________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
IY૧૨0H1
તપસ્વિનીના પવિત્ર દેહનો અગ્નિસંસ્કાર કરી, સરોવરમાં સ્નાન કર્યું. ભગવાન કુલપતિની અનુમતિ લઈ, અર્મ અમારા વિમાનમાં ગોઠવાયાં. કુલપતિ અમારા વિમાન સુધી આવ્યા. કુમાર અજિતબલના મસ્તકે હાથ મૂક્યો. મેં બે હાથ જોડી વિનંતી કરી :
ભગવાન, ક્યારેક રથનૂપુર પધારવા કૃપા કરજો. મારા યોગ્ય સેવા સૂચિત કરજો.” તેઓએ હાથ ઊંચો કરી, આશીર્વાદ આપ્યા.. ને અમારું વિમાન આકાશમાર્ગે વહેવા માંડ્યું.
અમે સહુ મૌન હતાં. અમારા હૃદય વેદનાથી વલુરાતાં હતાં. મારું મન કુલપતિના વિચારોમાં ચઢી ગયું હતું. તપસ્વિનીના મૃત્યુથી માંડી, અમે વિમાનમાં બેઠાં, ત્યાં સુધી હું સતત કુલપતિની સાથે હતો. મને તેઓ અંદરથી હલી ગયેલા લાગ્યા. જોકે તેઓ ત્રિકાળજ્ઞાની છે... છતાં તેમનામાંય એક ધબકતું હૃદય છે ને! હવે આશ્રમમાં તેમને ઓળખનાર, તેમને સમજનાર... બીજું કોઈ હતું નહીં... તપસ્વિનીની આશ્રમમાં ઉપસ્થિતિ રહી ત્યાં સુધી કુલપતિ નિશ્ચિત હતા. આશ્રમની તમામ જવાબદારી તપસ્વિનીએ ઉઠાવી લીધી હતી. કુલપતિ હમેશાં તપસ્વિની સાથે જ વાર્તા-વિનિમય કરતા. કુલપતિનું મન તપસ્વિનીના ઉચ્ચતમ વ્યક્તિત્વ તરફ વાત્સલ્યથી બંધાયેલું હતું. અને માટે જ જ્યારે ચિતા સળગતી હતી ત્યારે કુલપતિની આંખો ભીની થઈ હતી. તેઓ જ્યારે અમને વિદાય આપવા વિમાન પાસે આવ્યા... ત્યારે પણ તેમનું મન ભારે ભારે લાગતું હતું. મેં એટલે જ રથનૂપુર આવવા આમંત્રણ આપ્યું.
0 0 0 અમે રથનૂપુર આવી ગયાં. હું મારા રાજ્યનાં કાર્યોમાં ગૂંથાઈ ગયો. વિલાસવતી ગૃહકાર્યોમાં અને અજિતબલ કુમારના પાલન તથા અધ્યાપનના કાર્યમાં ગૂંથાઈ ગઈ. કલાચાર્યો પાસે એને અનેક કલાઓનું શિક્ષણ અપાવવા માંડ્યું. અનંગસુંદરી અમારા મહેલમાં જ, વિલાસવતીની પાસે રહેતી હતી. સગી બહેનો કરતાંય વધારે સ્નેહ હતો એ બંનેનો. વસુભૂતિ મારી સાથે રાજ્યનાં કાર્યોમાં સંલગ્ન રહેતો હતો. તેણે રાજસભામાં કોઈ પદ સ્વીકાર્યું ન હતું. છતાં સમગ્ર મંત્રીમંડળ વસુભૂતિને માન આપતું હતું અને એની સલાહ-સૂચના લેતું હતું. અમારા બંનેના પ્રેમ અખંડ હતો, અભંગ હતો. . શ્રી સમરાદિત્ય મહાકથા
૮પ
For Private And Personal Use Only