________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે મહેલના ઝરૂખામાં જઈને ઊભી રહી. હું પણ એની પાસે જ ઊભી રહી. એ રાજમાર્ગ પરથી જતાં-આવતાં લોકોમાં પોતાના પ્રાણ-વલ્લભને શોધવા લાગી. લગભગ એક ઘટિકા સુધી અમે ઊભી રહી. ત્યાં અચાનક... એ ભૂમિ ૫૨ પટકાઈ પડી. મૂચ્છિત થઈ ગઈ... અમે બધી સખીઓ ગભરાઈ ગઈ એને પંખાથી પવન નાખવા લાગી... મારી આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યાં. બીજી દાસીઓ ચંદનનું વિલેપન લઈ આવી. એના શરીરે વિલેપન કર્યું. કમલ-તંતુઓનો બનાવેલો હાર દાસીઓ લઈ આવી. તે હાર તેને પહેરાવ્યો. શીતલ જલનો છંટકાવ કર્યો... થોડી વાર પછી એણે આંખો ખોલી. અનેક રાતોના ઉજાગરાથી તેની આંખો લાલ થઈ ગયેલી હતી. એના કાન પાસે મુખ લઈ જઈને મેં પૂછ્યું : ‘દેવી, તમને શાની પીડા થાય છે?' એણે મારી સામે જોયું.. ધીમા સ્વરે તે બોલી : ‘તેના દર્શન ના થયાં... સુંદરી...’
મેં કહ્યું : ‘નિરાશ ના થાઓ સ્વામિની, ધીરજ રાખો. મેં તેને શોધી કાઢ્યો છે... અવસરે, જલદીથી હું તમારો એની સાથે મેળાપ કરાવી આપીશ!' મારી આ વાત સાંભળી... એના મુખ પર સ્મિત આવી ગયું... તેણે પોતાની કમરેથી કંદોરો ખોલી મને ભેટ આપી દીધો...
અમે હજુ ઝરૂખામાં જ બેઠાં હતાં, ત્યાં વિલાસવતીની માતા રાણી લીલાવતી ત્યાં આવી ચઢ્યાં. અમે બંને સખી ઊભી થઈ, માતાનું અભિવાદન કર્યું. માતાએ કહ્યું : ‘બેટી, તારા પિતાજીએ કહેવરાવ્યું છે કે આજે તારે એમની પાસે જઈને વીણાવાદન કરવાનું છે... માટે પુત્રી, તું તારી વીણા તૈયાર કર.'
‘ભલે મા, મારું સ્વાસ્થ આજે સારું નથી, છતાં જો પિતાજીની આજ્ઞા જ છે, તો હું વીણાવાદન કરીશ...'
વિલાસવતી રાણી સાથે ચાલી ગઈ.
હું મારા ઘરે આવી. ચિંતાના સાગરમાં ડૂબી ગઈ છું.
‘એ... પરદેશી યુવાનને ક્યાંથી શોધી કાઢવો? આવતી કાલે મારી સખીને હું શો જવાબ આપીશ?' હે વસુભૂતિ! આ મારી વ્યથાનું કારણ છે, મારું દુ:ખ છે...'
‘સુંદરી, આ જ ચિંતા છે ને?’ છોડી દે ચિંતા, એ પરદેશી યુવાનને હું ઓળખું છું!' ‘તમે ઓળખો છો? કેવી રીતે?' અનંગસુંદરીની આંખો વિકસ્વર થઈ ગઈ. તેનું મુખ કમળની જેમ ખીલી ઊઠ્યું.
‘સુંદરી, એ યુવાન મારો મિત્ર છે. મારા જીવન કરતાંય વધારે પ્રિય છે... જોકે એ તો રાજકુમાર છે... હું એનો દાસ કહેવાઉં... છતાં અમારો સંબંધ મિત્રતાનો છે. શ્વેતાંબીનગરીના રાજા યશોવર્માનો પુત્ર સનત્કુમાર છે એ! વસંત-ઉત્સવના દિવસે રાજમાર્ગ પરથી અમે જતા હતા, ત્યારે તારી સખીએ એના પર પુષ્પમાળા નાખી હતી અને કુમારે તેને પ્રેમથી સ્વીકારી હતી... મેં એ દૃશ્ય દૂરથી જોયું હતું!’
968
ભાગ-૨ * ભવ પાંચમો
For Private And Personal Use Only