________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્વેતામ્બીના મહારાજ યશોવર્મા મારા પિતા છે!'
‘ઓહો! શ્વેતામ્બીમાં હું વેપાર અર્થે ત્રણ-ચાર વાર આવેલો છું. મહારાજા યશોવર્મા આપના પિતાજી મહાન રાજા છે. અતિ લોકપ્રિય છે... પરોપકારી અને પ્રજાવત્સલ છે. કુમાર, આપ સુવર્ણભૂમિ સુધી જ જવાના છો કે આગળ?’
શ્રેષ્ઠીવર્ય, અમે આગળ સિંહલદ્વીપ જવાના છીએ, પરંતુ સુવર્ણભૂમિમાં થોડા દિવસ રોકાવાના છીએ.’
‘કુમાર, હું તમારું નામ જાણી શકું?'
‘મારું નામ સનત્કુમાર અને મારા આ મિત્રનું નામ વસુભૂતિ.’
‘સનકુમાર, અહીં આ વહાણમાં આપ કોઈ સંકોચ ના રાખો. આપનું જ વહાણ છે. મારા યોગ્ય જે કોઈ આજ્ઞા હોય તે કરજો, વહાણ ઉપરના બધા જ સેવકો આપની આજ્ઞા માનશે. હું બધાને કહીં દઉં
છું.’
અમને બંનેને ઘણો આનંદ થયો. અમે અમારા ઓરડામાં ગયા. પોત-પોતાના પલંગ પર બેઠા. હવે અમારે ઊંઘી જવાનું હતું. બીજું કોઈ કામ ન હતું. વહાણ સડસડાટ સુવર્ણભૂમિની દિશામાં વહી રહ્યું હતું. વસુભૂતિ ઊભો થયો અને પશ્ચિમ દિશાની બારીમાં જઈને ઊભો રહ્યો.
મને એનું મૌન અકળાવતું હતું. જોકે વાત કરવાનો સમય હમણાં જ મળ્યો હતો... પરંતુ એ મારી સાથે વાત કરવાના બદલે બારી પાસે જઈને ઊભો રહ્યો... તેથી મારું મન થોડું વિક્ષુબ્ધ થયું. મને એના માટે વિચારો આવવા લાગ્યા. “મારી ખાતર એને પણ રઝળવું પડે છે... શું એ કંટાળ્યો હશે? મેં એને રાણી અનંગવતી સાથે બનેલી ઘટનાની વાત નથી કરી, તેથી શું એ નારાજ થયો હશે? ના, ના, એ મારા પર નારાજ થાય જ નહીં...” હું ઊભો થયો. એની પાછળ જઈને ઊભો રહ્યો. સમુદ્રમાં ઊછળતા તરંગોને જોઈ રહ્યો. આકાશ સ્વચ્છ હતું. પવન શીતલ હતો. વાતાવરણ પ્રસન્ન હતું.
‘વસુ!’ વસુભૂતિએ માથું ફેરવીને મારી સામે જોયું. મેં એના ખભે હાથ મૂક્યો... અને એની બાજુમાં બારી પાસે ઊભો રહ્યો.
‘વસુ, ન બનવાનું બની ગયું... કલ્પના બહારનું બધું બની ગયું...’
‘એવું શું બની ગયું કુમાર?’ વસુભૂતિએ પૂછ્યું.
‘મહારાણી અનંગવીએ દાસી દ્વારા મને બોલાવ્યો... સરળભાવે હું ગયો... મહારાણીને માતા-સ્વરૂપે જાણીને પ્રણામ કર્યા... ત્યાં તો એણે મને સંભોગ માટે પ્રાર્થના કરી! મિત્ર, માથે વીજળી પડે ને જેવો ઝાટકો લાગે, તેવો મને ઝાટકો લાગ્યો... મેં સ્પષ્ટ ના પાડી દીધી, મેં એને સમજાવવા ઘણો પ્રયત્ન કર્યો... પરંતુ એ વિષયાંધ બની હતી. એ એકની એક વાત રટતી હતી... શરીરસુખની! એ મારા પર મોહિત થઈ ગઈ હતી. છેવટે હું એના ચરણોમાં પ્રણામ કરી બહાર નીકળી સીંધો શ્રી સમરાદિત્ય મહાકા
993
For Private And Personal Use Only