________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૧૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આજે વહેલી સવારથી આશ્રમ પ્રવૃત્તિશીલ બની ગયો હતો. કારણ કે આજે સુર્યોદય સમયે, આશ્રમના કુલપતિ ભગવાન દેવાનંદનું પુનરાગમન થવાનું હતું. તાપસકુમારો, તાપસકન્યાઓ... અને તાપસીઓ... સહુ પોત-પોતાનાં પ્રાભાતિક કાર્યોમાં વ્યસ્ત હતાં. આશ્રમભૂમિને વાળીને સ્વચ્છ કરવામાં આવી હતી. હવનમંડપમાં હવનની સામગ્રી ગોઠવવામાં આવી હતી, કુલપતિ આશ્રમમાં આવીને, પહેલાં હવન
કરવાના હતા.
તપસ્વિની ભગવતીએ સ્નાનાદિથી નિવૃત્ત થઈ, શરીર પર શ્વેત વસ્ત્ર ધારણ કર્યુ હતું. કપાળે ભભૂતિનું તિલક કર્યું હતું. એક હાથમાં રુદ્રાક્ષની માળા હતી અને બીજા હાથમાં પુષ્પોની છાબ હતી. હું અને વિલાસવતી પણ હાથમાં પુષ્પમાળાઓ લઈને, તપસ્વિનીની પાસે ઊભાં હતાં. આશ્રમનાં મુખ્ય ચોકમાં કુલપતિ આકાશમાંથી અવતરત થવાના હતા. મૃગનું ટોળું પણ ત્યાં આવી ગયું હતું. મોર અને ઢેલનાં જોડાં પણ ત્યાં ચોકમાં નાચી રહ્યાં હતાં. વૃક્ષો પર કોયલની કૂક ચાલુ હતી.
પૂર્વ દિશામાં ભગવાન અંશમાલિની પધરામણી થઈ. સહુની દૃષ્ટિ આકાશ તરફ મંડાણી. બે-ચાર ક્ષણમાં જ આકાશમાર્ગે કુલપતિ આવતા દેખાયા. આશ્રમવાસીઓએ કુલપતિના નામનો જયજયકાર કરી દીધો.
કુલપતિએ ચોકમાં ઉતરાણ કર્યું. પોતાનો ડાબો હાથ ઊંચો કરી, આશીર્વાદ આપ્યા. આશ્રમવાસીઓએ સમૂહ-સ્તવના કરી.
કુલપતિને પહેલવહેલા જ જોયા. તેઓની કાયા પડછંદ હતી. મોટી આંખોમાં કરુણાની સ્નિગ્ધતા હતી. તેમના શરીર પર ભગવા રંગનું વસ્ત્ર હતું. તેમનો વર્ણ ગૌર હતો. તેમની મુખાકૃતિ સૌમ્ય અને આકર્ષક હતી. તેમના મસ્તકે જટા હતી અને લાંબી શ્વેત દાઢી... છાતીને ઢાંકતી હતી. તેમના એક હાથમાં રુદ્રાક્ષની માળા હતી. સમગ્રતયા જોતાં તેઓ પ્રતિભાસંપન્ન પ્રભાવશાળી યોગી દેખાતા હતા. મૂળ તો તેઓ વિદ્યાધર હતા એટલે આકાશગામિની વિદ્યા તેમને પહેલેથી જ વરેલી હતી.
તપસ્વિની ભગવતીએ જેવું વર્ણન કર્યું હતું કુલપતિનું, મેં તેવાં જ તેમને જોયાં. તેઓ હવનમંડપ તરફ ચાલ્યા. તેમની પાછળ તપસ્વિની માતા ચાલ્યાં અને પાછળ બીજા બધા આશ્રમવાસીઓ ચાલ્યા. હવનમંડપમાં કુલપતિએ સ્વયં હવન કર્યો. મંત્રોચ્ચાર કર્યાં... અને પછી તેઓ બોલ્યા :
‘રાજપુત્ર સનત્કુમાર અને વિલાસવતી અહીં આવો. મારું નામ સાંભળતાં, હું રોમાંચિત થઈ ગયો. અમે બંને ઊઠ્યાં અને જઈને કુલપતિનાં ચરણોમાં વંદના કરી.
શ્રી સમરાદિત્ય મહાકા
૫૩
For Private And Personal Use Only