ચંડાળની ઇચ્છા કહી બતાવી. મહારાજાએ ધનકુમાર સામે જોઈને કહ્યું : “ખરેખર આ ચંડાળ વિવેકી છે અને નિર્લોભી છે!'
ધનકુમારે કહ્યું : “મહારાજા, એ માત્ર ચંડાળની જાતિમાં જન્મ્યો એટલું જ, બાકી તે મહાનુભાવ છે. માટે આપ એની ઇચ્છા પૂર્ણ કરો.”
પ૭૪
ભાગ-૨
ભવ ચોથો
For Private And Personal Use Only