________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માટેનો માલ ભર્યો. ૫૦૦ પોઠ ભરી. ૧૦૦ સશસ્ત્ર ઘોડેસવાર સૈનિકો આપ્યા. રસ્તામાં ખાવા-પીવાનો સામાન... રાવટીઓ... તંબુઓ વગેરે બધી જ સામગ્રી તૈયાર કરાવી, તંબુઓ વગેરે સુશોભિત બનાવ્યા હતા, જ્યાં પડાવ પડે ત્યાં જાણે એક નાનકડું સુંદર ગામ વસી જાય એ જાતનું આયોજન કર્યું.
નગરમાં સર્વત્ર ધનકુમારના પરદેશગમનની ચર્ચા થવા લાગી. ધનશ્રીએ જ્યારે આ વાત જાણી હતી, તે ખૂબ રાજી થઈ હતી. તેને પોતાના યથેચ્છ દુરાચરણનો માર્ગ સાવ મોકળો થતો લાગ્યો હતો. પરંતુ એક દિવસ નંદકે આવીને કહ્યું : ‘સુંદરી, મારે પણ કુમાર સાથે પરદેશ જવાનું છે. કુમારે મને સાથે ચાલવા કહ્યું અને મેં હા પાડી છે.'
‘તેં શા માટે હા પાડી? તારે ના પાડવી જોઈતી હતી... તું હજુ પણ કોઈ બહાનું બતાવીને ના પાડી દે....
‘એ ના બને. મારે કુમારની સાથે જવું જ પડે.’
'તને મારો વિચાર નથી આવતો? તને એમ નથી થતું કે કુમારના પરદેશ ગયા પછી ધનશ્રી સાથે દીર્ધકાળપર્યંત હું યથેચ્છ ભોગસુખ ભોગવીશ... ધનશ્રીને અપાર સુખ આપીશ...?’ હું તો દિન-રાત તારા વિચારોમાં જ ખોવાયેલી રહું છું... અને તને જાણે મારી પડી જ નથી...' ધનશ્રી રોવા લાગી,
‘તું રો નહીં. તું મને સમજવાનો પ્રયત્ન કર. મારી પરિસ્થિતિનો વિચાર કર, જિંદગી માત્ર ભોગસુખોમાં જ સાર્થક નથી બનતી. જિંદગીનાં બીજા પણ કર્તવ્યો હોય છે. આ હવેલીમાં મારો જન્મ થયો છે. દાસીપુત્ર હોવા છતાં, શેઠ અને શેઠાણીએ મને પુત્રવત્ પાળ્યો છે. કુમારે ભાઈ કરતાંય વિશેષ માન્યો છે... શું મારે એમના તરફનાં કર્તવ્યોનું પાલન નહીં કરવું જોઈએ? તું જ કહે.
‘તો પછી તું તારા કર્તવ્યોનું પાલન કરતો રહે, મારી પાસે ના આવતો... ' ધનશ્રી રિસાઈ ગઈ.
‘અરે સુંદરી, એમાં રિસાવાનું શા માટે?’
‘સાચી વાત તો એ છે કે હું તને ગમતી જ નથી... મારે તો પતિનો સંગ ગયો અને પ્રેમીનો સંગ પણ ગયો... હું એકલી રઝળી પડી...' વળી એ રડી પડી... પણ રુદન સાચું ન હતું. એકમાત્ર અભિનય હતો.
‘જો તું મને ગમતી ના હોત, તો શેઠ અને મિત્રનો વિશ્વાસઘાત કરત ખરો? અને હજું કંઈ જ બગડી ગયું નથી. તું પતિ સાથે અને પ્રેમી સાથે, બંનેની સાથે રહી શકે છે!
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
૫૯