________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભીંત ઉપર શૌર્યરસના તથા શૃંગારરસનાં રમણીય ચિત્રો ચિત્રિત કરવામાં આવ્યાં હતાં. દરેક ખંડમાં એક-એક પલંગ, ચાર-ચાર ભદ્રાસનો અને એક-એક કાષ્ઠાન મૂકવામાં આવ્યાં હતાં. દરેક ખંડમાં ઉત્તર અને દક્ષિણ દિશામાં કલાત્મક ઝરૂખાઓ કાઢવામાં આવ્યા હતા.
કુમારવાસની રક્ષા માટે, દ્વાર પર બે સશસ્ત્ર સૈનિકો ખડે પગે ઊભા રહેતા હતા. અમારી સેવામાં બે નોકરો અને બે પરિચારિકા રાખવામાં આવી હતી. નોકરોનું કામ હતું કુમારવાસને સ્વચ્છ રાખવાનું અને અમારું બહારનું કામ કરવાનું. અમારા સવારના દુગ્ધપાનથી માંડી સાંજના ભોજન સુધીની જવાબદારી પરિચારિકાઓની હતી. અમારી ઇચ્છા જાણીને તેઓ અમને મનગમતી વાનગીઓ જમાડતી. તે પરિચારિકાઓ સુંદર હતી, તેવી જ મધુરભાષી અને હસમુખી હતી.
બહાર જવા અમારા માટે બે અશ્વો કુમારવાસની નાની સ્વચ્છ અશ્વશાળામાં બાંધેલા રહેતા હતા. એ અશ્વોની સંભાળ દ્વારરક્ષકો રાખતા હતા.
પહેલું કામ અમે અમારા નવા વસ્ત્રો સિવડાવવાનું કર્યું. મારી પાસે લગભગ ૧૦૦ સોનામહોરો હતી. અલબત્ત, મારા ગળામાં એક લાખ મુદ્રાનો રત્નહાર હતો અને જમણા હાથની અનામિકા ઉપર એટલી જ કિંમતની રનની મુદ્રિકા હતી. વસુભૂતિ પાસે પચાસેક સોનામહોરો હતી અને એક સ્વર્ણહાર એના ગળામાં હતો. એટલે અમે ભંડારી પાસેથી એક સોનામહોર પણ મંગાવતા નહી. મેં અને વસુભૂતિએ અનેક પ્રકારનાં સુંદર વસ્ત્રો બનાવ્યાં, મારા વસ્ત્ર રાજકુમારને યોગ્ય બનાવ્યાં, વસુભૂતિનાં વસ્ત્રો શ્રેષ્ઠીકુમારને શોભે તેવા બનાવ્યાં.
એક દિવસ નગરના એક ઝવેરીને બોલાવી, મેં મારી હિરાજડિત મુદ્રિકા વેચી નાખી. એક લાખ સોનામહોરો ઝવેરીએ મને મોકલી આપી... એટલે અમારે દાન અને ભોગમાં કોઈ સંકોચ કરવાનો રહ્યો નહીં. અવારનવાર હું પરિચારિકાઓને, નોકરોને અને મહેલના રક્ષકોને સારા-સારા ઉપહાર આપતો હતો. તેથી તેઓ બધા પ્રસન્નચિત્ત રહેતાં હતાં.
અમે બંને મિત્રો, પ્રતિદિન સંધ્યાસમયે નગરની બહાર દૂર-દૂર... અશ્વારૂઢ બની ફરવા નીકળી જતા. એકાદ પ્રહર અમારો વનવિહારમાં પસાર થઈ જતો. એવી રીતે, નગરના નાના-મોટા મહોત્સવમાં પણ અમે જતા. દિવસના બીજા પ્રહરમાં, અમે રાજસભામાં જતા, રાજસભામાં અમને ખૂબ આનંદ થતો. મહારાજ ઇશાનચંદ્ર મને તેઓની પાસે જ બેસાડતા. વસુભૂતિ મોટા ભાગે શ્રેષ્ઠીઓની હરોળમાં જઈને બેસતો.
ક્યારેક મહારાજાની સાથે હું બહારગામ પ્રવાસે પણ જતો. ત્યારે વસુભૂતિ કુમારવાસમાં એકલો રહેતો. ધીરે ધીરે મોટા ઘરના યુવકો સાથે અમારી દોસ્તી થવા માંડી હતી. તેઓ અમારા મહેલમાં આવતા, અમે એમના ઘરે જતા. ધીરે ધીરે નગરમાં અમારાં નામ પ્રસિદ્ધ થવા લાગ્યા. મારા પરોપકારી સ્વભાવના કારણે, શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only