________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવી, એમાં મહારાજાનો દોષ નથી. મારો જ દોષ છે. મેં પૂર્વજન્મમાં કોઈ નિર્દોષ ઉપર કલંક મૂક્યું હશે? માટે પિતા ઉપર રોષ ના રાખીશ.'
એ મૌન થઈ ગઈ. મેં કહ્યું :
‘દેવી, ચાલો મળી આવીએ એ બધાને. હવે આપણે ક્યાં ચાલીને કે સમુદ્રમાર્ગે જવું છે? વિમાનમાં બેસીને જવાનું છે. એકાદ પ્રહરમાં આપણે તામ્રલિપ્તી પહોંચી શકીશું. એકાદ દિવસ રોકાઈને, પાછાં આવી જઈશું.'
‘કદાચ મારી માતા વધુ રોકાવાનો આગ્રહ કરશે તો?’
‘તો એમને અહીં લઈ આવીશું. પુત્રીનો વૈભવ તો જોવા મળશે. બીજી પણ એક વાત છે... તામ્રલિપ્તીમાં વસુભૂતિને પણ એક વ્યક્તિ સાથે મળવાનું થઈ જશે.’
‘કોણ, અનંગસુંદરીને?’
‘હા, અને જો એ કુમારી હશે તો વસુભૂતિ સાથે એનાં લગ્ન પણ કરી દઈશું.' વિલાસવતી આનંદિત થઈ ગઈ.
‘પછી એ બંને અહીં આવશે. મારી પ્રિય સખી મારી સાથે રહેશે...'
‘તો તામ્રલિપ્તી જવાનું નક્કી!'
‘ક્યારે?’
‘એક દિવસ પછી.’
એક વિમાનમાં હું, વિલાસવતી અને વસુભૂતિ બેઠાં. બીજા વિમાનમાં પવનગતિ, અમિતગતિ અને ચંડસિંહ બેઠા. વિલાસવતીએ એની માતા માટે, સખીઓ માટે અને મહારાજા માટે, ઘણાં વસ્ત્રો અને અલંકારો લીધાં. બીજી પણ ઘણી દિવ્ય વસ્તુઓ લીધી.
અમારાં બે વિમાનો તામ્રલિપ્તી તરફ ઊડવા લાગ્યાં. એક પ્રહરના અંતે અમે તાપ્રલિપ્તીના બાહ્ય ઉદ્યાનમાં ઊતર્યાં. મેં પવનગતિને કહ્યું : 'તું રાજમહેલમાં જા અને મહારાજા ઇશાનચંદ્રને કહે કે ‘તમારી પુત્રી વિલાસવતી નગરના બાહ્ય ઉદ્યાનમાં બેઠી છે. બસ, આટલું કહીને પાછો આવી જા.’
પવનગતિ પહોંચ્યો રાજમહેલમાં, મહારાજા ઇશાનચંદ્રને સંદેશો આપ્યો... મહારાજા સાંભળીને ઊભા થઈ ગયા... હર્ષના આવેગમાં, તેમણે પવનગતિના બંને ખભા પકડીને પૂછ્યું :
‘હે મહાપુરુષ, આપનો પરિચય?’
‘વિદ્યાધર-નરેન્દ્ર સનત્કુમારનો હું દૂત છું. તેઓની આજ્ઞાથી જ હું અહીં આવ્યો છું...' ‘વિદ્યાધર-નરેન્દ્ર સનત્કુમાર?' મહારાજા ઇશાનચંદ્ર વિચારમાં પડી ગયા... એ સનત્કુમારનો તો મેં વધ કરાવી નાખ્યો હતો... આ કોઈ બીજા સનત્કુમાર હશે...'
શ્રી સમરાદિત્ય મહાકથા
૮૦૩
For Private And Personal Use Only