________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Ꮽ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રીજા દિવસે ધનશ્રીએ ‘કામણ-પ્રયોગ’ કરી દીધો ધનકુમાર ઉપર, બહુ ઠંડા કલેજે એણે ધનકુમારને મારી નાખવાનો ઉપક્રમ બનાવી દીધો. પૂર્વજન્મોથી મારવાની વાસના લઈને જ ચાલી આવતી હતી. એ વાસના એને ઝંપવા ન જ દે.
‘કામણ-પ્રયોગ’ એટલો ગુપ્ત રીતે ધનશ્રીએ કર્યો... કે ના ધનકુમારને ખબર પડી, ના નંદકને ખ્યાલ આવ્યો. ધનશ્રીએ એ બંને સાથે વ્યવહાર એવો જ પ્રેમભર્યો રાખ્યો, કારણ કે પ્રયોગની અસર સાત દિવસ પછી શરૂ થવાની હતી, અને સાત દિવસ પછી એ અસર શરૂ પણ થઈ ગઈ.
ધનકુમારના પેટમાં દુખાવો શરૂ થઈ ગયો... ‘ખાવા-પીવામાં ફેરફાર કરવાથી દુખાવો મટી જશે.' એમ સમજીને એણે ઔષધોપચાર ના કર્યો... પરિણામે પેટ ફૂલવા માંડ્યું અને વેદના વધવા લાગી, સાથે સાથે એના બંને હાથ સુકાવા લાગ્યા... જાણે કે અંદરના માંસ અને લોહી અદૃશ્ય થવા લાગ્યાં. તેનું મુખ સૂઝી ગયું. સોજા આવી ગયા. તેની પુષ્ટ જંઘાઓ ક્ષીણ થવા લાગી.
થોડા દિવસો વીત્યા, હાથ-પગમાં છિદ્રો પડ્યાં... તેમાંથી રસી નીકળવા લાગી. ભૂખ મરી ગઈ. વારંવાર તરસ લાગવા માંડી. પાણી પેટમાં ટકતું નહીં. સમુદ્રમાર્ગમાં અચાનક મહાવ્યાધિમાં ધનકુમાર પટકાઈ ગયો. નંદક ગભરાઈ ગયો... રક્ષકસૈનિકો ઉદાસ અને મૂઢ બની ગયા. મુખ્ય નાવિક સૂરદેવ પણ ચિંતામાં પડી ગયો. એકમાત્ર ધનશ્રી અંદરથી રાજી હતી! બહારથી તો તેણે રોવાનું નાટક શરૂ કરી જ દીધું હતું.
નંદકે ધનશ્રીને કહ્યું : ‘દેવી, કુમારને આવો મહાવ્યાધિ કેવી રીતે લાગુ પડી ગો? શું થશે? મારો મિત્ર... મારો માલિક... જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલાં ખાય છે... અને અહીં આપણી પાસે કોઈ ઔષધ નથી, ઉપચાર કેવી રીતે કરવો?'
ધનશ્રીએ પોતાના મુખ પર ઘોર ઉદાસીનતાની ચાદર ઓઢીને કહ્યું : ‘નંદક, આ સમુદ્રની હવા એમને અનુકૂળ ના આવી, એ સિવાય મને બીજું કોઈ કારણ દેખાતું નથી...’
નંદકે કહ્યું : ‘આપણે જે બંદરે પહોંચવાનું છે, તે બંદર હવે નજીક છે, એમ સૂરદેવ કહે છે. ત્યાં જઈને સર્વપ્રથમ આપણે વૈદ્યને શોધીને ધનકુમારનો ઔષધોપચાર શરૂ કરી દેવો પડશે... જો ધનકુમારને કંઈ ન બનવાનું બની ગયું... તો હું મારા નગરશ્રેષ્ઠીને મોઢું બતાવવા લાયક નહીં રહું. એટલું જ નહીં હું જીવતો જ નહીં રહી શકું...' નંદકની આંખોમાંથી બોર બોર જેવડાં આંસુ ટપકવા માંડવાં.
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
us