________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“મેં તને કહેલું જ છે કે અમે બે અંતરંગ મિત્રો છીએ.... એકબીજાથી કંઈ જ ગુપ્ત રાખતા નથી. પણ એમાં તારે ગભરાવાની જરૂર નથી.. હું તારું અપહરણ કરી જઈશ ત્યારે મારો આ મિત્ર મને સહાય કરશે!
‘હાય... હાય, તમે મારું અપહરણ કરી જ શો? ના બાબા ના, જો જો એવું કરતા... નહીંતર મારા વિના મારી સ્વામિની ક્ષણ વાર નહીં જીવી શકે!” ‘પણ તારા વિના મારો મિત્ર જીવી નહીં શકે, એનું શું?' મહારાજ કુમાર, તમે જ એમના જીવનાધાર છો! હું જાણું છું બધી વાત!”
મેં અનંગસુંદરીને “ભુવનસાર” નામનો મારો હાર આપીને કહ્યું : “સુંદરી, આ હાર તું તારી સ્વામિનીને આપજે.”
અનંગસુંદરી હાર હાથમાં લઈને બોલી : “મહારાજકુમાર, મારી સ્વામિની કેટલી બધી પ્રસન્ન થશે... તમારો આ ઉપહાર જોઈને!”
મેં અનંગસુંદરીને કહ્યું : “સુંદરી, કોઈ સંકોચ રાખ્યા વિના તું અહીં આવતી-જતી રહેજે. આ ઘર તારું છે, એમ સમજજે.
અનંગસુંદરી ચાલી ગઈ.
દિનપ્રતિદિન અમારો પ્રેમ વધતો ચાલ્યો. દિવસો ઝડપથી પસાર થવા લાગ્યા. વસુભૂતિ અને અનંગસુંદરી પણ વધુ નિકટ આવી ગયાં હતાં. કોઈ અવરોધ ન હતો, કોઈ ચિંતા ન હતી. ક્યારેક પ્રચ્છન્ન તો ક્યારેક પ્રગટ, અમે આનંદ-પ્રમોદમાં લીન રહેતા હતા. હું કાંકદીને તો જાણે ભૂલી જ ગયો હતો, અને માતા-પિતાની સ્મૃતિ પણ આવતી ન હતી.
એક દિવસ હું કુમારવાસમાંથી બહાર નીકળતો હતો, ત્યાં એક દાસીએ આવીને મને પ્રણામ કર્યા, અને ધીમા સ્વરે પૂછુયું : “આપ જ રાજપુત્ર સનકુમાર છો?' મેં કહ્યું : “હા,' તેણીએ કહ્યું : “આપને મહારાણી અનંગવતી યાદ કરે છે. અને તમને તમારી અનુકૂળતાએ મળવા બોલાવ્યા છે. દાસી ચાલી ગઈ.
હું ઊભો રહી ગયો. મારા મનમાં પ્રશ્ન ઊઠ્યો : “મહારાણી મને શા માટે બોલાવતાં હશે? મેં એમને જોયાં નથી... કદાચ એમણે મને પણ જોયો નથી. હા, રાજસભામાં ક્યારેક મને જોયો હોય. પરંતુ એમને મારું શું કામ પડ્યું હશે? હશે, એમણે મને બોલાવ્યો છે તો મારે જવું જોઈએ. મહારાજાનો મારા પર અતિ સ્નેહ છે, એટલે બીજી તો મને કોઈ ચિંતા નથી. આટલા દિવસથી વિલાસવતી સાથે મારે પ્રેમસંબંધ થયો છે, છતાં ક્યારેય મહારાજ તરફથી કોઇ અવરોધ આવ્યો નથી, તો આ તો માતા પાસે જવાનું છે!'
શ્રી સમરાદિત્ય મહાકથા
SEE
For Private And Personal Use Only