________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમે દુગ્ધપાન કર્યું અને ફળાહાર કર્યો. પાણી પીને ઊભાં થયાં. તપસ્વિનીને પ્રણામ કરી, તેમની આજ્ઞા લઈ અમે પુષ્પો લેવા તથા કાષ્ઠ લેવા ઉપવનમાં ગયા. મેં વિલાસવતીને કહ્યું : ‘સુંદરી, આપણે ગિરિનદીના કિનારે જઈએ, જ્યાં મેં કેટલાક દિવસ પસાર કર્યા હતા. સર્વપ્રથમ તને મળ્યા પછી... તારા ચાલ્યા ગયા પછી, હું ગિરિનદીના તટ પર ગયો હતો... પર્વતની કોતરોમાં ગયો હતો... એ પ્રદેશ પણ ઘણો જ રમણીય છે.'
‘પ્રાણનાથ, જ્યાં તમે રહ્યા હતા, એ પ્રદેશમાં મને લઈ ચાલો! મારે એ પ્રદેશ જોવો છે...’ અમે નદીના કિનારે પહોંચ્યા. નદીતટની અપૂર્વ પ્રકૃતિશોભા જોઈને, વિલાસવતી હર્ષવિભોર બની ગઈ. સર્વત્ર એક માધુર્યપૂર્ણ આલોક છવાયેલો હતો. નદીના ગંભીર તરંગો પર સૂર્યનાં લાલ કિરણો નાચી રહ્યાં હતાં. અનેક શ્વેત પક્ષીઓ નદીનાં પાણીમાં જલક્રીડા કરી રહ્યાં હતાં. હવા કંઈક વેગથી વહી રહી હતી. તટવર્તી વૃક્ષપંક્તિઓ હવાથી ઝૂમી રહી હતી. તેમાંથી એક કર્ણમધુર ધ્વનિ નીકળતો હતો. અમે બંને સ્તબ્ધ બનીને, કુદરતના આ સૌન્દર્યનું પાન કરવા લાગ્યાં. મેં કહ્યું :
‘સુંદરી, કાલે આપણે જે પર્વતમાંથી આ નદી નીકળે છે, તે પર્વત પર જઈશું. ક્યાંક ખળખળ કરતાં ઝરણાં વહે છે... તો ઊંચી પથ્થરશિલાઓની વચ્ચેથી નીચે પાણીનો ધોધ પડે છે... આપણે એ ધોધમાં સ્નાન કરીશું. પર્વતનાં કોતરોમાં પરિભ્રમણ કરીશું. ગુફાઓમાં પર્ણશૈયા બનાવી વિશ્રામ કરીશું.’
વિલાસવતી આનંદવિભોર થઈ ગઈ. મારા ખભા પર બે હાથ ટેકવી, મારી આંખો સાથે આંખો મેળવીને તે બોલી : ‘મારા નાથ, આવો મુક્ત આનંદ ના તાપ્રલિપ્તીમાં મળત, કે ના શ્વેતાંબીમાં મળત... આ તો દેવલોકનું નંદનવન છે
નંદનવન.’
‘અને આશ્રમ છે દેવલોક, સ્વર્ગલોક, ખરું ને?'
‘તદ્દન સાચું કહ્યું. સ્વર્ગમાં પણ કદાચ આવું પ્રાકૃતિક સૌન્દર્ય નહીં હોય, પ્રાકૃતિક જીવન નહીં હોય... અને આ આશ્રમ જેવા નિઃસ્વાર્થ સંબંધ નહીં હોય... મારા નાથ, આપને શી વાત કરું? આ તપસ્વિની માતા... તો જાણે અમૃતમયી જ છે... બ્રહ્માએ એને નિરાંતની પળોમાં ઘડી છે... ને વિષ્ણુએ તેનામાં છલોછલ અમૃત ભરી દીધું છે. અને આશ્રમના ઋષિકુમારો... તાપસકન્યાઓ... ઓહો! શું એમનો અપાર પ્રેમ છે... મને જુએ છે ને એમની આંખો હસી ઉઠે છે. મારી સાથે વાત કરે છે... ને હર્ષનો સાગર જાણે ઊછળે છે! મહારાજકુમાર, આ આશ્રમનાં મારાં પ્રિય મૃગ-બાળ બતાવીશ તમને. મારા પ્રિય હંસ અને હંસીનાં જોડાં બતાવીશ તમને, મેના અને પોપટની જોડી બતાવીશ તમને, તમારા વિયોગકાળમાં... આ બધાં મારાં સ્વજન બન્યાં છે. એમણે મને જીવનનો આનંદ આપ્યો છે.’
‘સુંદરી, આપણે આશ્રમવાસી બની જઈશું, નહીં?' મેં હસીને કહ્યું. તેણીએ કહ્યું શ્રી સમરાદિત્ય મહાકથા
crc
For Private And Personal Use Only