________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધનકુમા૨નો ઉત્સાહ વધી ગયો. એણે તૈયારીઓ આરંભી દીધી.
ધનકુમારને તામ્રલિપ્તીનો સમુદ્રતટ ખૂબ ગમતો હતો. ક્યારેક તે એકલો વહેલી સવારે ફરવા જતો, ક્યારેક ધનશ્રી સાથે જતો તો ક્યારેક નંદકની સાથે જતો. એવી રીતે સંધ્યાસમયે જો વેપારનું કામકાજ ના હોય તો, તે સમુદ્રકિનારે પરિભ્રમણ કરતો રહેતો.
એક દિવસ પ્રભાતસમયે સમુદ્રસ્નાન કરવા માટે તે નંદક સાથે જતો હતો, ત્યાં અચાનક તેણે રાજમાર્ગની એક ગલીમાં લોકોનો કોલાહલ સાંભળ્યો. તે ઊભો રહી ગયો. ત્યાં એક યુવાન દોડતો... તેની પાસે આવીને, પગમાં પડી ગયો... ‘મને બચાવો...’ કહીને કરગરવા લાગ્યો. પેલું માણસોનું ટોળું ગલીમાં ઊભું હતું. યુવાનના શરીર પર માત્ર લાજ ઢાંકવા પૂરતો જૂના... ગંદા કપડાનો ટુકડો વીંટાળેલો હતો. હાથ ઉપર અને છાતી પર તીક્ષ્ણ નખના ઉઝરડા પડેલા હતા. બે હાથની હથેળીઓ સફેદ દેખાતી હતી. પાન ખાવાથી એના હોઠ લાલ થયેલા હતા... કરમાઈ ગયેલાં ફૂલોની એક માળા... જેમ તેમ મસ્તકે વીંટાળેલી હતી. તે ભયભીત હતો, ધનકુમારે પૂછ્યું : ‘તને કોનો ભય છે?’
‘હે આર્ય! પેલું જે માણસોનું ટોળું ઊભું છે, એ બધા જુગારી છે, તેમનાથી મને બચાવો...'
‘યુવાન, તું શાન્ત થા. ચિંતા ના કર. સ્વસ્થ બનીને કહે કે એ જુગારીઓ શા માટે તને સતાવે છે?’
‘હે શ્રેષ્ઠ પુરુષ, મારું દુર્ભાગ્ય ઉદયમાં આવ્યું છે. હું શું કહું? કારણ બતાવવા મારી જીભ ઊપડતી નથી....
ધનકુમારને આગંતુક યુવાનની મુખાકૃતિ. એની વાણી... ઉત્તમ કુળના માણસ જેવી લાગી... ધનકુમારે કહ્યું : ‘મિત્ર, હવે તું ચિંતા છોડી દે. કયા મનુષ્યને જીવનમાં સુખ-દુઃખ નથી આવતાં? સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ... આ ચક્ર ચાલ્યા જ કરે છે. માટે તારા ભયનું, ઉપદ્રવનું જે કારણ હોય તે કહી દે.'
યુવાનને આશ્વાસન મળતાં... તેની આંખોમાંથી આંસુ પડવા લાગ્યાં. તેનો સ્વર ગદ્ગદ થઈ ગયો... તેનું હૃદય પશ્ચાત્તાપથી બળવા લાગ્યું. તેણે ધનકુમા૨નાં બે ચરણ પકડીને કહ્યું :
હે આર્યશ્રેષ્ઠ, હું કુલાંગાર છું... મેં મારા વર્તમાન જીવનને વેડફી નાખ્યું છે... પરલોકને બગાડી નાખ્યો છે... હું નિન્દિત છું. વિષવૃક્ષના ફળ જેવો છું... સજ્જનો મારાથી સો હાથ દૂર રહે છે... હું આર્ય, હું કુસુમપુરનો નિવાસી છું. મારું નામ મહેશ્વરદત્ત છે. હું જુગારની લતે ચઢી ગયો છું. પરિણામે મારી આ અવદશા થઈ છે...'
૫૩૬
ભાગ-૨ * ભવ ચોથો
For Private And Personal Use Only