________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાલસેને ફરીથી પૂછ્યું : ‘હે ભદ્ર, મરવાનું તો છે જ, પણ મરીને તું સ્વર્ગમાં જઈશ, માટે કહે... તારી ઈચ્છા પૂર્ણ કરું?
છતાં પેલો પુરુષ મૌન રહ્યો. તેની બધી ઈચ્છાઓ મરી ગઈ હતી. ધરણ કાલસેનની વાત સાંભળતો હતો. તેણે વિચાર્યું : ‘ખરેખર, મારે પણ આ જ રીતે મરવાનું છે, તો આ દીન-હીન પુરુષનો ઘાત મારે ના જોવો પડે અને એને થોડો વધુ સમય જીવવાનો મળે... તે માટે હું જ સ્વયં પહેલો બલિ બની જાઉં.'
ધરણે, કાલસેનના સેવક કુરંગકના કાનમાં કહ્યું : ‘ભાઈ, તારા આ માલિકને વિનંતી કર કે આ બિચારો પુરુષ ભયભીત બની ગયો છે એટલે એના પૂર્વે મારો બલિ ધરાવી દે. એને કહે કે તમારું જે પ્રયોજન હશે તે હું સિદ્ધ કરી આપીશ.'
કુરંગકે કાલસેનને વાત કરી, કાલસેને કહ્યું : ‘એ પુરુષને મારી પાસે લાવ.' ધરણ કાલસેનની પાસે ગયો... કાલસેને તેને કહ્યું : ‘દેવીને બલિ ધરાવવા પૂર્વે હું તારી છેલ્લી ઈચ્છા પૂર્ણ કરીશ. માટે જીવન સિવાય તારે જે માંગવું હોય તે માગી લે.’
ધરણે કહ્યું : ‘આ પુરુષને છોડી દો, અને મને મારો.’
કાલસેન વિસ્ફારિત નયને ધરણને જોઈ રહ્યો... એની આંખો ભીની થઈ ગઈ. ‘કેવો પરોપકારી પુરુષ છે આ? આ તો મને સાર્થવાહની સ્મૃતિ કરાવે છે... એના જેવો જ આનો ચહેરો છે... ને એના જેવા જ આના બોલ છે... શું આ પોતે જ સાર્થવાહ હશે?' કાલસેનના હાથમાંથી તલવાર છૂટી ગઈ... ને તે મૂર્ચ્છિત થઈ, જમીન પર ઢળી પડ્યો... મંદિરમાં હાહાકાર થઈ ગયો...’ દેવીનો પ્રકોપ થયો... દેવીનો પ્રકોપ થયો...' કોલાહલ થવા લાગ્યો, ભીલયુવાનોએ કાલસેન ઉપર વીંઝણાથી પવન નાખવા માંડયો. શીતલ પાણીનો છંટકાવ કર્યો. કાલસેન થોડી વાર પછી, ભાનમાં આવ્યો. ધ૨ણ ભીંતના સહારે જઈને, ઊભો હતો. કાલસેને પાસે ઊભેલા યુવાનને કહ્યું : ‘કુમાર, જો તો એ મહાનુભાવ કોણ છે? ખરેખર, મને તો એ સાર્વવાહ પોતે લાગે છે.’
યુવાન ધરણની પાસે ગયો, એને ધારીધારીને જોયો... અને તરત જ કાલસેનને કહ્યું : ‘એ જ છે, એ જ છે. આપ સ્વયં એને જુઓ... એ જ મહાપુરુષ છે...'
કાલસેન ધરણની પાસે આવ્યો. ધરણને સ્થિર દૃષ્ટિથી જોયો. ઓળખ્યો... અને એના હૃદયમાં અપાર હર્ષ થયો. તેણે આજ્ઞા કરી : ‘કુમાર, આ મહાપુરુષનાં બંધન ખોલી નાખો.’
કુમારે ધરણને બંધનમુક્ત કર્યો. કાલસેન ધરણનાં ચરણોમાં પડી ગયો. તેની આંખોમાં આંસુ ઊભરાયાં. તેણે કહ્યું :
‘હે મહાપુરુષ, હે સાર્થવાહ, મારા આ અપરાધની મને ક્ષમા આપો.’
શ્રી સમરાદિત્ય મહાકા
For Private And Personal Use Only
ay