________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેવા મુનિ ઘરમાંથી બહાર નીકળી ગયા, ધનશ્રીએ પોતાની દાસીને કહ્યું : 'તું આ મુનિની પાછળ-પાછળ જા. આ મુનિ ક્યાં રહેલા છે તે જાણીને પાછી આવ.' દાસીએ મુનિનો પીછો કર્યો.
ધનશ્રીએ વિચાર્યું : “આ મારો પતિ ધનકુમાર જ છે... સમુદ્રમાં પડવા છતાં એ મર્યો નથી! જીવતો રહી ગયો. ને સાધુ બની ગયો. અહીં ઠેઠ કૌશામ્બીમાં આવી ગયો! મેં તો માની લીધું હતું કે હવે મારે એનું અપ્રિય દર્શન કરવાનું નહીં જ બને! પણ હું અભાગણી છું.. અનિચ્છાએ પણ એનાં દર્શન થઈ ગયાં... પરંતુ જેવી રીતે મેં એને ઓળખી લીધો, તેવી રીતે એણે મને ઓળખી લીધી હશે તો? એ ઘરમાં આવ્યો ને તરત નીકળી ગયો..
ભલે આવ્યો આ નગરમાં, હવે હું એવો ઉપાય કરીશ... કે એ જીવતો રહે જ નહીં. શી ખબર, સાધુવેષમાં એ અમને શોધતો શોધતી અહીં આવ્યો હોય? પરંતુ એ કંઈ પણ કરે, એ પહેલા હું એને જ પતાવી દઈશ.”
ધનકુમાર મુનિને જોતાંની સાથે ધનશ્રી તીવ્ર વેરભાવનાથી સળગી ઊઠી. મુનિની પાછળ ગયેલી દાસીની પ્રતીક્ષા કરવા લાગી. | મુનિરાજને એ દિવસે ભિક્ષા ના મળી. તેઓ એક ઉદ્યાનમાં ગયા અને વિશુદ્ધ ભૂમિ જોઈને કાયોત્સર્ગ-ધ્યાનમાં ઊભા રહી ગયા. દાસી દૂર એક વૃક્ષની પાછળ થોડી વાર ઊભી રહી. દિવસ અસ્ત થવામાં માત્ર ચાર ઘટિકા બાકી હતી. દાસીએ વિચાર્યું : “આ મુનિ હવે અહીં જ રહેશે... કારણ કે તેમણે ધ્યાનનો પ્રારંભ કર્યો છે.”
દાસીએ ઘેર આવીને ધનશ્રીને, મુનિ જે ઉદ્યાનમાં રહ્યા હતા, તે ઉદ્યાનના સમાચાર આપ્યા.
નંદક ઘેર આવી ગયો હતો. ધનશ્રીએ નંદકને કહ્યું : “તમને યાદ છે, તમે ગયા મહિને બીમાર પડી ગયા હતા...? એ વખતે મેં ભગવતી નગરદેવીની માનતા માની હતી કે હું કૃષ્ણપક્ષની અષ્ટમીના દિવસે ઉપવાસ કરી, દેવીના મંદિરમાં રાતવાસો કરીશ... પરંતુ પ્રમાદથી હું એ વાત ભૂલી ગઈ.... અને અષ્ટમી પણ ચાલી ગઈ. ત્યાર પછી મને સ્વપ્નમાં દેવીએ પ્રેરણા આપી... “ઉપવાસ કર અને રાતવાસો મારા મંદિરમાં કર.” પછી હું ઊંધી ગઈ. પ્રભાતે મારે તમને વાત કરવી હતી, પરંતુ તમે વહેલા બહાર ચાલ્યા ગયા.... એટલે તમને સ્વપ્નની વાત ના કરી શકી. પરંતુ આજે મેં ઉપવાસ કર્યો છે. રાત્રે હું દેવીના મંદિરમાં જઈશ. માટે દેવીની પૂજા માટેની સામગ્રી મને લાવી આપો.”
નંદકે પૂજાની સામગ્રી લાવી આપી, અને કહ્યું : “રાત્રિનો સમય છે, માટે તારી સાથે બે સેવકોને લઈ જા.”
બે સેવકો અને દાસી સાથે ધનશ્રી, દેવીના મંદિરે પહોંચી. દાસીએ ઉદ્યાનમાં ધ્યાનસ્થ રહેલા મુનિને દૂરથી બતાવ્યા. ધનશ્રીએ ધ્યાનથી એ જગ્યા જોઈ લીધી. શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only